તારા સંસ્કાર
તારા સંસ્કાર


મેં મનથી નક્કી કરેલી કે હું કયારેય એ ઘરમાં પગ નહિ મુકૂ. મને નફરત હતી. મારા લગ્ન બાદ સાસરી પક્ષનું વાતાવરણ પિયર કરતાં બધી રીતે જુદુ હતુ. ઘણીવાર મને થતુ કે હું આ ઘર છોડીને જતી રહુ. પણ બીજીજ મિનીટે મારા પ્રેમાળ સાસુ અને પતિનો ચહેરાે નજર સમક્ષ દેખાતો. અને મારો વિચાર બદલઈ જતો. પરંતુ આખરે એક દિવસ સહન કરવાની શક્તિજ ના રહી. અમે જુદા થઈ ગયા. આમ પણ સસરાના બોલવામાં સભ્યતા નેા સતત અભાવ. એમના શબ્દકોશમાં પ્રેમ શબ્દોનો અભાવ અને બિભત્સ શબ્દોનો વિપુલ ભંડાર.
જયારે પિયરનું ઘર સાહિત્યકારોનું ગણાતું. જયાં કોઈ ઊંચા સાદે બોલે પણ નહીં. જયાં કોઈ પણ વાતમાં પૈસો ના આવે. જયારે એમની દરેક વાત પૈસાથી શરૂ થઈ પૈસા પર જ પુરી થતી. એ વાતાવરણમાં હું બિમાર રહેવા લાગી. આખરે અમે જુદા રહેવા ગયા જવાની આગલી રાત્રે એમના બિભત્સ શબ્દોનો વિપુલ ભંડાર અમારા માટે ખુલ્લાે મુકઈ ગયો હતો. બસ ત્યારથી જ મેં નક્કી કરેલુ કે હું આ ઘરમાં પગ નહીં મુકુ.
પરંતુ જયારે મારા પપ્પાને ખબર પડી કે મારા સસરા બિમાર છે અને અમે ત્યાં નથી ગયા ત્યારે એમને મને જે પત્ર લખેલો એ તો હું આજે પણ ભુલી શકું એમ નથી. એમને મને ઘણી શિખામણ આપેલી. જે મને આજે પણ યાદ છે. એમને લખેલું કે 'તમારા ઘરમાં શું થયું હતું, તમે કેમ જુદા રહેવા ગયા એ મારે જાણવું નથી. જોકે તમે જુદા રહેવા ગયા એ મને ગમ્યું નથી. પરંતુ જો તમે એમની ચાકરી કરવા નહીં જાવ તો મારા સંસ્કાર લજવાશે. તમારી દલીલ હતી કે એમને ભરપૂર બિભત્સ શબ્દોનો પ્રયોગ કર્યો. એ વાત ભલે સાચી હોય પરંતુ એ જે બોલ્યા એ એમના સંસ્કાર હતા પણ હવે તું તારી સારાસ ના છોડીશ.'
'બીજી પણ એક વાત યાદ રાખજે કે દુશ્મનને મારવાની જરૂર નથી હોતી એને મારવો હોય તો એને પ્રેમ આપો જેથી એ એના વર્તન બદલ શરમ અનુભવે. એમની પાસે બોલવા માટે એક શબ્દ પણ ના બચે. તારામાં આટલુ સામર્થ્ય છે તું કરી શકીશ. જો એ એમના સંસ્કાર ના છોડે તો તું તારા સંસ્કાર શા માટે છોડે છે ? સર્પ ચંદનના ઝાડ પર રહે છે તો પણ એનું વિષ જતુ નથી જયારે ચંદન એની સુવાસ છોડતું નથી. તારામાં મારા સંસ્કાર છે એની સુવાસ ચારેબાજુ ફેલાવજે.' આ પત્રની અસર અમારા ઉપર થઈ અમે ત્યાં ગયા. ત્યારે ખરેખર મારા સસરા એ કહેવું પડયું કે 'અમને બહુ સંસ્કારી વહુ મળી છે.'
એક પત્ર સંદેશ તમને હમેશ યાદ રહેશે.