purvi patel

Inspirational

4  

purvi patel

Inspirational

સુપરરરરર સુમી

સુપરરરરર સુમી

4 mins
283


સુકલકડી અને ભીનેવાન છોકરી. દીકરાનો જન્મથી એક પગ જરા ટૂંકો એટલે સમાધાન કરી ગામથી વહુ પરણાવી તો લાવ્યા પરંતુ મનમાં સ્થાન આપી ન શક્યા. પતિદેવને પણ દેખાવ ગમતો નહોતો, પરંતુ ખોડવાળા સાથે લગ્ન કરે પણ કોણ ? એટલે પતિદેવ માટે પણ જીવનનું સૌથી મોટું સમાધાન એટલે એની પત્ની સુમી.

સુમી ઘરમાં લગભગ બધા માટે ઉપેક્ષિત પાત્ર. સ્વભાવે શાંત, સરળ અને સંસ્કારી પણ, દેખાવે સામાન્ય. ગામડે મોટી થયેલી એટલે કામકાજમાં પાવરધી અને શરીરે મજબૂત. લગ્ન પછી ઘરની લગભગ બધી જવાબદારી ઉઠાવી લીધેલી. ઘરમાં કોઈ પણ કામ કે જરૂરત પૂરી  કરવા માટેનું સાધન એટલે સુમી. બસ, નાણાકીય વ્યવહાર છોડીને. સાસુમાને આ બાબતે પોતાનો હક્ક જતો હોય એવું લાગે. વળી, ભરોસો પણ ઓછો. દિયર પરણીને રૂપાળી ઢીંગલી જેવી વહુ લાવ્યો. દેરાણી દેખાવે તો ઢીંગલી જેવી જ હતી, પણ કામમાં પણ એવી જ, જાણે કચકડુ. સોમે સાજી તો મંગળે માંદી. એનામાં શારીરિક મજબૂતી કે રોગ પ્રતિકારક શક્તિ જેવું કોઈ મળે જ નહીં. પરંતુ દુનિયા તો રૂપની દિવાની. દેરાણીના તો ઘરમાં પડ્યા બોલ ઝીલાય. 'હશે,નસીબ એના' એમ કરી સુમી મન મનાવતી.

તમામ કાર્યો કરતી સુમી જાણે ઘરમાં બધા માટે સુપરવુમન પરંતુ કદર જરાય નહીં. કોઈના મનમાં તેના માટે ક્યારેય કોઈને એવો વિચાર આવતો જ નહીં. ગામડિયણ છે, કામ કરવા સિવાય બીજું શું કરવાની ! બસ. આવું જ કંઈક બધાનું માનવાનું. સુમીની પણ કોઈક જરૂરીયાત હોઈ શકે છે, એવી તો કોઈને લગીરે પરવા નહોતી ઘરના કામ, રસોઈ, સભ્યોની દેખરેખ, મહેમાનોની આવ-ભગત, માતા-પિતાની સેવા- ચાકરી, ઘર બહારના કાર્યો... કંઈ પણ હોય બધું સુમીના ભાગે જ. આ બધા ક્ષેત્રે સુમી હવે પાવરધી થઈ ગઈ હતી. ઘરમાં નાના- મોટા રીપેરીંગના કાર્યો પણ હવે તો તે કરી લેતી હતી.

એક દિવસ સાસુજી સવારથી બેચેન જણાતા હતા. સુમીએ બે-ત્રણ વાર પૂછ્યું,

"બા, કંઈ થાય છે ?" 

પરંતુ, હંમેશની જેમ સાસુની નારાજગી એના પર વરસી પડી, "મુઈ, તને ગમારને શું સમજ પડે?, તું તારું કામ કર." 

થોડી વાર સુધી દેરાણી સાસુજીની સાથે મીઠી મીઠી વાતો કરી, પછી ખૂબ સિફતથી બહેનપણીઓ સાથે લંચ કરવા ઉપડી ગઈ. દિયર અને પતિદેવ કામ પર નીકળી ગયા. ઘરમાં રહ્યા સાસુ-સસરા અને સુમી. બાર વાગ્યા સુધીમાં તો સાસુની તબિયત વધારે બગડી. સસરાજી ડોક્ટરને ફોન લગાવતા રહ્યા, પરંતુ કોઇ ડોક્ટરનો સંપર્ક થઈ શક્યો નહીં. પતિ અને દિયર પાસે ફોન હતો નહીં. તેમના ઘરેથી બે ચાર ઘર છોડીને જ સરકારી દવાખાનુ હતું. સુમીએ ડરતા ડરતા સાસુજીને ત્યાં લઈ જવાનું સસરાજીને સૂચન કર્યું. પરંતુ સસરાજી સરકારી દવાખાને જવા તૈયાર ન હતા. સુમીએ ઘણુ સમજાવ્યા કે,' અહીં બાને પ્રાથમિક સારવાર મળી જાય, પછી કોઈ મોટા ડોક્ટરને બતાવી દેશું. પરંતુ સુમીની વાત હંમેશની જેમ સસરાજીએ ઉડાવી દીધી. બાની તબિયત વધુ બગડવા લાગી, તેમને શ્વાસ લેવામાં પણ હવે તકલીફ પડવા લાગી. આખરે બાજુવાળા છોકરા સાથે પતિદેવને સંદેશો પહોંચતો કરાવ્યો. સાડીનો છેડો એક તરફ ભેગો કરી, કમરે ઊંચેથી ખોસ્યો, સસરાજી હજી કાઈ સમજે એ પહેલાં, ફટાક કરતાં સાસુજીને બે હાથમાં ઊંચક્યા અને કહ્યું કે," બાપુજી, હું બાને લઇને સરકારી દવાખાને જાઉં છું. આવું હોય તો આવો!"

સુમીએ જે રીતે સાસુજીને ઉચકી લીધા, સસરાજી તો આભા જ બની ગયા. ઝડપથી ઘરને તાળું વાસી તે તો સુમીની પાછળ દોડ્યા. દવાખાને પહોંચી સુમીએ સાસુજીને ડોક્ટરને સુપ્રત કર્યા. પ્રાથમિક સારવાર શરૂ કરી દેવાઇ. ઘરના બધા એના પર જ ગુસ્સે થશે, એવો તેને અંદેશો હતો. તે લોબીમાં એક બાંકડા પર બેસી ગઈ. સસરાજી ડોક્ટર સાથે વાત કરી રહ્યા હતા. સુમી મનમાં તો ગભરાતી હતી કે, તેણે કોઈ ખોટું પગલું નથી ભર્યું ને! તે મનોમન સાસુજી સારા થાય તે માટે પ્રાર્થના કરતી રહી.

થોડી વારે દિયર-દેરાણી અને પતિદેવ આવી પહોંચ્યા. પતિદેવે એક તીખી નજર સુમી પર નાખી અને સીધા ડોક્ટર પાસે પહોંચી ગયા. દિયર અને દેરાણીએ સુમનને સંભળાવવામાં કશું બાકી રાખ્યું નહીં. આવું અવિચારી પગલું ભરવા બદલ એ લોકો સુમીને સંભળાવી રહ્યા હતા. એ જ સમયે પતિદેવે પાછળથી આવી દિયરને ચૂપ થવા કહ્યું.

"સુમી, મને માફ કરી દે. ડોક્ટર સાથે વાત કરતાં ખબર પડી કે તરત સારવાર ન મળતે તો, હું આજે મારી માને ગુમાવી ચુક્યો હોત. બાપુજીએ મને કહ્યું, કે કેવી રીતે તું બાને ઊચકીને, ચાલીને અહીં સુધી લઈ આવી. ખૂબ હિંમત અને તાકત જોઈએ આમ કરવા માટે... અમે તારી કદર ન કરી શક્યા. આજે જો તું ન હોત તો, મારી મા કદાચ જીવતી ન હોત. તું તો મારા ઘર માટે જાણે સુપરમેન સાબિત થઇ. મને માફ કર સુમી, મને માફ કરી દે."

સુમી, "સુપરમેન નહીં સુપરવુમન" 

ને પતિદેવ હસી પડ્યા. આખરે સુમીએ બધાના મનમાં પણ જગ્યા બનાવી લીધી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational