nayana Shah

Inspirational

3  

nayana Shah

Inspirational

સુપર હીરો

સુપર હીરો

3 mins
329


આજે પણ રમણીક રોમેશને મળવા આવેલો. દર વખતની જેમ આજે પણ એ રોમેશને સમજાવતા કહેતો હતો કે તું મારી વાત સમજવા પ્રયત્ન કર મારા એક ઓળખીતા જયોતિષને બતાવવા ચલ. એનું ભવિષ્ય ભાખેલું એકદમ સાચું પડે છે પણ તું દરેક વખતે ના જ કહે છે. અમારા કુળદેવતા તો સાક્ષાત છે. તું મારી સાથે દર્શન કરવા માટે તો આવ.

રોમેશ મેં તારા જેવું કોઈ દુઃખી જોયું જ નથી. ભગવાને જાણે તને પૃથ્વી પર દુઃખ સહન કરવા જ મોકલ્યો છે.

રમણીક તને કોને કહ્યું કે, "હું દુઃખી છું ? મેં તો આ વિષે કયારેય કોઈ ને ફરિયાદ કરી નથી."

"તેં ભલે ફરિયાદ કરી ના હોય પણ હું જોઈ શકું છું. તારો જન્મ થયો એ સાથે જ તારી માતાનું મૃત્યુ થયું બધા તને અપશુકનિયાળ માનતા હતા. ડોકટરે કહેલું કે મા કે બાળક બેમાંથી એક જીવ જ બચશે ત્યારે પપ્પા એ કહેલું માને બચાવજો. પરંતુ તું બચી ગયો અને તારી માતાનું મૃત્યુ થયું એટલે તને તારી અપર મા એ થોડો વખત તને ઉછેર્યાે. એ પછી જયારે એ મા બની ત્યારે તને હોસ્ટેલમાં મુકી દીધો. થોડો વખત તો પૈસા મોકલ્યા ત્યારબાદ પૈસા મોકલવાના બંધ કરી દીધા. ત્યારે તારા ખર્ચને પહોંચી વળવા તું હોટલમાં લોકોના ખાધેલા વાસણો સાફ કરતો રહ્યો. અને સાથે સાથે ભણવાનું પણ ચાલુ રાખ્યું. એ દરમ્યાન તું કાવેરીના પ્રેમમાં પડ્યો. અને તને નોકરી પણ બીજા શહેરમાં મળી. હજી કેટલું દુઃખ સહન કરવાનું બાકી છે ?"

રોમેશ રમણીક સામે જોઈ બોલ્યો, "રમણીક, મારે મન મારો સુપર હીરો કૃષ્ણ છે. કૃષ્ણને તો એના જન્મ પહેલાં તેના મામા એને મારી નાંખવા તૈયાર હતા. એવું જ મારે થયું મારા જન્મ પહેલાં જ નક્કી હતું માને બચાવવા માટે બાળકનું બલિદાન ભલે લેવાય. મને માત્ર દસ વર્ષની ઉંમરમાં હોસ્ટેલમાં મૂક્યો. પછી કયારેય કોઈ મારી ખબર લેવા આવ્યા નથી. શ્રી કૃષ્ણએ પણ ગોકુળ છોડયું પછી કયારેય પાછા ગોકુળ ગયા નહિ. એમની પ્રિયતમાને એ કયારેય ભૂલ્યા ન હતાં. ત્યાં તો એમનાં બાળદોસ્તો હતાં કે જેની સાથે એમણે બાળપણ વિતાવ્યું હતું.

હું તો શ્રી કૃષ્ણની જેમ કર્મનો જ યજ્ઞ કરી છું. શ્રી કૃષ્ણએ ધાર્યું હોત તો મહાભારતનું યુદ્ધ થવા જ ના દીધું હોત. સુદર્શનચક્રથી કૌરવોનો નાશ કરી શક્યા હોત. પરંતુ સારા કર્મ કરવાથી તકલીફો હળવી થઈ જાય છે એ વાત કૃષ્ણએ દુનિયાને શીખવી.

મારી દ્ષ્ટિએ સુપર હીરો કૃષ્ણ છે એવી વ્યક્તિ નહિ કે જે મારામારી કરીને જીતે કે હવામાં ઊડે.

કૃષ્ણ એટલે ખુલ્લા મનથી જીવનને આવકારનાર. પ્રત્યેક ક્ષણ એમણે ભરપૂર માણી છે. એ તો એવી વ્યક્તિ છે કે રાજા હોવા છતાં અશ્વમેઘ યજ્ઞમાં એંઠા પતરાળા ઉઠાવવાના કાર્યમાં પણ નાનમ નથી અનુભવી. બસ કર્મ કરે જવું તે પણ સદ્કાર્ય. કોઈ પણ કામમાં નાનમ નહિ. સારથી બનવામાં પણ નહિ. કે પાંડવોના દૂત બનીને જવામાં પણ નહિ. કોઈનાય પ્રત્યે દ્વેષ નહિ. શિશુપાલની નવ્વાણું ગાળો માફ કરનાર. રાજકીય કાવાદાવાના જાણકાર, ન્યાયી, રાજા હોવા છતાં ય મિત્રના પગ ધોયા. નાનપણમાં પૂતના મા બનીને આવી તો એને માનું સ્થાન આપી મોક્ષ આપ્યો. સંસારમાં રહીને પણ સંસારમાં આસક્ત નથી થયા. તેથી તો જયારે સામે પાર જવાનું હતું ત્યારે યમુનાજીને કહ્યું કે, "જો કૃષ્ણ બાળબ્રહ્મચારી હોય તો અમને રસ્તો આપો અને યમુનાજીએ માર્ગ આપ્યો.

આવા મારા સુપર હીરોને યાદ કરું છું ત્યારે મને કોઈ વાતનું દુઃખ નથી રહેતું. હું તો હરપળ જિંદગીને ખુશીથી આવકારૂ છું. કારણ કૃષ્ણ મારો સુપર હીરો છે."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational