Pallavi Gohel

Tragedy Inspirational

4.7  

Pallavi Gohel

Tragedy Inspirational

સુખની ચાવી

સુખની ચાવી

2 mins
229


મનોમંથનનાં ઊંડા સાગરમાં ડૂબી ગયેલી કાવ્યાને જીવનની ખોવાઈ ગયેલી સુખની ચાવીનું સરનામું નહોતું મળી રહ્યું. કેટકેટલીય ગડમથલ તેનાં મનમસ્તિષ્કને ઝણઝણાવી રહી હતી. સાચું સુખ શું છે ? જે મળ્યું છે તેનો સહર્ષ સ્વીકાર કરી લેવું, કે પછી જે ઈચ્છ્યું છે તેને મેળવવાં સંઘર્ષ કરી પામવાનો આનંદ ! પોતે જ સવાલી અને પોતે જ જવાબી હતી. 

પોતાની દીકરી રાજરાણી બની રાજ કરશે એજ અભિલાષા સાથે કાવ્યાનાં પિતાએ કાવ્યાનો હાથ કર્ણનાં હાથમાં આપ્યો હતો.

દાંપત્યજીવનનાં સોલણાં સપનાઓને સજાવી જ્યારે કાવ્યા સાસરે આવી તો તેનાથી છૂપાવી રાખેલું સત્ય તેની સામે આવ્યું અને તેનાં તૂટેલાં સપનાઓની કરચ હૃદયના ખૂણે ખૂણે ખૂંપી ગઈ. કર્ણ વિવાહિત હતો, પહેલી પત્નીથી તેને એક માનસિક વિકલાંગ બાળક પણ હતું. તેની પહેલી પત્ની ખૂબજ મોર્ડન અને સ્વછંદી સ્વભાવની હતી તેથીજ થોડાં જ સમયમાં તેને આ લગ્ન જીવનથી અકળામણ થવાં લાગી અને તેણે છુટાછેડા લઈ લીધાં હતાં. કદાચ એટલે જ સાદી, સરળ કાવ્યાને પસંદ કરવાનું આજ કારણ હતું કર્ણ પાસે.

કાવ્યા પણ આજે અકળામણ અનુભવી રહી હતી. પોતાની સાથે થયેલાં વિશ્વાસઘાતનાં બદલામાં પોતાનાં માતા-પિતા તરફથી પણ એને આખરે થોડી શીખામણ અને સાંત્વના સિવાય કશું જ નહોતું મળ્યું. જીવન, મૃત્યુનાં વિચારોનાં વંટોળમાં ફલાયેલી કાવ્યાની નજર રસોડામાં રાખેલાં કૂંડા પર પડી. તેને યાદ આવ્યું કે ગુસ્સામાં તેણે મોગરાની વેણી તોડી ઘા કરેલી ત્યારે અમુક કળીઓ આ કૂંડામાં પડી ગઈ હતી. આજે તેમાં સુંદર મજાનાં બે નાનાં છોડ અંકુરિત થયાં હતાં, હવાની લહેરખીઓથી જાણે એ બંને એકબીજાને ગળે મળી રહ્યા હતાં, એકબીજાને ટેકો આપી સંભાળી રહ્યા હતાં. આ જોઈ એનાં હૃદયમાં નવાં ભાવ જાગ્યાં. એ વિચારવા લાગી કે, જે કળીને મેં ક્રોધનાં ભાવ સાથે ઘા કરી હતી, જેને મેં ન તો પ્રેમ આપ્યો, ન તો તેની સંભાળ લીધી હતી. જો એનામાં નવજીવન સંચાર થઈ શકે તો મારા જીવનમાં કેમ નહીં ! મારા જીવનનું બીજ પણ હું અને માળી પણ હું જ બનીશ. કાવ્યાએ કર્ણ અને તેનાં બાળકને કુમળાં છોડની જેમ આલિંગન આપી સહર્ષ સંભાળી લીધાં અને જે મળ્યું તેમાં પોતાની ખુશી માની સુખની ચાવી શોધી લીધી.

ઈશ્વર તરફથી મળેલી માતૃત્વની અણમોલ ભેટને એણે સહજ રીતે પ્રેમથી સ્વીકારી હતી. કર્ણનાં એ બાળકનું કાવ્યા સગી માથી પણ વિશેષ ઉછેર કરી રહી હતી, જાણે એજ એની જનની છે. સમય જતાં કાવ્યાનાં ઉદરમાં પણ એક નવજીવનનો ફણગો ફૂટ્યો અને તેનો પરિવાર સંપૂર્ણ થઈ ગયો. 

જીવન જીવવાની સાચી રીતની ચાવી જો એને મળી ગઈ હતી. બંને સંતાનોને એણે પોતાનાં મમતામયી પાલવમાં પ્રેમ, હૂંફ આપી મોટાં કર્યાં. તેનાં આ સમર્પણ ભાવને લોકોએ પણ નમન કર્યું.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy