Rajul Shah

Drama Inspirational

3  

Rajul Shah

Drama Inspirational

સુખદ સ્મૃતિ

સુખદ સ્મૃતિ

4 mins
14.2K


ક્યારેક પ્રવાસમાં અણધાર્યા એવી વ્યક્તિની મુલાકાત થઈ જાય જે કોઇ વાત સાવ સરળતાથી કહી દે અને જે આપણા માટે જીવનભરની યાદ બની જાય.

એક દિવસની વાત છે. એરપોર્ટ જવા કૅબ મંગાવી. સરસ મઝાની કાર આવીને ઊભી રહી. કાર ખોલીને અંદર બેઠા તો કૅબ-મેન એટલે કે ડ્રાઇવરે અમેરિકન સભ્યતા મુજબ ગુડ મોર્નિંગ કહ્યું. અમે પણ એવી જ રીતે ગુડ મોર્નિંગ કહીને કારમાં જરા સરખી રીતે ગોઠવાયા. ડ્રાઇવરનું નામ હતું આલ્ફ્રેટો.

કાર ચાલુ થઈ. મેઇન રૉડ પર આવતા ગતિ પણ પકડી. ત્યાં સુધી તો અમે પણ શાંતિથી બેઠા હતા એટલે આલ્ફ્રેટોએ એક વિનંતી કરી કે વચ્ચેથી એક લેડીને રાઇડ આપવાની છે જેને પણ એરપૉર્ટ જ જવાનું હતું તો અમને વાંધો ન હોય તો એને પણ એ સાથે લઈ લે.

અમને શું વાંધો હોય? આગળ તો ડ્રાઇવર જોડેની સીટ ખાલી જ હતી. અમે બે જણની જોડે એ માજીને પણ રસ્તામાંથી આલ્ફ્રેટોએ બેસાડ્યા.

પણ જેવી કારની ગતિ પકડાઇ એવી જ ડ્રાઇવરે વાતો કરવાનું ચાલુ કર્યું. પોતાની જાતને અમેરિકન કહેવડાવતા એ ડ્રાઇવરની મા પોર્ટુરિકન હતી અને પિતા ડૉમનિકન રિપબ્લિક્ન હતો.

અને પછી તો કારની ગતિ જેટલી ગતિએ એનો અસ્ખલિત વાણી પ્રવાહ ચાલતો રહ્યો. આખા રસ્તે એ કંઇકને કંઇક વાતો કરતો જ રહ્યો. એની પોતાની, એની પત્નીની, એના બાળકોની. વચ્ચે ટ્રાફિક સિગ્નલ પાસે ઊભા રહ્યા ત્યારે એની એક દિકરીની તસ્વીર બતાવી જેની આંખો અસામાન્ય રીતે અલગ અલગ રંગની કીકી ધરાવતી હતી. માની આંખો બ્લ્યુ હતી અને બાપની બ્રાઉન. દિકરીએ બંનેની આંખનો રંગ લઈ લીધો હતો.

વળી પાછી કાર આગળ વધી. વચ્ચે આવતા ગેસ સ્ટેશન પરના ભાવ વાંચીને ભાવ વધારાથી માંડીને અમેરિકન આર્થિક ફુગાવા વિશે વિશ્લેષણ કરવા માંડ્યુ. વળી પાછું સિગ્નલ પર ઊભા રહેવાનું આવ્યું તો એની તરફનો વિન્ડો ગ્લાસ ઉતારીને બાજુમાં ઊભેલી કારમાં બેઠેલ વ્યક્તિ સામે જોઇને સ્મિત કર્યું અને એકદમ ઉમળકાથી એની સાથે હમણાંથી પ્રચલિત થયેલી રૉક પેપર સિઝર રમત ચાલુ કરી. વળી પાછી ગ્રીન સિગ્નલ મળતા કારને ગતિ આપી. આ દરમ્યાન સતત એક પછી એક વિષયને લઈને એની વાતો ચાલતી જ રહી.

આજ સુધી ભાગ્યેજ આટલી ઉત્સાહિત વ્યક્તિને મળવાનું થયું હશે. પોતાના પરિવાર કે મિત્રો સાથે ઉમળકાથી વર્તવું અને અજાણ્યા સાથે પણ એટલી જ સાહજિકતાથી વાત કરવી એ બંનેમાં થોડો ફરક તો ખરો જ ને? અમને સાચે જ એનો બોલકો સ્વભાવ અને એની નિખાલસતા સ્પર્શી ગયા. આજે તો ઘરમાં રહેતી બે વ્યક્તિઓને પણ ક્યાં એકબીજા જોડે વાત કરવાની ફુરસદ હોય છે ત્યાં આવી અજાણી વ્યક્તિ એની વાતોથી લાંબો રસ્તો ખૂટાડી દે એની જરા નવાઇ તો લાગતી જ હતી. પાછા વાતોના વિષય પણ એકદમ અલગ-અલગ. ભૂતકાળથી માંડીને વર્તમાન સમય અને સંજોગોની વાતોથી લાંબો રસ્તો ક્યાં પુરો થવા આવ્યો એની ખબર ના પડી.

નિર્ધારિત લક્ષ્ય પાસે આવતું ગયું ત્યારે એણે પૂછ્યું, “મારી વાતોથી તમને કંટાળો તો નથી આવ્યો ને? તમને એવું લાગતું હશે ને કે આ કેમ આટલું બધું બોલે છે? વાત જાણે એમ છે કે મને જોઇને મારા માટે અજાણી વ્યક્તિના હાવભાવ જરા ડરેલા હોય એવા હું અનુભવી શકતો હતો.”

એની વાતમાં તથ્ય તો હતું જ કારણકે એ દેખાતો હતો એકદમ હટ્ટો-કટ્ટો. ગોરો વાન, પહાડી કે પડછંદ કહેવાય એવો શરીરનો બાંધો. ગરમીના લીધે બાંય વગરનું ટી-શર્ટ પહેરેલું હતું એટલે એની ગરદન અને બાવડા પરના ભૂરા રંગના લાંબા-ચોડા છુંદણા સ્પષ્ટ દેખાતા હતા. એને જોઇને એ સાદા સીધા ડ્રાઇવરના બદલે ઇટાલિયન માફિયા જેવો વધુ લાગતો હતો. એ જો ચૂપચાપ કાર ચલાવતો હોય તો કારમાં બેઠેલા લોકો પણ ઉચાટમાં જ રહેતા હોય અને કારમાંથી ઉતરીને જાણે રાહતનો ભાવ અનુભવે એવું એને લાગ્યું હતું.

અને સાચી વાત તો એ હતી કે અમે પણ એની કારમાં બેઠા ત્યારે એને જોઇને અમારા મનને રાજીપો તો નહોતો જ થયો.

અત્યંત નિખાલતાથી જ એણે જણાવ્યું કે સામાન્ય રીતે સૌને એવી જ આદત હોય છે કે કોઇનો પણ બાહ્ય દેખાવ જોઇને વ્યક્તિને જાણ્યા વગર જ એના માટે પોતાનો અભિપ્રાય બાંધી લેતા હોય છે અને એટલે જ એણે એની કારમાં બેઠેલા ઉતારુઓ સાથે વાતો કરવાનું અને એક ઉષ્માભર્યો માહોલ બાંધવાનું શરૂ કર્યું.

કારમાંથી ઉતરવાની તૈયારી કરતા હતા ત્યારે એણે એક વાક્યુ કહ્યું, “ડોન્ટ જજ બુક બાય ઇટ્સ કવર."

કેટલી સાચી વાત કરી દીધી એ સામાન્ય ડ્રાઇવરે!

આપણે પણ ઘણી વાર વ્યક્તિને મળીને તરત જ એના વિશે આપણા મનમાં આપણી મરજી મુજબની ધારણાઓ બાંધી જ લેતા હોઇએ છીએ.

અને ઘણીવાર એવું ય બનતું હોય છે કોણ આપણા વિશે શું વિચારતું હશે એ વિચારવાની આપણને જરૂર જ નથી લાગતી. આપણી હાજરી અન્ય વ્યક્તિ માટે સગવડભરી છે કે અગવડભરી એની નોંધ પણ લઈએ છીએ ખરા? આપણી ઉપસ્થિતિથી કોઇને આનંદ મળે તો સારી વાત પણ જરાય તકલીફ ન પડે તો ય ગનીમત.

ત્યારે એક આલ્ફ્રેટો જેવી વ્યક્તિની વાત અને વર્તન ખુબ વિચારવા જેવું લાગ્યું. કોઇની સાથેનો પળ-બે પળનો સાથ-સંગાથ પણ આપણા વર્તનથી કોઇના ય માટે યાદગાર બનાવી શકીએ તો એનાથી ઉત્તમ બીજું શું? આપણી વાણી- વર્તન કોઇના માટે કાયમી સુખદ સ્મૃતિ બની જાય તો એ મુલાકાતની સાર્થકતા વધે.


Rate this content
Log in

Similar gujarati story from Drama