Dina Vachharajani

Inspirational

4  

Dina Vachharajani

Inspirational

સત્યમ્ શિવમ્ સુંદરમ્

સત્યમ્ શિવમ્ સુંદરમ્

3 mins
23.2K


હર-હર મહાદેવ ! ના નાદથી માનસરોવરનો કાંઠો ગૂંજી ઉઠ્યો. ચાર દિવસની કઠીન યાત્રા પછી આ લગભગ પચીસેક જણાનું ગ્રુપ ઢળતી સાંજે અહીં પહોંચ્યું હતું. સામે જ ઊભેલાં કૈલાસ પર્વત નાં દર્શન સૌને ભાવવિભોર કરી રહ્યાં હતાં. કૈલાસ પર તો સાક્ષાત શિવજી બિરાજે અને આ માનસરોવર તો બ્રહ્માનું માનસ સંતાન! એનું સર્જન પહેલાં બ્રહ્માના મનમાં થયું અને પછી પૃથ્વી પર એનું અવતરણ થયું, જે આજ દિવસ સુધી સ્ફટિક શા સ્વચ્છ, શાંત, મીઠા જળથી ઉભરાય છે. એવી માન્યતા છે કે આ પવિત્ર સરોવરમાં સ્નાન કરવા આજે પણ પરોઢીયે દેવતાઓ આવે છે. નસીબદાર હોય એને રંગીન રોશનીનાં શેરડાં રુપે એમનો સાક્ષાત્કાર પણ થાય છે. આ સરોવરમાં વિષ્ણુ ભગવાનનો વાસ હોય છે એમ પણ મનાય છે. આવા બ્રહ્મા, વિષ્ણુ, મહેશનાં આશીર્વાદ સમાં આ સરોવરનાં જળમાં એક ડૂબકી મારો તો ભવોભવનાં પાપ કપાઈ જાય એવી માન્યતા છે.

રાત્રે તો બધાએ કામચલાઉ બાંધેલા તંબુમાં આશ્રય લીધો. પંદર હજાર ફૂટથી વધારેની ઉંચાઈ એ આવેલી આ જગ્યા પર ઠંડી ખૂબ વધારે અને હવામાં ઓક્સિજન ખૂબ ઓછો હોય છે. આને કારણે શ્વાસ લેવામાં થતી તકલીફની સાથે ગાઢ નીંદર આવવી તો અશક્ય હતી..પણ થાકેલા શરીરને આરામ આપવો જરૂરી હતો.

ઉગતા સૂરજની સાથે જ બધાની આંખ ખૂલી ગઇ...આસપાસની સુંદરતા ને પવિત્રતા અવર્ણનીય હતાં. સોનેરી કિરણોથી છવાયેલો કેદાર અલૌકિક ભાસતો હતો........માનસરોવરનો અફાટ જળરાશિ........ઉપર ઝૂકેલું નીલ આકાશ..... પહાડો પર ચમકતો શુભ્ર બરફ.......નજર પહોંચે ત્યાં સુધીની નિર્જન-નિરવ -દેવાંશી સભરતાં વાતાવરણને અલૌકિક બનાવતા હતાં. આ પચીસ જણનાં ગ્રુપમાં ત્રીસથી લઈને સિંત્તેર વરસના યાત્રીઓ હતાં. તેમાં બે ફોરેનર પણ હતાં. જર્મનીથી આવેલી હાન્ના--ને નોર્વે થી આવેલ જિમી......એ બંનેને દુનિયા ફરેલા- પ્રકૃતિ પ્રેમી એવા આકાશ અને ધરા સાથે ચાર દિવસના પ્રવાસમાં ખાસ્સી દોસ્તી થઈ ગયેલી. એ ચારે અને બીજા બે ચાર જણ, બધાથી જુદા પડી પોતપોતાના એકાંતની શોધમાં નીકળી ગયાં. બાકી બધા પૂજા-પાઠ નિત્યક્રમમાં પડી ગયાં.

બ્રેકફાસ્ટ પછી જેને શક્ય હોય એ પવિત્ર કૈલાસ પર્વતની પ્રદક્ષિણા માટે નીકળવાનાં હતાં. પાતળી હવામાં એક એક ડગલું ભરતાં પણ હાંફી જવાય એવામાં હજી વધારે ઉંચાણ વાળે રસ્તે ત્રણ દિવસની પ્રદક્ષિણા !! પેલા બંને ફોરેનર, આકાશ -ધરા ને બીજા ત્રણ જણ એમ ફક્ત સાત જણા તૈયાર થયાં. બાકીનાઓએ માનસરોવરનાં સાંનિધ્યમાં દૂરથી જ શિવજીની આરાધના કરવાનું નક્કી કર્યું.

બરફઆચ્છાદિત પહાડોની વચમાં, ઉપર નીલ ગગન અને નીચે એનું પ્રતિબિંબ ઝીલતાં અનેક નાનાં મોટાં જળાશયોથી આચ્છાદિત રસ્તો- કુદરતના ઐશ્વર્ય પાસે માનવ ને પોતાની પામરતાનું જાણે ભાન કરાવતો હતો. ભગવાન કોઇ મંદિર કે પહાડ પર જ ન વસતાં જાણે આ કુદરતમાં જ વસે છે એવું અનુભવતાં - મંત્રમુગ્ધ બની ચાલી જતા સાતે જણે જ્યારે કૈલાસની સન્મુખ થઈ, નિકટથી એના દર્શન કર્યા ત્યારે મનમાં ધન્યતા ને આંખમાં આંસુ હતાં. શિવજી એક ચૈતન્ય રુપે એમનાં અસ્તિત્વમાં ઉતરતા લાગ્યાં...પેલા બે પરદેશીઓ પણ કોઇ અલૌકિક અનુભવે જાણે વશીભૂત હતાં.

પ્રદક્ષિણા પૂરી કરી જ્યારે સાતે જણ માનસરોવર પહોંચ્યા ત્યારે બાકીના લોકોએ આરતી ઉતારી એમનું સ્વાગત કર્યું. એમને શિવજી સ્વરુપ માની પ્રણામ કર્યા. હાન્ના તો ભારતીયોની ધાર્મિકતા ને ભાવુકતા જોઇ ગદ્ ગદ્ થઇ બોલી " ધીસ ઇઝ પોસીબલ, ઓન્લી ઇન ઇન્ડિયા....."

વળતી સવારે કૈલાસ પ્રદક્ષિણાથી વંચિત રહેલાં લોકોએ પ્રદક્ષિણા કરી આવેલ લોકો ના પવિત્ર હસ્તે, પોત-પોતાની સાથે લાવેલા શિવલીંગ અને રુદ્રાક્ષની સરોવરનું જળ ચઢાવી પૂજા કરાવી જેથી શિવજીની પ્રસાદી રુપે એ સાચવી શકાય..સૌ એ માનસરોવરમાં અંતિમ આચમની લીધી ને પાછા ફરવાની તૈયારી રુપે સામાન ટ્રકમાં ચઢાવી સૌ પોતપોતાની વાનમાં ગોઠવાવા માંડ્યા. હાન્ના-આકાશ ને ધરા એક અંતિમ સમાધિમાં સરોવર કાંઠે બેઠેલાં...વાનમાં બેસવા એ લોકો સહેજ આગળ વધ્યાં કે ત્રણેની નજર કેમ્પ સાઇટની આસપાસ ફરી વળી.... ત્યાં પ્લાસ્ટીકની પાણીની ખાલી બોટલો..સૂપ,મેગી,બિસ્કીટનાં રેપર્સ જેવાં કચરાનાં જાણે ઢગ જ હતાં....એમની આંખોએ અરસપરસ કશીક વાત કરી લીધી..હાન્ના થોડા ઉદાસ સ્વરે બોલી " ધીસ ઇઝ પોસીબલ, ઓન્લી ઇન ઇન્ડિયા...." આ સાંભળી ધરા એ કંઇક નિશ્ચય કર્યો.... વાંકા વળી, પેલો કચરો ઉપાડી, એક મોટી થેલીમાં એણે એકઠો કરવા માંડ્યો...એને આમ કરતી જોઇ રહેલાં બાકી યાત્રીઓ ને આયોજકો પાસે જઇ આકાશ બોલ્યો..." આપણી આસપાસના વાતાવરણને સન્માન આપી એને પ્રદૂષિત ન કરીએ અને શિવજી ફક્ત કૈલાસની ટોચ પર નહીં પણ કુદરત માત્રમાં વસે છે એ જો ન સમજીએ તો આ યાત્રાનો કશો જ અર્થ નથી" ...શરમિંદા થઇ સૌએ ધરાના કામમાં મદદ કરી, ત્યાં પથરાયેલ કચરાનાં થેલા ભરી ટ્રકમાં ચઢાવી દીધાં ત્યારે જાણે પહાડો ગૂંજતા હતાં.... સત્યમ્ ...શિવમ્.....સુન્દરમ્. !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational