સરપ્રાઈઝ ગિફ્ટ
સરપ્રાઈઝ ગિફ્ટ
આજની સવાર પણ મારા માટે લગભગ રોજ સવારની જેમ એક રૂટીન હતી, ફર્ક માત્ર એટલો હતો કે આજે થોડી થોડીવારે વોટ્સએપ પર નોટિફિકેશન આવ્યા કરતું અને મારા ૩૨ વર્ષના જીવનમાં જેટલા પણ લોકો આવ્યા લગભગ એ બધાના વારાફરતી મેસેજ આવતા, "હેપી બર્થ ડે શિલ્પા". મેસેજ વાંચીને કામમાં વ્યસ્ત મારા ચહેરા પર એક આછું સ્મિત આવી જતું અને હું લગભગ બધાને,"થેન્ક્ યુ સો મચ"એમ જવાબ આપી ને ફરી કામે વળગી જતી. મનમાં વિચાર આવ્યો કે સમય સાથે જવાબદારીઓ વધતા જીવનની પ્રાયોરિટીઝ કેવી બદલાઈ જાય છે. એક સમયે હતો જ્યારે હું મારા પોતાના જન્મદિવસે લગભગ આખું ઘર માથે લઈ લેતી. પાર્ટી, ફ્રેન્ડ્સ, ગીફ્ટસ... બધું આખો દિવસ ચાલતું અને હવે કોઈનો ફોન આવી જાય અને થોડી લાંબી વાત થઈ જાય તો પણ જાણે કામનો બોજ વધી જતો.
રોજ સવારની જેમ મારા પતિ ટિફિન લઈને વહેલા જ ઓફિસેે જતા રહ્યા હતાં. ઘરકામ કરવાવાળા બહેન આજે થોડા વહેલા કામ કરીને જતા રહેવાના હતાં, માટે મેં ઉપરના રૂમમાં રમતા મારા બાળકોને લંચ માટેે બોલાવ્યા,"બેટા કેયા.... કુણાલ જલ્દી નીચે આવો... લંચ તૈયાર છે". બાળકોએ મારો અવાજ ન સાંભળ્યો એટલે હું એમના રૂમમાં એમને બોલવા માટે ગઈ. દૂરથી મારો અવાજ સંભળાયો એટલે બંને ભાઈ-બહેન ફટાફટ કશુંંક છૂપાવવા માંડ્યા. મેં ધીમે રહીને અંદર ડોકિયું કર્યું. બંને જણા એ થોડી વસ્તુ ટેબલ નીચે અને થોડી એમનાં હાથમાં લઈને પાછળ છૂપાવી દીધી. હુંં સમજી ગઈ કે બંને ભાઈ-બહેન દર વર્ષની જેમ મારા માટે બર્થ ડે કાર્ડ બનાવવામાં અને પોતાના ડેડી પાસે મારા માટે ઈમ્પોર્ટેડ ચોકલેટસ મંગાવી હતી એનું ગિફ્ટ પેક કરવામાં બીઝી હતાં. બંનેના નિર્દોષ ચહેરા પર, મારાથી પોતે સરપ્રાઈઝ કેવી છૂપાવી લીધી, એનો આનંદ હતો. હું એમના એ નિર્દોષ આનંદની મજા લઇ રહી હતી. હું એમનો સરપ્રાઈઝ અકબંધ રાખવા માટે એમને નીચે આવવાનું કહીને ત્યાંથી જતી રહી.
થોડી વારમાં બંનેે ડાઇનિંગ ટેબલ પર આવીને ગોઠવાઈ ગયા. બંને લગભગ જમી રહેવા આવ્યા ત્યાં તો ડોરબેલ વાગ્યો. બારણું ખોલ્યું એટલે ઘર કામ કરવાવાળા મધુબેન પોતાના સાત વરસના દીકરા રવિ ને લઈને ઉતાવળે અંદર પ્રવેશ્યા અને કહેવા લાગ્યા, "ભાભી, મેં તમને કાલેે કહ્યું હતું ને કે આજે હું જલ્દી કામ કરીને જતી રહીશ. આજે મારા રવિનો જન્મદિવસ છે અને હું એને મંદિરે દર્શન કરવા લઈ જવાની છું. 'જન્મદિવસ'શબ્દ કાનમાં પડતા જ કેેયા અને કુણાલના મોઢા પર ચમક આવી ગઈ. બંને જણા ખુશ થઈને રવિ ને બર્થ ડે વિશ કરવા માંડ્યા અને પછી પૂછ્યું કે તને આજે શું ગિફ્ટ મળી ? ગિફ્ટ શબ્દ્દ સાંભળતા મધુબેનનું મોઢું પડી ગયું. કોરોનાના કપરા સમયમાંં, એમના પતિ પાસે કામ ના હોવાને કારણે એમ પણ એમને પૈસાની થોડી ખેંચ રહેતી. આવા સમયમાં પોતાના એકના એક વહાલાસોયા પુત્ર માટે જન્મદિવસે કંઈ લેવું એમના માટે લગભગ અશક્ય જેવું હતું. પરંતુુ બાળકોને ખુશ કરવા એ તરત જ બોલ્યા, "આજે રવિને એના જન્મદિવસે મંદિરે દર્શન કરવા લઈ જઈશ અનેેે અનેે એના માટે ભગવાનના આશીર્વાદ લઇ આવીશ. ભગવાનના આશીર્વાદ એ એની આજના દિવસની મોટામાં મોટી ગિફ્ટ." બોલીને એ રવિ તરફ જોવા માંડ્યા અને એને ખુશ કરવા ચહેરા પર નકલી હાસ્ય લાવી દીધું પરંતુ મારી આઠ વર્ષની કેયા અને છ વર્ષના કુણાલને આ જવાબથી સંતોષ ના થયો. બંને જણા એક બીજા સામે અર્થપૂર્ણ નજરથી જોઈ રહ્યા અને પછી ખૂણામાંં જઈને કંઇ ગુસપુસ કરવા માંડ્યા. હું શાંતિથી એમને જોઈ રહી હતી. પછી બંને ફટાફટ ઉપર પોતાના રૂમમાં ભાગ્યા અને થોડી જ વારમાં સુંદર પેક કરેલું એક મોટું ગીફ્ટ બોક્ષ લઈને નીચે આવ્યા, એ જ ગીફ્ટ જે સવારથી મહેનત કરીને બન્ને જણાએ મારા માટે ખૂબ જ ઉત્સાહથી પેક કરી હતી. બંને જણા ઉત્સાહથી આવ્યા અને રવિના હાથમાં ગિફ્ટ આપીને કહ્યું,"રવિ, આ તારી બર્થ ડે ગિફ્ટ". રવિના ચહેરા પરનો આનંદ અને પોતાના પુત્ર રવિની આંખોની ચમક અને ચહેરા પરની ખુશી જોઈને મધુબેનના ચહેરા પરનો સંતોષ, એ બંનેના ભાવ શબ્દોમાં વર્ણવા મુશ્કેલ હતાં. બંને ખુશખુશાલ થઈને બાળકોએ આપેલી ગિફ્ટ લઈનેે ત્યાંથી જતા રહ્યાં.
એ દિવસે કેયા અને કુણાલના ચહેરા પર જે આનંદ હતો, કોઈને કશું નિઃસ્વાર્થ ભાવે આપ્યા પછીનો આનંદ અને એમને આ પ્રવૃત્તિ કરતા જોઈને મને જે સંતોષની લાગણી થઈ એ કદાચ રવિ અને એની મા મધુબેનને એ દિવસે જેે ખુશીની લાગણી થઈ એના કરતાં પણ વિશેષ હતી.....!
એ જન્મદિવસે મને મારા બાળકો તરફથી અત્યાર સુધીની બેસ્ટ સરપ્રાઈઝ ગિફ્ટ મળી હતી....!
