સ્પંદન
સ્પંદન
કેમ છે મારી ઢીંગલી ? તું શોધતી હશે ને કે આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે ? હું તારી મમ્મા. આ મારી તારી સાથેની પ્રથમ વાતચીત છે. મારે તારી સાથે ખૂબ બધી વાતો કરવી છે. તને ઘણું બધું કહેવું છે. તારી કાલીઘેલી વાતો સાંભળવી છે.
તું મારા ઉદરમાં છે એ સમાચાર જ્યારે મને પ્રથમ વખત ખબર પડી ત્યારે મારા ઉત્સાહનો પાર ન રહ્યો. તારા પપ્પાને આ વાત કહેવા હું થનગની ઉઠી. જ્યારે તેમને મેં આ વાત જણાવી ત્યારે તેઓ પણ ખુશીથી નાચી ઉઠ્યા. તને જન્મ આપવાની ખુશી જ કંઈક અનેરી હતી. મારા હૃદયમાં લાગણીનું પૂર ઉભરાયું.
તારા માટે સૌ પ્રથમ સારા ડોક્ટરની સલાહ મુજબ દવાઓ શરૂ કરી. તારી હેલ્થ માટે શું સારું છે એ બધું જ હું અનુસરવા લાગી. બહારનું જમવાનું બંધ કર્યું. હું બધા કામમાં ખૂબ જ અધીરી અને ઉતાવળી હતી. તારા માટે હું શાંત રહેતા શીખી. ધીમે ચાલતા શીખી. તારા માટે આધ્યાત્મિક પુસ્તકો વાંચવા લાગી. બાળકો વિશેના પુસ્તકો શોધવા લાગી. તારામાં સારા સંસ્કાર આવે તેવા પ્રયાસો કરવા લાગી. પૌષ્ટિક ખોરાક લેવા લાગી.
હજી તારા જન્મને તો ઘણી વાર છે બેટા. પણ આ તારી આ અધીરી માઁ તારી સાથે વાત કરવા ખૂબ આતુર છે. એટલે વધારે રાહ ન જોતા આજે તારી સાથે આ પ્રથમ વાત કરી. મારે તારી પાસેથી પણ ઘણું બધું સાંભળવું છે. હું આશા રાખું છું કે મારી વાત તને સાંભળવી ગમશે અને તારી વાત મને કહેવી પણ ગમશે.
આપણા વચ્ચે આ સ્નેહનો સેતુ બાંધવા મારો પ્રથમ પ્રયત્ન છે. તારા જવાબની આતુરતાપૂર્વક રાહ જોઈશ.
તને મારુ અઢળક વહાલ...તને મળવા ઉત્સાહી...માઁ.
