payal zalariya

Inspirational

4  

payal zalariya

Inspirational

જેવી કરણી તેવી ભરણી

જેવી કરણી તેવી ભરણી

3 mins
537


રીના પટેલ સરકારી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે. તે સ્વભાવે ખૂબ માયાળુ, પ્રેમાળ અને દયાવાન છે. ચહેરો એકદમ નમણો, કપાળ પર હંમેશા રહેતો લાલચટ્ટક ચાંદલો, આંખો અણિયાળી, ગાલમાં પડતા ખંજન, પાતળી, ઊંચી, તેના કમર સુધી આવતા વાળ અને હંમેશા સાડીમાં સજ્જ રહેતી રીના બધાને ખૂબ વહાલી લાગે. શાળાના વિદ્યાર્થીઓમાં તો તે સૌની પ્રિય શિક્ષક. નિયમિતતા અને શિસ્તની આગ્રહી. શાળાના બધા જ કાર્યો સમયસર પૂર્ણ કરી સમયસૂચકતા દર્શાવતી. 

તેના ઘરમાં તેના પતિ આશિષ, તેની દીકરી શૈલી, તેના સાસુ કવિતાબેન, સસરા મોહનભાઇ, તેના નણંદ કાજલ, તેના દેર વિશાલ, તેની દેરાણી પ્રિયા વગેરે સયુંકત કુટુંબમાં રહે છે. તેના પતિ આશિષ ડૉક્ટર છે. દીકરી શૈલી કે.જી.માં ભણે છે. સાસુ ગૃહિણી છે. સસરા રીટાયર્ડ શિક્ષક છે. તેના નણંદ કાજલ કૉલેજમાં ભણે છે. ડેર વિશાલ વકીલ છે. દેરાણી પ્રિયા ગૃહિણી છે. 

તેના પતિ આશિષ સ્વભાવે સરળ અને નિખાલસ છે. રીનાને દરેક કામમાં મદદરૂપ થાય છે. રીના અને આશિષનું સુખી દામ્પત્યજીવન છે. તેની દીકરી શૈલી અસલ પોતાની માતા પર ગઈ છે. 'મોરના ઈંડા ચીતરવા ન પડે' તેમ શૈલી પણ માતા પિતાની જેમ વિનમ્ર અને આંજ્ઞાકિત છે. હસમુખી, દેખાવડી અને હોંશિયાર પણ છે. તેના સાસુ સસરા પણ સ્વભાવે ખૂબ સારા છે. તેના નણંદ કાજલ પણ મળતાવડા સ્વભાવના છે. તેના દેર પણ સરળ અને હોંશિયાર છે. બોલવામાં ભલભલા વકીલો અને જજની બોલતી બંધ કરી દે તેવા છે. દેરાણી પ્રિયા પણ સરળ સ્વભાવની છે. કુટુંબમાં બધા હળીમળીને પ્રેમપૂર્વક રહે છે.

એકવખત તેઓના પાડોશમાં ગીતાબેન નામે એક પાડોશી રહેવા આવે છે. તેઓ ખૂબ ઈર્ષાળુ અને ચુગલીખોર છે. તેઓથી રીનાના પરિવારની એકતા જોઈ શકાતી નથી અને હંમેશા તે રીનાના પરિવારની ઈર્ષ્યા કરે છે. તે પરિવારના સભ્યોને એકબીજાની વિરુદ્ધ ચડાવવાનો પ્રયત્ન કરે છે. બીજા બધા તો તેની વાતમાં આવતા નથી પરંતુ પ્રિયા સરળ સ્વભાવની હોવાથી તે ગીતાબેનની વાતોમાં આવી જાય છે. હવે ઘરમાં નાની નાની બાબતોને લીધે પણ ઝઘડા થવા લાગે છે. 

રીના શરૂઆતમાં તો બધું વણદેખ્યું કરીને જવા દે છે. પણ એક વખત પ્રિયા વગર વાંકે શૈલીને ધમકાવે છે ત્યારે રીનાથી ચૂપ રહેવાતું નથી અને પ્રિયા સાથે ઝઘડી પડે છે. ગુસ્સો શાંત થતા તે પ્રિયાની માફી માંગે છે પણ પ્રિયા પર તેની કાંઈ અસર થતી નથી. પ્રિયા હવે ગીતાબેન કહે તેમ જ કરે છે. તે કોઈને માન આપતી નથી અને ઘરના કામકાજમાં પણ ધ્યાન આપતી નથી. કોઈની સાથે વાત કરતી નથી અને પોતાના કામથી કામ રાખે છે. વિશાલની વાત પણ તે સાંભળતી નથી. રીના અને તેનો પરિવાર પ્રિયાના આવા વર્તનથી દુઃખી છે પરંતુ કોઈની વાત પ્રિયા માનતી નથી.

એવામાં એક દિવસ વિશાલ ખબર આપે છે કે પ્રિયા મા બનવાની છે. બધા ખુશ થઈ જાય છે. રીના, કવિતાબેન અને કાજલ પ્રિયાનું ધ્યાન રાખવાનો પ્રયત્ન કરે છે પણ પ્રિયાને ગીતાબેન સિવાય કંઈ દેખાતું નથી. ગીતાબેન તેને ગર્ભાવસ્થાને લગતી આડાઅવડી વાતો શીખવે છે. અને પ્રિયા તે અનુસરે છે. પ્રિયા રીના અને શૈલીની ખૂબ જ ઈર્ષ્યા કરે છે. ગીતાબેનની સલાહની અસર સીધી થવાને બદલે વિપરીત થાય છે. ગર્ભાવસ્થામાં પ્રિયાનું વજન વધવાને બદલે ઘટતું જાય છે. અચાનક ત્રીજા મહિને પ્રિયા ને બ્લીડિંગ થાય છે અને તેના ગર્ભના બાળકને તે ગુમાવી દે છે. આ સમયગાળા દરમિયાન રીના પ્રિયાની ખૂબ જ સંભાળ રાખે છે. અને તેને આ આઘાતમાંથી બહાર આવવામાં મદદરૂપ થાય છે. 

બીજીબાજુ ગીતાબેન પણ ખાડો ખોદતાં પોતે જ પડે છે. તેનો એક નો એક દીકરો તેની વહુને લઈને જુદો થઈ જાય છે. ગીતાબેન માટે તો 'હવેલી લેતાં ગુજરાત ખોઈ' એવું થાય છે. પ્રિયાના પરિવારમાં ઝઘડા કરાવવા બદલ તેની કિંમત એકડા વગરના મીંડા જેવી થઈ ગઈ. હવે ગીતાબેનને ખૂબ પસ્તાવો થાય છે. આ બનાવ પછી તે પ્રિયા સાથે વ્યવહાર ઓછો કરી નાખે છે. 

હવે પ્રિયાને પણ પોતાની ભૂલ સમજાય છે. તેના હાથનાં કર્યા હૈયે વાગ્યા છે. તે પરિવારના સભ્યોની માફી માંગે છે અને રીનાનો આભાર માને છે. પરિવારના સભ્યો પણ તેને માફી આપી દે છે અને સ્વીકારી લે છે. 'દુઃખનું ઓસડ દહાડા' તેમ ધીમે ધીમે પ્રિયા બાળક ગુમાવ્યાનુ દુઃખ ભૂલી જાય છે. વરસ પછી પ્રિયા એક સુંદર દીકરીને જન્મ આપે છે. બધાની ખુશીમાં વધારો થાય છે અને પરિવારમાં પહેલા જેવી જ સુખ શાંતિ છવાઈ જાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational