STORYMIRROR

payal zalariya

Children Stories

3  

payal zalariya

Children Stories

ઘરડાં ગાડાં વાળે

ઘરડાં ગાડાં વાળે

3 mins
409

શૈલ આઠમાં ધોરણમાં ભણતો અંગ્રેજી માધ્યમનો વિદ્યાર્થી છે. તે તેના પરિવાર સાથે જૂનાગઢમાં રહે છે. તેના પરિવારમાં તેના માતા-પિતા, તેની મોટી બહેન શ્રીના અને તેના દાદા-દાદી છે. શ્રીના અગિયારમાં ધોરણમાં ભણે છે.

તેના માતા-પિતા પ્રાથમિક શાળામાં શિક્ષક છે. તે બંન્ને ખૂબ ડાહ્યા, સમજુ, માતા-પિતાને સન્માન આપનાર, પ્રેમાળ, દયાવાન અને વિવેકશીલ છે. તેઓ નોકરીની સાથે ઘર પણ સંભાળે છે અને બાળકો તથા માતા-પિતાની કાળજી પણ રાખે છે. તેમના બાળકો શ્રીના અને શૈલ પણ તેમની ઉપર જ ગયા છે. 'વડ તેવા ટેટા અને બાપ તેવા બેટા.' કહેવાય છે ને કે 'કૂવામાં હોય તો હવાડામાં આવે.' 

શૈલ અંગ્રેજી માધ્યમમાં ભણતો હોવા છતાં તેને ગુજરાતી વાંચવાનો અને લખવાનો શોખ છે. તે સારું ગુજરાતી વાંચી શકે છે. તેને ગુજરાતી વાર્તા સાંભળવાનો ખૂબ જ શોખ છે. તેના દાદીમાં રોજ રાત્રે તેને એક વાર્તા કહે છે.

આજે શૈલનાં દાદીમાં તેને એક વાર્તા કહે છે. એક સમયની વાત છે. રામપુર નામનું એક ગામ હતું. ત્યાંના લોકો ખૂબ જ ભલા અને પ્રેમાળ હતાં. તે રાજ્યના રાજા પણ ખૂબ જ દયાળુ હતાં. તે રાજાને એક રાજકુમાર હતો. જેનું નામ સોમનાથ હતું. સોમનાથ ખુબ હોંશિયાર હતો. ઋષિના આશ્રમમાંથી વિદ્યા પ્રાપ્ત કરીને તે મહેલમાં પાછો આવ્યો. લગ્નની ઉંમર થતાં તેના માટે યોગ્ય કન્યાની શોધ આદરવામાં આવી.

શિવપુર નામનાં રાજ્યની રાજકુમારી ખૂબ જ સુંદર અને ચતુર હતી. તેના માટે પણ યોગ્ય રાજકુમારની શોધ ચાલતી હતી. રાજકુમારીનું નામ ઉમાદેવી હતું. સોમનાથનું માગું રાજકુમારી ઉમાદેવી માટે આવ્યું. પરંતુ ઉમાદેવી એ શરત મૂકી કે જો રાજકુમાર સોમનાથ મારા પ્રશ્નનો સાચો જવાબ આપશે તો જ હું તેમની સાથે લગ્ન કરીશ. 

 રાજકુમાર સોમનાથને પોતાની હોંશિયારીનું અભિમાન હતું. તેને લાગ્યું કે તે રાજકુમારીના પ્રશ્નનો જવાબ આસાનીથી આપી દેશે. તે શિવપુર ગયો. રાજકુમારી ઉમાદેવીએ પ્રશ્ન કર્યો કે અમારા રાજ્યનો કૂવો દૂધથી ભરી આપો. પરંતુ મારી એ શરત કે તેમાં પાણી આવવું ન જોઈએ. 

રાજકુમારે પોતાના સૈનિકોને દૂધ લઈને બોલાવ્યા. સૈનિકો ગાડાં ભરી ભરીને આવવા લાગ્યા. પરંતુ હવે પ્રશ્ન એ હતો કે કૂવામાંથી પાણી કેવી રીતે અટકાવવું ? રાજકુમારને હવે મૂંઝવણ થવા લાગી. દિવસો વીતતા જાય છે પણ સમસ્યાનો અંત દેખાતો નથી. સોમનાથ હવે હારીને પાછો જવા માટે ડગલું માંડે છે ત્યાં સામેથી એક રામપુરના દાદા આવતા દેખાય છે. 

તે દાદા રાજકુમારને ચિંતાનું કારણ પૂછે છે. રાજકુમાર બધી વાત કરે છે. દાદા કહે છે બસ આટલી જ વાત. પહેલા રાજકુમારીને જઈને કહો કે કૂવાનું પાણી બંધ કરાવે પછી હું દૂધથી કૂવો ભરી આપીશ. રાજકુમાર આનંદમાં આવી જાય છે. તે સીધો રાજકુમારી પાસે જાય છે અને કૂવાનું પાણી બંધ કરવાનું કહે છે. રાજકુમારી પણ ખુશ થઈ જાય છે અને કહે છે કે આવો જવાબ સુચવનાર નક્કી કોઈ સમજુ વડીલ હોવા જોઈએ. રાજકુમાર પણ સ્વીકારી લે છે કે તેને આવો જવાબ એક વડીલ દાદાએ સૂચવ્યો છે. રાજકુમારી અને રાજકુમારના ધામધૂમથી લગ્ન થાય છે. બધા એ ખાધું પીધું ને રાજ કર્યું.

આમ શૈલનાં દાદીમાં આ વાર્તા પરથી તેને સમજાવે છે કે વડીલોની સલાહ હંમેશાં માનવી. તે આપણા ભલા માટે જ હોય છે. જરૂરિયાતના સમયે વડીલો જ સાચી સલાહ આપે છે. એટલે જ તો કહેવાય છે કે 'ઘરડાં ગાડાં વાળે.'


Rate this content
Log in