સફળતા
સફળતા
એણે વિજયી સ્મિત ફરકાવ્યું
મારા માસીની દીકરી, શચિ. નાનપણથી જ ખુબજ હોશિયાર.એટલી બધી ચતુર, બોલવાની છટા પણ અદભૂત.જે એણે સાંભળે એ મંત્રમુગ્ધ થઈ જાય. મારા માસીને એકજ દીકરી. પણ લાખોમાં એક. હંમેશા ક્લાસમાં પ્રથમ હોય. કદી પણ એ ગભરાય નહિ. સ્ટેજ પર જઈને કંઈ પણ બોલવાનું હોય, બિન્દાસ્ત બોલે. મનમાં હમેશા અભ્યાસના વિચારો જ ઘૂમતા હોય.
૧૦ અને ૧૨ બંને પરિક્ષામાં ખૂબ જ સારા ટકા લાવી.એને કોમર્સ લાઈન લીધી હતી. હવે એને વિદેશમાં ભણવા જવું હતું. માસી ના પાડતા, "અહીંયા પણ સારી કૉલેજ છે. સારી નોકરી પણ મળી જશે." પણ શચિને વિદેશ જવું હતું. એણે એક સંસ્થાજે ઓસ્ટ્રેલિયા મોકલતી હતી ત્યાં તપાસ કરીને જરૂરી કામગીરી પૂર્ણ કરી. વિદેશમાં એડમિશન લીધું.
બહુ ઓછાં દિવસો બાકી હતા. ફટાફટ બધી તૈયારી કરી. વિદાયની પાર્ટી પણ કરી. બધાને જમવા બોલાવ્યા. પેલી સંસ્થાવાળા એ બાહેધરી આપી હતી કે પાકા પાયે થઈ જશે. પણ એવું થયું નહિ. વિઝા આવ્યા જ નહિ. આતો બહુ શરમાવા જેવું થયું કેવું લાગે ને કે બધાને જાણ કરી હોય, પાર્ટી આપી હોયને પછી વિદેશ જવાનું રદ થાય. બહુ જ શરમ લાગે ! બધા અંદરખાને મજાક ઉડાવતા. ઈર્ષાળુ ખૂબ ખુશ
થયા.
પણ અહીંયા થયું ઊંધું ! શચિ એ જરાય હાર ન માની. બધી જગ્યા એ થી જાણકારી ભેગી કરી. ફરીથી બધી પરિક્ષાની તૈયારી કરી. કોઈને કાનોકાન ખબર પણ ન્હોતી કે શચિ હવે અમેરિકા જવાની તૈયારી કરી રહી છે. મનમાં નક્કી કર્યું હતું કે, "ગમે એ થાય વિદેશ ભણવા જવું જ છે." કઈ કેટલી રાતોના ઉજાગરા કર્યા. કેટલીયે વખત જમી નહિ હોય. એના મનમાં જરાય ચેન નહિ. સખત મહેનત કરી. અને એનું પરિણામ આવ્યું. એ અમેરિકામાં અભ્યાસ માટે પસંદ કરવામાં આવી. જે સપનું જોયું એ સાચું કરીને બતાવ્યું.
એક દિવસ શચિ એ બધાને જણાવ્યું કે, "એના અમેરિકા જવાના વિઝા મળી ગયા છે. ત્યાંની સારામાં સારી કૉલેજ માં એડમિશન મળી ગયું છે." બધાની આંખો ફાટી રહી ગઈ. જે એની મજાક ઉડાવતા એને સણસણતો જવાબ હતો આ. બસ આજે એના ચેહરા પર છેલ્લું હાસ્ય હતું. જે એની વિજયની સાક્ષી પુરાવતું હતું.
મારા પતિ હમેશાં કહે છે, "always believe in last laugh".
એરપોર્ટ પર શચિ ના ચેહરા પર એ જ વિજયી સ્મિત જળહળતું હતું. મહેનત કરવા વાળા પાસે કદી બહાના નથી હોતા, એને કદી કોઈ વસ્તુની આળસ ન હોય. બસ જ્યાંથી મળે ત્યાંથી જ્ઞાન ભેગુ કરવાનું. એમનો ધ્યેય જ એમની માટે જીવન હોય છે.