સોનેરી યાદો
સોનેરી યાદો


એટલી બધી મધુર યાદો જીંદગીમાં સચવાયેલી છે કે મારે કયાં થી શરૂ કરવું?
મારા હોમિયોપેથીક નો અભ્યાસ પૂર્ણ થતાં જ મને એક દવાખાનામાં સરકારી નોકરી મળી ગઈ.આમ પણ મારુ સ્વપ્ન હતું કે મારે લોકોની સેવા કરવી છે. હું જુદી જુદી વ્યક્તિઓના પરિચયમાં આવતી. પરંતુ મારા દવાખાને રડતું આવતું માણસ હસીને જતું ત્યારે હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી માનતી. સાજી થઈ ગયેલી વ્યક્તિ ઘણી વખત તો કેટકેટલાં આશીર્વાદ આપીને જતી.
એકવાર તો એક ખૂબ ગરીબ લાગતી વ્યક્તિ જયારે સાજી થઈ ગઈ ત્યારે બીજા દિવસે માટીના બે ઘડા અને માટી નો કુંજો લઈ ને આવ્યો. હું કંઈ કહું એ પહેલાં જ એ બોલી ઉઠયો, "તમે ના પાડો તો તમને મારા સોગંદ"
જયારે સરકાર તરફથી માણસો મારુ કામ જોવાને આવે અને પ્રશંસા કરી સારો અભિપ્રાય લખીને જાય ત્યારે મને ઘણી ખુશી મળતી. જયારે જયારે મિટિંગો થતી ત્યારે ત્યારે મારો અભિપ્રાય પણ પૂછવામાં આવતો.
જયારે મારી બદલી થવાની છે એવી એમને ખબર પડી ત્યારથી ગામલોકોએ મને ઘરે રસોઇ પણ કરવા દીધી નહતી. એ બધાનો પ્રેમ જોઈ હું ગદગદ થઈ ગઈ હતી. મને નોકરીમાં માત્ર પૈસા જ નથી મળ્યા પણ સાથે સાથે અઢળક પ્રેમ પણ મળ્યો છે.