JHANVI KANABAR

Inspirational

4.6  

JHANVI KANABAR

Inspirational

સોગાત

સોગાત

4 mins
259


સૂરજની પહેલી કિરણ બારીમાંથી પડદાને વીંધી મમતાના મુખ પર થપ્પો રમી રહી હતી. મમતાની ઊંઘ ઊડી, આળસ મરડી ઊભી થઈ, બગાસુ ખાતા બાજુમાં પડેલો મોબાઈલ ઊઠાવી તેમાં સમય જોયો તો, 7-00 વાગી ગયા હતાં. મોડું થઈ ગયું હતું. મમતા સફાળી ઊભી થઈ ફટાફટ પોતાના લાંબા વાળને બંને હાથથી સમેટીને અંબોડો વાળતી બાથરૂમ તરફ ગઈ. તૈયાર થઈ નીચે આવી જોયું તો મયંક નાસ્તો કરી રહ્યો હતો. બાજુમાં તેના મમ્મી બેઠા હતાં. સીડીઓ ઉતરતી મમતાએ મયંકને કહ્યું, `એલાર્મ નો’તુ સંભળાયું મને, તો તમારે તો ઊઠાડી દેવાય ને ?’ મયંકના મમ્મી સુલોચનાબેન મોં મચકોડી ઊભા થઈ પોતાના રૂમમાં જતાં રહ્યા. મમતાએ તેમનું વર્તન અવગણ્યું અને મયંકની સામે ખુરશી ખેંચી બેસી ગઈ.

મયંકે મમતાને કહ્યું,`મોડી રાતે તારા ડૂસકા સાંભળ્યા હતા મેં, પણ તારુ મન હળવું થાય એ માટે તને ત્યારે મેં ડિસ્ટર્બ ન કરી. તને માંડ ઊંઘ આવી હશે એ વિચારે તને ના ઊઠાડી.. ઈટ્સ ઓકે ડિયર.’ મયંકની વાત સાંભળી મમતા તેની સામે જોઈ જ રહી, કેટલું વિચારે છે મયંક પોતાના માટે એ જોઈ મનોમન ઈશ્વરનો આભાર માને છે.

મમતા અને મયંકના લગ્નને આઠ વર્ષ થઈ ગયા હતાં. તેમનું દામ્પત્યજીવન બીજાઓ માટે ઉદાહરણ બની રહેતું. બંને ખૂબ જ સમજુ. તેઓ જાણતા હતાં કે સુખી દામ્પત્યજીવનનો પાયો વિશ્વાસ અને પ્રેમ છે. તેમણે એકબીજાની નબળાઈઓ પણ સહર્ષ સ્વીકારી હતી. મયંકને પપ્પા જ્યારે તે સોળ વર્ષનો હતો ત્યારે જ એક બિમારીથી મૃત્યુ પામ્યા હતાં. તેના મમ્મીએજ મયંકને મા-બાપ બંનેનો પ્રેમ આપી ઉછેર્યો હતો. આ કારણે મયંકના મમ્મી માટે મમતાને ખૂબજ માન હતું. લગ્નના આટલા વર્ષ પછી પણ મમતા તેમને પૌત્ર કે પૌત્રી આપી શકી નહોતી એ જ વાતથી તે મમતાથી નારાજ રહેતા. જૂના જમાનાના અને પૂરતા જ્ઞાનના અભાવે તેમની સોચ એવીજ હતી કે, સંતાન ન હોવાનું કારણ એ માતાની ઊણપ છે. મમતા સુલોચનાબેનને સમજતી હતી, એથી તેને તેમના વર્તનનું દુઃખ ન લાગતું. દુઃખી હતી તો માત્ર પોતાના નિઃસંતાન હોવાથી. મમતા અને મયંકે કેટકેટલાય ડોક્ટરને બતાવ્યું, રિપોર્ટસ કરાવ્યાં.. પણ કશું જ પરિણામ ન આવ્યું.

ગઈકાલે મયંકના પિત્રાઈભાઈની પત્નીનું સીમંત હતું. મયંક, મમતા અને સુલોચનાબેન ત્યાં હાજરી આપવા ગયા હતાં. ખોળો ભરવાની વિધિ શરૂ થઈ, તેમાં રિવાજ પ્રમાણે સૌભાગ્યવતી સ્ત્રીને ખોળો ભરવાનું કહ્યું, મમતા પણ આગળ વધી પણ ત્યાં એક વડીલ કાકીએ કહ્યું કે, 'બેટા તું રહેવા દે !’ આ સાંભળી મમતા નીચુ જોઈ પાછળ હટી ગઈ. ત્યાં હાજર બધાને કારણ ખબર હતી. સુલોચનાબેનને પ્રસંગમાં હાજર કેટલીય સ્ત્રીઓએ પૂછ્યું, કંઈક ટ્રીટમેન્ટ ચાલે છે ? કયા ડોક્ટરને બતાવો છો ? વહુમાં કંઈ પ્રોબ્લેમ છે ?’ વગેરે વગેરે..... મયંકને આ વાતની ખબર પડી પણ ત્યાં એ કશુંજ ન બોલ્યો. ઘરે આવીને પણ આ વાત કોઈએ છેડી નહિ. મમતા ચૂપચાપ ચેન્જ કરી બેડમાં આડી પડી. તેને ઊંઘ નહોતી આવતી.. મયંકે મમતાના ડૂસકા પણ સાંભળ્યા. એટલે જ તેને સવારે આરામ કરવા દીધો અને ઊઠાડી નહોતી.

દિવસો વીતતા ગયા. એકવાર મયંકને ઓફિસના કામેથી મુંબઈ જવાનું થયું. તેણે મમતાને સાથે આવવા કહ્યું, `ચાલ થોડા દિવસ ફરી આવીએ, મીટીંગ તો બે જ દિવસ છે, બાકી બે-ત્રણ દિવસો મુંબઈ ફરીશું અને પાછા આવી જઈશું... તું પણ ફ્રેશ થઈ જઈશ..’ મમતાએ મયંકના મમ્મી પાસે જઈ રજા લીધી અને જવાની તૈયારી શરૂ કરી.

મુંબઈ ખૂબ ફર્યા, લોનાવાલા અને પુણે પણ ફરી આવ્યા. મયંકના સાન્નિધ્યમાં દિવસો ક્યાં જતા રહ્યા ખબર જ ન રહી. તેઓ પાછા ફરવા રેલ્વેસ્ટેશન પર પહોંચ્યા. ત્યાં પાછળની સાઈડ થોડે દૂર કંઈક ભીડ જમા થઈ હતી, રેલ્વે સ્ટેશન પર પણ ગુસપુસ ચાલી રહી હતી. મમતાને નવાઈ લાગી, શું હશે ? તેણે મયંકને કહ્યું, `ચાલો ને જોઈએ.. શું થયું હશે ?’ ટ્રેનને હજુ વાર હતી.

મમતા અને મયંક એ ભીડવાળી જગ્યાએ પહોંચ્યા. જોયું તો એક નાનું અમુક જ દિવસોનું બાળક રડતું હતું. કોનું પાપ હશે ? કેવા નિષ્ઠુર હશે ? ઘોર કળિયુગ છે...’ જેવા સંવાદો ભીડમાંથી આવતા હતા. મયંક અને મમતા બાળક પાસે પહોંચ્યા. મમતાથી રહેવાયું નહિ અને તેણે બાળકને ઊંચકી લીધું. રડતું બાળક ચૂપ થઈ ગયું, જોયું તો દિકરી હતી. મયંક પણ જોઈ રહ્યો, કેટલી સુંદર અને તંદુરસ્ત હતી.. `કેમનો જીવ ચાલ્યો હશે આમ કરવાનો ?’ મયંકે મમતાની સામે જોઈ કહ્યું.

મમતા તો એના જ વિચારોમાં હતી, તેને હલાવતા મયંકે કહ્યું, `મમતા..... ક્યાં ખોવાઈ ગઈ ?’ મમતા ચમકી, તેણે કહ્યું, `મયંક ! મને આમાં ઈશ્વરનો કોઈ સંદેશ લાગે છે આપણા માટે. આઈ મીન.. આઈ મીન.. આપણે આને..’ મમતા બોલતા ખચકાતી હતી પણ મયંક તેનો ભાવાર્થ સમજી ગયો. સાચુ કહુ તો મને પણ લાગે છે કે આ ઈશ્વરની આપણને સોગાત છે.’ મયંકે મમતાની આંખોમાં જોઈ કહ્યું. મમતા ખુશ થઈ ગઈ અને બાળકીને પોતાના દુપટ્ટાથી ઢાંકીને મયંકને તેના માટે દૂધની વ્યવસ્થા કરવાનું કહ્યું. મયંક પણ દોડતો ગયો અને દૂધ લઈ આવ્યો. લોકોની ભીડ મયંક અને મમતાને બાળક સંભાળતા જોઈ વિખરાઈ ગઈ. બાળકીને દૂધ પીવડાવ્યું અને નજીકની પોલીસચોકીએ જઈ સમગ્ર ઘટના કહી, પોતાનું નામ-એડ્રેસ આપ્યા. જેથી કોઈ બાળકીની ભાળ લેવા આવે તો વાંધો ન આવે.

ટ્રેઈનમાં આ એક પરિપૂર્ણ કુટુંબ ગોઠવાઈ ગયું. બાળકીએ મયંકની આંગળી પર પોતાની પકડ જમાવી હતી. મમતાને પોતાનો રિક્ત ખોળો આજે હર્યોભર્યો લાગતો હતો. અશ્રુભીની ચાર આંખો ઈશ્વરની આ સોગાત પરથી એક પળ માટે પણ હટતી નહોતી...


Rate this content
Log in

Similar gujarati story from Inspirational