સંયુક્ત કુટુંબ
સંયુક્ત કુટુંબ
શશિકાંતભાઈને ત્રણ દીકરીને એક દીકરો હતાં. ત્રણેય દીકરીઓ ને સાસરે વળાવી દીધાં પછી દીકરા રાકેશના લગ્ન લીધાં. નેત્રી પરણીને ઘરમાં વહુ થઈને આવી. પહેલા વર્ષે બાબાને અને ત્રીજા વર્ષે બેબી ને જન્મ આપીને રાકેશ અને નેત્રિ બે બાળકોનાં માત- પિતા બન્યા. નેત્રી ખૂબ ઉચ્ચ ભણેલી હતી અને લગ્ન પહેલા પણ નોકરી કરતી હતી. રાકેશને ખાનગી કંપનીમાં ખુબ ઓછો પગાર મળતો હતો. વળી શશીકાંતભાઈ પણ નિવૃત્ત થઈ ગયા હતા આથી નેત્રીએ ફરીથી નોકરી ચાલુ કરવાનું નક્કી કર્યું. સાસુ નિર્મલા બહેને પણ ખુશી ખુશી બંને બાળકોને સાચવવાનું સ્વીકારી લીધું. પણ કહે છે ને કે શાંત પાણીમાં કોઈ તો કાંકરીચાળો કરે જ. નેત્રીની ત્રણેય નણંદો ઉનાળુ વેકેશન ગાળવા આવી અને જોયું કે સાસુ વહુ સાથે મળી ને સંપથી રહે છે, જે તેઓને સહન ના થયું. વળી નેત્રી ખૂબ રૂપાળી અને રાકેશ કરતાં પણ વધારે ભણેલી હતી. આથી ત્રણેય નણંદો ને પહેલેથી જ નેત્રિની ઈર્ષા આવતી હતી. ત્રણેય બહેનો એ પોતાની મા ના કાન ભંભેરવાનું ચાલુ કરી દીધું.
આખરે રોજનાં ઝઘડાથી ત્રાસી ને રાકેશ અને નેત્રીએ અલગથી રહેવા જવાનું વિચાર્યું. બંને એ બે રૂમનાં ભાડાના ઘરમાં પોતાનો સંસાર નવેસરથી ચાલુ કર્યો. મોટા નકુલને સારી શાળામાં અને નાની લિપિ ને ભૂલકાં ઘરમાં મૂકીને બંને નોકરી કરવા લાગ્યા. આ બાજુ નિર્મલા બહેનને પથરીનો દુખાવો ઉપડ્યો ને ડોક્ટરે તેમનું કિડનીમાંથી પથરી કાઢવા તાત્કાલિક ઓપરેશન કરવાનુ કહ્યું. શશિકાંત ભાઈ એ ત્રણેય દીકરીઓ ને કહેવડાવ્યું પણ એક બીજા બહાના કાઢીને કોઈ આવ્યું નહીં, આખરે તેમણે રાકેશ ને સંદેશો મોકલાવ્યો, બીજી જ મિનિટે રાકેશ અને નેત્રી ફટાફટ આવી પહોંચ્યા, નેત્રીએ નોકરીમાં રજા મૂકી દીધી ને સાસુની ખડેપગે ચાકરી કરી. નેત્રીનેે ઘર અને હોસ્પિટલ બંને સંભાળતા જોઈનેે નિર્મલાબહેનને ખુબ પસ્તાવો થયો અને બે હાથ જોડનેે દીકરાવહુને પાછા ઘરે આવવા મનાવી લીધાં. ત્રાણેય બહેનો માની ખબર કાઢવા આવી એટલેે નિર્મલા બહેને ત્રણેયને ખખડાવી નેે કહ્યું કે, આ ઘર જેટલુંં અમારુંં છે તેટલુંજ રાકેશનું પણ છે એટલે આજ પછી હદમાં રહેજો.
