સંસ્કાર
સંસ્કાર
"માંગલિક બે અર્થમાં થાય. જો કોઈની કુંડળીમાં હોય તો કલંકિત કહેવાય અને કોઈ સારા પ્રસંગ માટે વપરાય તો શુભ." બીજલની કુંડળી ટીપોય પર મૂકતાં ચશ્માની દાંડી સરખી કરતાં ગોરબાપાએ કહ્યું.
"હેં ગોરબાપા, મારી દીકરી બીજલની કુંડળીમાં મંગળ છે તે બહુ ભારી છે ?" હેમંતભાઈએ પૂછ્યું.
"ના, સાધારણ છે પણ ?" ગોરબાપા સહેજ ખચકાતાં બોલ્યાં.
"પણ શું ગોરબાપા ?" હેમંતભાઈએ પૂછ્યું.
"ચિંતાની કોઈ વાત નથી. બીજલ મંગળ હોય એવા છોકરા સાથે જ લગ્ન કરી શકશે." ગોરબાપાએ સહજતાથી કહ્યું.
"એના લગ્ન થશે તો ખરાં ને ?" અત્યાર સુધી ચૂપ બેઠેલાં બીજલનાં મમ્મી સુધાબહેન ચિંતાગ્રસ્ત અવાજે બોલ્યાં.
"હા, લગ્નયોગ તો છે પણ હેમંતભાઈ તમારે તમારી દીકરીને થોડો વધારે સમય તમારી પાસે રાખવી પડશે."
"ગોરબાપા, તમે આમ, ગોળ-ગોળ વાતો ના કરો. સીધે-સીધું કહો. મને બહુ ચિંતા થાય છે."
"સુધાબહેન, તમે બિલકુલ ચિંતા ના કરશો. તમારી દિકરીનાં લગ્ન ચોક્કસ થશે. બસ, તમારે એને થોડી વધારે મોટી કરવાની છે." ગોરબાપાએ હસતાં-હસતાં કહ્યું.
"ગોરબાપા.. સરખું બોલો ને.."
"અરે ! કહું છું..કહું છું..સુધાબહેન, આમ, ઉશ્કેરાશો નહિ. ત્રેવીસમાં વરસે છોકરીનું ગોઠવાઈ ગયું તો ઠીક છે. નહિ તો અઠ્ઠાવીસમાં વરસે લગ્નયોગ બને છે. ત્રેવીસમા વરસે તો લગભગ અશકય જ છે. થોડુંક મોડું થશે પણ, તમારી દિકરી સુખી થશે. જે ઘરમાં જશે તે ઘરને ઉજાળશે."
"થોડી ચિંતા તો ખરી નહિ બીજલનાં પપ્પા ?"
"શેની ચિંતા ? આપણી દિકરી કંઈ આપણાં માટે બોજ નથી. સારુ છે ને એટલા વધારે વરસ આપણે એની સાથે વિતાવીશું."
"આટલાં વરસ સુધી એનું નહિ ગોઠવાય તો સારા છોકરા તો હાથથી ગયા જ ને. પછી જે રહ્યા હોય એ.."
"હા સુધા, સમજુ છું તારી વાતને.. છેવટે કાળજુ તો 'મા'નું જ ને. એટલે તારું આવું વિચારવું સ્વાભાવિક છે. પણ એક વાત યાદ રાખજે. જોડીઓ તો ઉપરથી બનીને જ આવે છે. એનાં નસીબમાં જે હશે ને એ જ આવશે. કોઈ કોઈનું ભાગ્ય લઈ લેતું નથી."
"સુધાબહેન, હેમંતભાઈ, ચાલો હવે હું રજા લઉં. મારે લાયક કોઈપણ કામકાજ હોય તો મને યાદ કરી લેજો. તમારા કુટુંબનાં ગોર હોવાને નાતે હું હાજર થઈ જઈશ."
"ભલે, આવજો.. જયશ્રીકૃષ્ણ"
"મમ્મી-પપ્પા ક્યાં છો ?" બીજલ બોલતી-બોલતી લગભગ દોડતી દાદર પરથી નીચે ઉતરી.
"અરે ! બેટા, જરા ધીરેથી.. આટલી મોટી થઈ તોય ચંચળતા નથી જતી. ડૉક્ટર બનશે પછી પણ આવી જ કૂદાકૂદ કરશે ?"
"મમ્મી, મારી વહાલી મમ્મી, હું તો આવી જ રહીશ." બીજલ નાકનું ટેરવું ચઢાવી મમ્મીનાં ગાલને હળવેકથી પુચકારતાં બોલી.
"જુઓ મમ્મી-પપ્પા, આજે હું તમને એક વાત કહેવા જઈ રહી છું. ધ્યાનથી સાંભળજો હોં."
"આજે તમને કોઈ મળવા આવવાનું છે."
"કોણ ?" સુધાબહેન ઉત્સુકતાથી બોલ્યા.
"તીથલનાં મમ્મી-પપ્પા આવવાનાં છે."
"એ જ તીથલને જે તારી સાથે ભણે છે ?"
"સુધા...સુધા.. ચા બનાવતાં કેટલી વાર ? હું ક્યારનો તને બૂમો પાડુ છું. સાંભળતી નથી. અરે ! આ ચા ઉભરાઈ ગઈ." હેમંતભાઈ રસોડામાં આવીને ગેસ બંધ કરતાં બોલ્યાં અને સુધાબેનને બે હાથેથી પકડીને હચમચાવી નાંખ્યા.
"હંહંહંહં ! શશશશશું થયું ?"
"તુ કયા વિચારમાં ખોવાયેલી હતી ? ચાલ, અહીં બેસ. મને માંડીને વાત કર, શું થયું ?"
"કાલે બીજલની હોસ્પીટલનું ઉદઘાટન હતું. જમાઈ તીથલ અને બીજલ બન્નેની કેબીન અલગ-અલગ.."
"હા, તેમાં આટલું વિચારવાનું શું હતું ? એ તો સારી વાત છે ને. દિકરી સુખી છે. પછી ચિંતા શું કરવાની ?"
"મને ક્યારેક ડર લાગે છે બીજલે એની પસંદનાં છોકરા સાથે લગ્ન કર્યા અને આપણે પણ.."
"સુધા, તું નાહકની ચિંતા કરે છે.."
"તમને યાદ છે ? ગોરબાપાએ શું કહ્યું હતું ?"
"અરે ! સુધા, એ વાતને આજે સાત વરસ વીતી ગયાં છે. બન્ને સુખી છે પછી આપણે બીજું બધું શું કામ વિચારવું ? દીકરીની ખુશીમાં આપણી ખુશી. હવે તું એ મંગળવાળી વાત ભૂલી જા. જ્યારે દીકરીને ત્યાંથી કોઈ સારા સમાચાર આવે છે ત્યારે તું આમ જ ડરતી હોય છે."
"આપણાં બાળકો જ્યારે કુંડળીમાં માનતાં નથી. એમણે જ્યારે કુંડળી મેળવી જ નથી. તો પછી આપણે એ વિશે વિચારવું જ શું કામ ?"
"તારી બેન શિલ્પાની દીકરીને જો. મંગળ નથી. છત્તાં એ ઘરમાં આવીને બેઠી છે. ગામમાં બધાં એનાં સંસ્કાર પર આંગળી ચીંધે છે. આ બધાં નસીબનાં ખેલ ભલે હોય પણ સાથે-સાથે આપણાં સંસ્કાર પર તો આપણને ભરોસો હોવો જોઈએ ને.."
સુધાબહેનને બીજલની સાસુનાં શબ્દો યાદ આવ્યાં.
"બીજલ ડૉક્ટર હોવા છત્તાં ઘરનાં કામ કરવાની સાથે અમારી પણ એટલી જ કાળજી રાખે છે..કેટલાંયે પુણ્યનાં કામ કર્યા હશે ત્યારે આવી સંસ્કારી વહુ અમને મળી છે."
