STORYMIRROR

URVASHI PRAJAPATI

Romance Inspirational

3  

URVASHI PRAJAPATI

Romance Inspirational

સંગમાં રાજી રાજી

સંગમાં રાજી રાજી

3 mins
159

ભગવાનભાઈ ને સરલાબેન બંને સ્વભાવે એકદમ સરળ. હશે ૬૫-૭૦ વર્ષના. બે દીકરીઓ ને એક દીકરો. બધાં પોતાનો સંસાર લઈને બેઠા હતા. એકંદરે આર્થિક રીતે સદ્ધર ને સંસ્કારી કુટુંબ. છોકરાઓ ને પણ છોકરાં હતાં. ભગવાનભાઈ ધંધામાંથી નિવૃત્ત અને એકનો એક દીકરો ધંધો સંભાળતો. હવે બધાં એ ભેગા મળી નજીક આવતી પપ્પા મમ્મીની લગ્નતિથિ ઊજવવાની નક્કી કરી.‌ 

ભગવાનભાઈ અને સરલાબેન એ તો બહું આનાકાની કરતા કહ્યું કે હવે અમારા જેવા ડોસા ડોસીને આ બધું ના શોભે. પણ સંતાનો મનાવી ને જ રહ્યાં.

હોટેલમાં બધું નક્કી કરવામાં આવ્યું. દીકરીઓ ને વહુ દંપતિને શણગારવામાં પડી ગયા. મહેમાનોને આમંત્રણ અપાઈ ગયાં. એ દિવસે બધાં ભેગાં થયાં ને શુભેચ્છાઓ પાઠવી. કેક કટ કરી ને પછી નાની દીકરીએ પપ્પા મમ્મીને તેમના લગ્ન જીવન વિશે કંઈ બોલવા કહ્યું.

ભગવાનભાઈ એ બોલવાનું ચાલુ કર્યુ. હું અત્યારે કંઈ પણ છું ને મારા સંતાનો અમને આટલું માન આપે છે એ બધું આ સરલાને પ્રતાપે જ છે. દરેક સમયે તેણે મને સાથ આપ્યો છે. યાદ છે મને હું થોડાં રૂપિયા ને બે જોડી કપડાં લઈ શહેરમાં આવ્યો હતો. નાનો ધંધો ચાલુ કર્યો. એક વર્ષ પછી લગ્ન થયાં ને સરલાના શુભ પગલાંથી ધંધો વધતો ગયો.

હા, બહું મહેનત કરતા હતા તમે એટલે ધંધો વધતો ગયો ખાલી મારા પગલાંથી જ નહીં. પછી નવું સ્કૂટર લાવ્યા ત્યારે તો અમે બંને રાજી રાજી થઈ ગયા હતા. સરલાબેન હસતા બોલ્યા.

પછી આ બે લક્ષ્મીરૂપી દીકરીઓ આવી ને પોતાનું ઘર લીધું. પણ એક કાળમુખા દિવસે અમારા જીવનમાં કાળા વાદળો છવાઈ ગયા. મને એક જોરદાર એક્સિડન્ટ થયો, ઘણી નાની મોટી ઈજાઓ થઈ હતી ને ફ્રેકચર પણ થતાં હું ૯ મહિના ખાટલા વશ થયો. અત્યારના જેવા મેડિકલ ઉપકરણ ‌ન હતાં ત્યારે. ઉપરવાળાની કૃપાથી મારો જીવ તો બચી ગયો. પણ એ સમયે આ મારી અર્ધાંગિની સરલા અસલી રૂપમાં મારું અડધું અંગ બની ગઈ હતી.

ત્રણ વર્ષની અને ફક્ત ૬ મહિનાની દીકરીઓ ને સમજાવી ભારે હૃદયે ઘરમાં પૂરી દોડતી દોડતી ટિફિન આપવા આવતી. એક બાજુ બાળકો ને એક બાજુ પતિ. કમાણી બંધ તો પણ કેવી રીતે ઘર ચલાવતી એ ખબર જ નથી મને. થોડી જ બચત હતી મારી પાસે એમાં જ એ બધું પૂરું કરતી. દવાઓનો ખર્ચ, છોકરીઓ માટે દૂધ ને ખબર જોવા આવતા મહેમાનોની આગતાસ્વાગતા આ બધું એવી સરસ રીતે સંભાળતી કે તમારા આજના જમાનાનું એમ.બી.એ. પણ ના શીખવાડી શકે. એટલી સેવા કરી છે મારી કે કદાચ હું ઋણ ચૂકવી જ નહીં શકું. 

ભગવાનભાઈ સહેજ ઢીલા થઈ બોલ્યા.

શું તમે ય કંઈ પણ બોલો છો ! એમનામાં એટલી હિંમત છે કે આખો ટૂટી ગયેલો ને લોહીલુહાણ પગ લઈ એકલા રિક્ષા કરી હોસ્પિટલ ગયા હતા. બિલકુલ ગભરાયા વગર ડોક્ટર ને સાંભળ્યા. સહેલું નથી આ બધું. હા, એ વાત સાચી કે બહું તકલીફો હતી. એકલી ઘણું રડતી પણ આમની સામે નહીં. એ હિંમત હારે એ મને મંજૂર ન હતું. એ પણ સમયનો સદઉપયોગ કરી ધાર્મિક પુસ્તકો વાંચતા. એ સમયે થોડો કષ્ટ પડ્યો પણ આ સમય પણ જતો રહેશે એમ વિચારી અમે જીવતા હતા. એમને સાજા કરવા હતાં ને કાળા વાદળો ખસેડી મેઘધનુષ જોવાનો હતો. બોલતા બોલતા સરલાબેનને ગળે ડૂમો ભરાઈ આવ્યો.

થયો હું સાજો ને પાછી ગાડી પાટે ચડી. પછી એક દીકરો થયો. ફરીથી કમાયો ને ઘણાં ખાડા ટેકરા આવ્યા આગળ જિંદગીમાં. સરલાએ હંમેશા હાથ પકડ્યો. ઘણી વાર હું નાસીપાસ થતો તો એ મને સાચવતી ને કોઈ વાર એ હારી જતી તો હું હાથ આપતો. આ એક્સિડન્ટનું દુઃખ જોઈ તો બીજા બધા દુઃખ અમને નાનાં લાગતા. બસ સાથે ચાલતા ચાલતા અમે અહીં પહોંચ્યા. 

દીકરીઓ સાસરું શોભાવે છે તો દીકરો ને વહુ અમારું જીવન. સુખ, દુઃખ, કપટ, પ્રેમ, હિંમત, ધૈર્ય, તિરસ્કાર, નફરત બધાં જ રંગો જોઈ લીધાં. બસ હવે કોઈ ઈચ્છા નથી જિંદગીમાં. ભગવાનભાઈ સંતોષ સાથે બોલ્યા.

ના, મારે તો છે હજુ એક ઈચ્છા !

શું ? કઈ ઈચ્છા ?

મારું પ્રિય ગીત તમારા અવાજમાં સાંભળવાની. સરલાબેને શરમાતા કહ્યું.

અચ્છા ચલ એ પણ પૂરી કરી દઉં આજે ‌ને ભગવાન ભાઈએ ગાવાનુ ચાલું કર્યું.

સંગમાં રાજી રાજી,

આપણ

એકબીજાના સંગમાં રાજી રાજી;

બોલવા ટાણે હોઠ ખૂલે નહીં,

નેણ તો રહે લાજી,

લેવાને જાય, ત્યાં જીવન

આખુંય તે ઠલવાય !

દેવાને જાય, છલોછલ

ભર્યું શું છલકાય !

એવા એ

આપલેને અવસરિયે પાગલ

કોણ રહે કહે પાજી ?

વીતેલી વેળાની કોઈ

આવતી ઘેરી યાદ,

ભાવિનાં સોણલાંનોયે

રણકે ઓરો સાદ;

અષાઢી

આભમાં વાદળ વીજ શાં વારિ

ઝરતાં રે જાય ગાજી !

આ સાંભળી ત્યાં રહેલા બધાં જ લોકો એ તાળીઓનો ગડગડાટ કરી દીધો !


Rate this content
Log in

Similar gujarati story from Romance