URVASHI PRAJAPATI

Drama Romance Others

3  

URVASHI PRAJAPATI

Drama Romance Others

સાવન અને વર્ષા

સાવન અને વર્ષા

5 mins
230


"હાય હાય યે મજબૂરી,

યે મોસમ ઓર યે દૂરી.

તેરી દો ટકિયે કી નોકરી મેં,

મેરા લાખો કા સાવન જાયે"

વર્ષા સાવનને ટિફિન આપતા ગાવા લાગી.

ઓ મેડમ, તારા લાખોના સાવનમાં આ તારો સાવન ઓફિસ ના ગયો ને તો આ દો ટકિયે કી નોકરી પણ જતી રહેશે. અને પછી આ આવનારા આપણા અંશની જવાબદારી કેમ પૂરી કરીશું ? એમ કહી વર્ષાના પેટ પર હાથ મૂક્યો.

અરે! હા બાપા હા. સિરિયસ ના થઈશ ને ભાષણ ના આપીશ. હું તો ખાલી ગીત ગણગણતી હતી.

સારું, ચલ ધ્યાન રાખજે ને પાછી વરસાદમાં નહાવા ના જતી રહેતી, લપસી જઈશ કે પછી શરદી થઈ જશે.

હા, મારા પતિદેવ. તમારી આજ્ઞા સર આંખો પર.‌

ને સાવન વર્ષાનું કપાળ ચૂમી બોલ્યો, બસ હંમેશાં આવી જ મસ્તી કરતી રહેજે. ટેક કેર. બાય. જય શ્રી કૃષ્ણ.

સાવન ગયો ને નાનકડાં ઘરમાં બધું ઠીકઠાક કરી વર્ષા ગેલેરીમાં જઈ ખુરશી પર બેઠી. સવારથી કાળા વાદળો ને પવન હતો. ઝીણો ઝીણો વરસાદ પણ પડતો હતો.

ગર્ભાવસ્થાના છઠ્ઠા મહિનામાં હવે એને વધારે થાક વર્તાતો હતો. કંઈક યાદ આવતા માંડ માંડ ઊભી થઈ ડાયરીને પેન લઈ આવી. ને લખવાનું ચાલુ કર્યું.

મારા વ્હાલા પતિદેવ,

"યાદ આ રહી હે,તેરી યાદ આ રહી હે.."

શું કરું તારી જોડે વાત કરવી હતી, પણ તું તો બિઝી છે. તો આ ડાયરીમાં જ લખીને તને વંચાવીશ.

આ વરસાદ જ્યારે પણ આવે ને ત્યારે હું ભૂતકાળમાં સરી પડું છું. કેટલી બધી ખટમીઠી યાદો જોડાયેલી છે એની સાથે.

યાદ છે ને આપણી પહેલી મુલાકાત વરસાદમાં જ થઈ હતી. મેં તને બે વાર પ્રપ્રોઝ પણ વરસાદમાં જ કર્યું હતું. અને તે ના પણ વરસાદમાં જ કરી હતી. ભાગ્યે જ કોઈ છોકરી છોકરાને પ્રપ્રોઝ કરે ને એમાં પણ બે વાર તો કોઈક જ.

આજથી ૪ વર્ષ પહેલાં વરસાદમાં હું કોલેજથી ઘરે જતી હતી ને બધાં રસ્તા પાણીમાં ગરકાવ હતાં.

ત્યાં એક જગ્યાએ નાનકડો ખાડો હશે એ મને ખબર નહીં ને હું પડી સ્કૂટી લઈને ધડામ !

તું પાછળ જ આવતો હતો તો તું ઊભો રહી મને ઊભી કરવા આવ્યો. મારું સ્કૂટી ચાલું જ ના થયું તો તું મને ઘરે મૂકવા આવ્યો. પછી વરસાદે જોર પકડ્યું તો મારા પપ્પા મમ્મી એ તને થોડી વાર ઘરે રોકી લીધો.

ત્યાં તું એવી સરસ રીતે બધાં સાથે હળીમળી ગયો કે હું તો ઘરમાં પણ વગર વરસાદે પલળી ગઈ હતી. પછી મોબાઇલ નંબરની આપ-લે કરી તું ગયો. એ રાત્રે મને ઊંઘ જ ના આવી. પપ્પા મમ્મી પણ તારા વખાણ કરતાં હતાં.

બીજા દિવસે તો મારાથી ના રહેવાયું તો મેં તને કોલ કરી જ દીધો પણ બોલું શું ? એ જ કનફયુઝન હતું. તારાં કોલેજનાં ટાઈમિંગ અને ઘરનાં મેમ્બર વિશે આડીઅવળી વાતો કરી. તારો ફરીથી આભાર માન્યો. પણ તારી તો ઠીકઠાક જ પ્રતિક્રિયા હતી.

હું તો તને જોવા તારી કોલેજ આગળ આંટા મારવા લાગી હતી ને મનમાં ને મનમાં ગાવા લાગી હતી,

"આંખોમાં બેઠેલા ચાતક કહે છે,

મારું ચોમાસું ક્યાંક આસપાસ છે..."

પણ તું એક દિવસ મને જોઈ ગયો ને મને મળવા દોડી આવ્યો. મારી એક ફ્રેન્ડ ને મળવા આવી હતી એમ કહી હું શરમાઈ ગઈ. તે પૂછ્યું, ખરેખર ? મને એમ કે મને મળવા આવી હોઈશ.

ત્યાં જ અચાનક વરસાદ પડવા લાગ્યો ને ખબર નહીં મને શું થયું તો મેં તને આવેશમાં આવી કહી દીધું કે મને તું ગમવા લાગ્યો છે, હું તને કદાચ પ્રેમ કરવા લાગી છું.

તે પ્રેમથી જવાબ આપ્યો કે આ તારું આકર્ષણ હોઈ શકે. એક કામ કર ઘરે જા. પછી વાત કરીશું. 

અને હા, ધ્યાન થી જજે પાછી ફરીથી કોઈ ખાડામાં ના પડતી.

તારો જવાબ સાંભળી મનોમન હું બોલી તારા પ્રેમમાં તો પડી હવે શું કોઈ ખાડામાં પડવાની ? હું રડતાં રડતાં ત્યાંથી નીકળી ગઈ ને વરસાદનાં પાણીમાં મારાં આંસુ પણ વહી ગયા ને તને દેખાયા પણ નહીં.

બે ત્રણ દિવસ પછી તે સામેથી મને ફોન કરી મળવા બોલાવી ને સમજાવ્યું કે જો આમ ફિલ્મી રીતે પ્રેમ ના થાય. તું સારી છોકરી છે. આપણે મિત્રો બની જઈએ તો ? હું તૈયાર થઈ ગઈ.

આપણે મળતાં રહ્યાં મિત્રો તરીકે. પણ તું તો મને વધારે ને વધારે ગમવા લાગ્યો હતો.

પાછું એક દિવસ વરસાદમાં આપણે મુવી જોવા મળ્યાં ને મારાથી ફરીથી તને પ્રપ્રોઝ થઈ ગયું.

તું ગુસ્સો કરતાં બોલી ઊઠયો કે વરસાદમાં તારું છટકી જાય છે કે શું ?

ફરી હું રડમસ થઈ ગઈ ને તે કીધું કે, રડ નહીં. આ વખતે તો હું પણ ભીંજાઈ ગયો છું તારી લાગણીઓમાં. હું પણ તને પ્રેમ કરવા લાગ્યો છું.

આ સાંભળી હું તો ખુશ થઈ નાચવા લાગી ને લપસીને પડી ગઈ. તું મને ઊભો કરવા આગળ આવ્યો ને મેં તને પણ ખેંચી નીચે પાડ્યો ને ગાવા લાગી,

"આજ રપટ જાયે તો હમે ના ઊઠાઈઓ,

હમે જો ઊઠાઈઓ તો ખુદ હી રપટ જાઈઓ..."

ને તને વળગી ગઈ હતી.

પછી તું ગાવા લાગ્યો હતો કે

"ટીપ ટીપ બરસા પાની, પાનીમેં આગ લગાઈ.."

ને આપણે ખડખડાટ હસી પડ્યાં હતાં.

બસ પછી તો શું? ઘરના તો રાજી હતા જ આપણા આ સંબંધથી. આપણે ભણવા પર ધ્યાન આપી આપણા સંબંધને આગળ વધારતા રહ્યા.

પણ જ્યારે વરસાદ આવે ત્યારે હું તને ફોન કરતી ને ગાતી, "સાવન બરસે તરસે દિલ, કયો ના નિકલે ઘર સે દિલ,

બરખા મેં ભી યે દિલ પ્યાસા હે, યે પ્યાર નહીં તો ક્યાં હે.."

બસ પછી તે જોબ ચાલું કરી ને આપણે લગ્ન કર્યા.

આપણા લગ્નમાં પણ વરસાદ પડ્યો હતો યાદ છે તને ?

બસ ત્યારથી માંડીને આજ સુધી તું વરસાદની જેમ મારી પર અઢળક વરસ્યો છું, વરસે છે ને વરસતો જ રહેજે.

હા, હું બહુ નોટંકી કરું છું ને તને એ ગમે પણ છે. દરેક પરિસ્થિતિ પ્રમાણે હું ગીત શોધી કાઢું છું એ મારી ખૂબી છે એવું તું કહે છે. બસ હવે આપણે બેનાં ત્રણ થઈશું ને આપણા બાળકને પણ આપણે વરસાદ પ્રેમી બનાવીશું.

જો ને સવારથી આ વરસાદ પણ મારી જેમ નોટંકી કરે છે ઘડીકમાં આવે છે ને ઘડીકમાં તડકો કાઢે છે. આ વરસાદ આપણા પ્રેમનો એકમાત્ર સાક્ષી છે.

જાણે વરસાદ પણ હા માં હા પૂરાવતો હોય એમ જોરદાર વાદળ ગરજયા ને મૂશળધાર વરસાદ પડવા લાગ્યો.

વર્ષા વાછોટ આવતાં ડાયરી લઈ અંદર ગઈ ને સાંજે સાવનના પ્રેમની વાછોટમા ભીંજાવાની રાહ જોવા લાગી.


Rate this content
Log in

Similar gujarati story from Drama