મેઘધનુષનાં રંગો
મેઘધનુષનાં રંગો
એય ચલો ચલો આરામ કરો વાતો કર્યા વગર. પછી રાતે ઝોલાં ખાશો. એમ બોલી ખંધું હસતા કાળિયો ત્યાંથી નીકળ્યો.
ને એ નાનકડા ગંધાતા ઓરડામાં રહેતી પાંચ છોકરીઓ ઊભી થઈ દિવસે સૂવાની તૈયારી કરવા માંડી. સુનિતા એ બાજુની પથારીમાં પડેલી રમાને કહ્યું, તારો જીવ નથી ઘૂંટાતો અહીંયા ? બીક નથી લાગતી રાત પડશે ને ફરીથી એ જ ગંદું કામ ?
લાગતો હતો ડર જ્યારે તારી જેમ હું નવી હતી, ધમપછાડા પણ બહું કયૉ. બહુ માર ખાધો છે પેલા કાળિયાનાં હાથનો. મારા પહેલા જ કસ્ટમર ને મેં લાકડીથી માર્યો હતો. ત્યારે મને આ મળ્યું એમ કહી પગ પર પડેલા દાઝ્યાનાં નિશાન બતાવ્યા. આ જ મારું નસીબ છે ને મારી નાની છોકરીનું પેટ ભરવા અહીં બે ટાઈમ ખાવાનું તો મળે છે એમ વિચારી શાંત પડી ગઈ. રમા પોતાની છોકરીનાં માથા પર હાથ ફેરવતા બોલી.
તો ચલ ને આપણે અહીંથી ભાગી જઈએ !
ઓય તને ખબર પણ છે કે તું શું બકવાસ કરે છે ? આખા રેડ લાઈટ એરિયામાં સૌથી વધારે સિક્યોરિટી ને ગુંડા અહીંયા છે. ચાંપતી નજર રાખવામાં આવે છે આપણી પર. તને આવ્યે અઠવાડિયું પણ નહીં થયું. તે હજુ આ નર્ક ને જાણ્યું છે ક્યાં ? રમા ગુસ્સે થઈ.
મારે જાણવું પણ નથી. હા, હજુ તો મેં તમારા લોકોની જેમ દારુથી ગંધાતા, ગોબરા, જાડિયા પુરુષોનો સામનો નથી કર્યો. અને કરીશ પણ નહીં. બહાર નીકળીને જ રહીશ અહીંથી. તારી જેમ જો મારે દીકરી હોત તો હું આવી જગ્યામાંથી ગમે તેમ બહાર નીકળી જાઉં.
તારી મરજી ! મર અહીં તારી ફૂલ જેવી છોકરીને લઈને. સુનિતાએ પડખું ફેરવી દીધું.
ઓરડાની બધી છોકરીઓ સૂઈ ગઈ પછી રમા હળવેકથી સુનિતા પાસે જઈ આંખમાં પાણી સાથે કહેવા લાગી. મારે પણ ભાગવું છે. મારી લાડકી દીકરીને આવા વાતાવરણમાં મોટી નથી કરવી. હું ફસાઈ પણ એને નહીં ફસાવા દઉં. ક્યાંક એને પણ આ ગંદાં ધંધામાં ખેંચી લાવવામાં આવે તો ? ના ના,મારે એને ખૂબ ભણાવી છે. પણ કેવી રીતે ? શું કરીશું ? આપણું જીવન જ કાળાં ડિબાંગ વાદળોથી ઘેરાયેલું છે.
એ જ વાદળો વરસાદ લાવે છે ને પવનની મદદથી સમય આવ્યે એ ખસી પણ જાય છે. બસ એ વાદળો આપણે ખસેડવાના છે, આપણે થોડી હોંશિયારી અને સમજદારીથી ભાગવાનું છે. અત્યારે કંઈ નહીં કરીએ તો આખી જિંદગી રડતાં રહીશું ને આ માસૂમને પણ રડાવીશુ. જો તારી દીકરી નહીં પણ આપણી દીકરીનું ભવિષ્ય સુધારવું હોય તો કંઈક તો કરવું પડશે. આપણે આ કામ દિવસે કરશું કારણકે દિવસે બધાં આરામમાં હોય છે. ને આપણે બે ત્રણ દિવસ બધું જોઈ લઈએ કે કોણ ક્યાં ઊભું હોય છે ? પછી પ્લાન કરીએ. બોલતા સુનિતાએ રમાનો હાથ હાથમાં લીધો.
ત્રણ દિવસ બધું ચેક કરી તેઓ એ પ્લાન ઘડ્યો ને ચોથા જ દિવસે સમય મુજબ સુનિતા, રમા ને તેની નાનકડી દીકરી ત્રણેય એક જગ્યાએ ભેગા થઈ મહામહેનતે પરાણે ત્યાંથી ભાગી નીકળ્યા. હાંફળી ફાંફળી થઈ ક્યાંય સુધી બંને સાત વર્ષની દીકરીને લઈને દોડતી રહી. વરસાદી ઠંડકમાં પણ બંને પરસેવે રેબઝેબ થઈ ગયા. ખૂબ દૂર ગયા પછી થાક ને તરસ લાગતાં બંનેએ એક દુકાનમાંથી પાણી ને બિસ્કીટ લીધાં.
ત્યાં દુકાનમાં એક આધેડ બહેન ખરીદી કરવાં આવ્યાં ને એમને આ બે સ્ત્રીઓને જોઈ થોડી શંકા ગઈ ને બંનેને સાઈડમાં લઇ જઈ પ્રેમથી વાત કરી. પોતાના પ્રત્યે આટલું માન જોઈ બંનેને વિશ્વાસ બેઠો ને રડતાં રડતાં વિગતે વાત કરી.
સદનસીબે એ બહેન પોતે મહિલા સશક્તિકરણ સંસ્થા સાથે જોડાયેલા હતાં. તો રમા ને સુનિતાને સાંત્વના આપી પોતાની ગાડીમાં બેસાડી સંસ્થા તરફ રવાના થયા.
પહેલી વાર ગાડીમાં બેસી ને દીકરી તો રાજી રાજી થઈ ગઈ. એણે બારીની બહાર જોયું ને ખુશ થતાં બોલી, "માં, માસી ! જલ્દી જુઓ ઉપર આકાશમાં વાદળો ખસી ગયા ને કેવું સરસ મેઘધનુષ દેખાય છે !"
હા, બેટા ! કેવા સરસ રંગો છે એમાં.
સુનિતા એ જવાબ આપ્યો ને રમાના ખભા પર હાથ મૂકતાં બોલી," મેં કીધું હતું કે આ કાળા વાદળો પવનથી ખસી જશે ને આપણા જીવનમાં પણ મેઘધનુષ જેવા રંગો ભરાશે. હંમેશા ધૈયૅ અને મહેનતથી કામ લેવું જોઈએ.
આપણે આપણી પોતાની મદદ કરી એટલે ભગવાને આ બહેન થકી આપણને મદદ કરી. બસ હવે એ દિવસો ને ખરાબ સપનું સમજી ભૂલી જઈશું. આપણે પગભર થઈશું ને દીકરી ને બહુ ભણાવી આ બહેન જેવી મોટી માણસ બનાવશું."
ને પેલા બહેન ગાડી ચલાવતા સુનિતાની આવી સકારાત્મક અને ભાવનાત્મક વાતો સાંભળી ખુશ થયાં.
