URVASHI PRAJAPATI

Drama Inspirational

3  

URVASHI PRAJAPATI

Drama Inspirational

સ્ત્રી શું ઝંખે છે ?

સ્ત્રી શું ઝંખે છે ?

3 mins
242


રાજા હર્ષવર્ધન યુવાન અને દેખાવડો હતો. તેથી તેને બાજુના રાજ્યના રાજાએ કેદમાં પૂર્યા. એમણે એક શરતે જ મુક્તિ આપવા કહ્યું કે એક પ્રશ્ર્નનો સાચો જવાબ આપવો પડશે. એના માટે એક વર્ષની મુદત આપવામાં આવી હતી. અને જો ના આપી શકે તો મરવા માટે પણ તૈયાર થઈ જવું પડે !

એ અઘરો સવાલ હતો કે "સ્ત્રી શું ઝંખે છે ?"

હર્ષવર્ધને જવાબ મેળવવા માટે હોશિયાર ગણાતા માણસોને કામ સોંપી દીધું. કોઈએ કહ્યું, સ્ત્રી ને સુંદરતા જોઈએ, રૂપ જોઈએ, પૈસા, કપડાં, દાગીના, પ્રેમ કરે તેવો પતિ, બાળકો. જેટલા માણસ તેટલા જવાબ. પણ સંતોષકારક જવાબ ના મળ્યો.

એવામાં કો'કે સલાહ આપી કે "દૂર પહાડીમાં એક ઘરડી ડાકણ રહે છે. એની પાસે દરેક પ્રશ્ર્નનો જવાબ હોય છે. જો કે એ કોઈ પણ કામ માટે ખૂબ મહેનતાણું માંગે છે."

હર્ષવર્ધન ત્યાં ગયો. ડાકણ કહે:"આ સવાલનો જવાબ તો મને ખબર છે. પણ મારી શરત તારે માન્ય રાખવી પડશે. તારો ખાસ મિત્ર ને તારો પ્રધાન સિદ્ધાર્થ મારી નજરમાં વસી ગયો છે.જો તું મારાં લગ્ન એની સાથે કરાવી આપે તો હું તને જવાબ આપું."

રાજા ગભરાઈ ગયો કે આવી કદરૂપી ઘરડી ડાકણ સાથે મારા મિત્રના લગ્ન શક્ય નથી. જ્યારે સિદ્ધાર્થને આ શરતની જાણ થઈ ત્યારે તેણે હર્ષવર્ધનને કહ્યું, "મિત્ર,તારી જિંદગી બચતી હોય તો હું એ ડાકણ સાથે લગ્ન કરવા તૈયાર છું."

હર્ષવર્ધને કમને સિદ્ધાર્થના લગ્ન કરાવ્યા અને જેવા લગ્ન પુરા થયા એટલે ડાકણ એ પ્રશ્નનો જવાબ આપી દીધો.

"સ્ત્રીને પોતાના નિર્ણય ખુદ કરવાની આઝાદીની ઝંખના હોય છે. ખરેખર દરેક સ્ત્રીની આ પ્રબળ ઈચ્છા હોય છે જ."

લગ્નની રાત્રે જ્યારે સિદ્ધાર્થ પોતાની ડાકણ પત્નીને મળવા ગયો તો આશ્ચર્ય વચ્ચે પલંગ ઉપર એક અતિ સ્વરૂપવાન કન્યા બેઠી હતી. સિદ્ધાર્થે તેને પૂછ્યું" તારું રૂપ શી રીતે બદલાઈ ગયું ? કોણે કર્યો આ જાદુ ?"

ડાકણ કહે, "તમે દયાળુ છો એટલે મેં આજથી અડધો દિવસ રૂપાળા સ્વરૂપમાં અને અડધો દિવસ ડાકણના સ્વરૂપમાં રહેવાનું નક્કી કર્યું છે. તમે જ મને કહો, કે હું દિવસે આ સ્વરૂપમાં રહું કે રાત્રે ?"

સિદ્ધાર્થ શું કહે ? દિવસે પત્ની સ્વરૂપવાન હોય તો સમાજ ને કુટુંબમાં એનો વટ પડી જાય. પણ રાત્રે આવી ભયંકર સ્ત્રી સાથે રાત કેમ ગાળવી ? અને જો રાત્રે સ્વરૂપવાન બની જાય તો આખો દિવસ આ કદરૂપી સ્ત્રી સાથે કેમ કાઢવો ?

સિદ્ધાર્થ અત્યંત શાલીન માનવી હતા. તેમણે કહ્યું ,"પ્રિયે, તારે જે નક્કી કરવું હોય તે કરવાની તને છૂટ છે. દરેક સ્ત્રી પોતાના નિર્ણયો ખુદ કરવાની આઝાદી ઝંખે છે એવું તે જ કહ્યું હતું ને ?"

આ સાંભળતા જ ડાકણ અત્યંત ખુશ થઈ ગઈ અને તેણે સિદ્ધાર્થને કહ્યું,"તમે મને જે આઝાદી આપી તેનાથી હું અત્યંત ખુશ છું. હવે હું હંમેશ માટે આવી જ સ્વરૂપવાન રહીશ."

આ નાનકડી પણ ઘણું કહી જતી વાર્તા મેં "વીણેલાં મોતી"જે સુનિલ હાન્ડા લેખિત છે તેમની બુકમાંથી લીધેલ છે. જે નાની-નાની પણ 501 પ્રેરક વાર્તાઓનો સંગ્રહ છે.ખૂબ સરસ વાર્તાઓ છે. અહીં મેં થોડું ટૂંકાણમાં લખ્યું છે.

ખરેખર સ્ત્રી આજની હોય કે જૂના જમાનાની, ભણેલી હોય કે અભણ, બહુ મોટા હોદ્દા ઉપર નોકરી કરતી હોય કે પછી સામાન્ય ગૃહિણી હોય, કુંવારી હોય કે લગ્ન કરેલી હોય,માતા હોય કે દીકરી,સાસુ હોય કે વહુ.પણ હજુ એને પોતાના નિર્ણયો જાતે કરવાની આઝાદી નથી મળી. ઘણા ખરા અંશે અમુક સ્ત્રીઓ પણ એવી જ થઈ ગઈ છે. જે નાના નિર્ણયો માટે પિતા,ભાઈ,પતિ કે દીકરા પર નિર્ભર રહે છે કારણ કે જન્મથી જ એવા વાતાવરણમાં ઉછેરવામાં આવી છે.

જો સ્ત્રીઓના મન જાણવાનું મશીન આવી જાય ને તો કેટલાય કુટુંબોમાં ખોખલી સ્વતંત્રતાનો પર્દાફાશ થઈ જાય.

તમારી આજુબાજુ કે તમારી અંદર જ એકવાર ઝાંખીને જોજો. પોતાની ઈચ્છાઓ મારતી, પોતાના નિર્ણયોની સતત અવગણના જોતી સ્ત્રી જોવા મળી જશે.

જે પેલી ડાકણ જેવી હોય, કદરુપી નહીં પણ જો પોતાનાં નિર્ણય જાતે લેવાની ઝંખના પૂરી થાય તો પોતાની અનૂકુળતા અને સ્વભાવ છોડી પોતાનાંને ગમે એવી સાનૂકુળતા સાધવાનો પ્રયત્ન કરે એવી.

સાચું છે ને ?


Rate this content
Log in

Similar gujarati story from Drama