URVASHI PRAJAPATI

Tragedy Inspirational Others

4  

URVASHI PRAJAPATI

Tragedy Inspirational Others

મારી પ્રેરણા હું પોતે જ

મારી પ્રેરણા હું પોતે જ

4 mins
254


"દીદી, આજે તમે આટલી સરસ રીતે ઘર, તમારો બિઝનેસ, તમારા બાળકો સંભાળો છો. તો તમારી પ્રેરણા કોણ છે ?"

થોડા મહિના પહેલા જ બાજુમાં રહેવા આવેલી ૨૩ વર્ષની ગપાટા મારવા આવેલી પીનલે પ્રાચીને એક રવિવારની સવારે પૂછ્યું.

લે પહેલા આ ચ્હા ને ગરમાં ગરમ ભજિયાં ખા. પ્રાચી એ ચ્હાનો કપ અને પ્લેટ આપતા કહ્યું.

વાઉ દીદી શું સ્વાદ છે ! એમનેમ તમારા રેસ્ટોરન્ટ નું આટલું નામ નથી હો !

પ્રાચીએ હસતાં કહ્યું મારા મમ્મીનો સ્વાદ મારા હાથમાં આવ્યો છે. હવે તારા પ્રશ્નનો જવાબ.

જો પીનલ મારા જીવનરૂપી યજ્ઞમાં મને પ્રેરણા આપનારી હું પોતે જ છું. આજે જે પણ છું એ બહુ મુશ્કેલીઓ વેઠી પહોંચી છું.

સમય છે તારી પાસે તો કહું. આમ તો હું ટૂંકમાં જ પતાવી દઈશ. હજુ બધાં સૂતાં છે. તો નવરી છું હું.

અરે ! બોલો ને દીદી. હું પણ નવરી જ છું.

આ મારાં બીજાં લગ્ન છે. અને મારી દીકરી મારાં પહેલાં પતિની પુત્રી છે.

શું ? મને તો ખબર જ નહોતી.

હા, ૨૦ વર્ષની હતી અને સારા મૂરતિયાની વાત આવતા ઘરવાળાઓએ લગ્ન કરાવી દીધાં. સાસરિયાં ને પતિ બહુ સારાં હતાં. કોલેજ સુધીનું ભણતર સાસરીમાં જ પતાવ્યું. લગ્નના બે વર્ષ માં ભગવાને એક રૂપાળી દીકરી દીધી. હસતાં રમતાં જીવન પસાર થતું હતું.

પણ એક દિવસ મારાં પતિને અકસ્માત નડતાં ત્યાં જ એમનું મૃત્યુ થયું. ૨૫ વર્ષે હું વિધવા થઈ ગઈ. મારી દીકરી ૩ વર્ષની જ હતી. સાસુ, સસરા ભાંગી પડ્યા. એક માત્ર ઘરનો આધાર હતાં મારા પતિ. હું પણ આઘાતમાં સરી પડી. પણ મારા પર હવે દીકરી, સાસુ, સસરાની જવાબદારી હતી. હું અસહાય બની ગઈ હતી. બહારથી ઠીક હોવાનો દેખાવ કરતી પણ એકલામાં બહું જ રડતી. થોડી ઘણી બચત હતી તો દિવસો નીકળશે પણ પછી અમારું શું ? એ વિચાર આવતા હું ગભરાતી.

મને વાંચવાનો બાળપણથી બહું જ શોખ. તો ત્યારે મને એક મોટિવેશન આપતી બુક ક્યાંકથી હાથમાં આવી. અને ખબર નહીં એ શબ્દોએ મારી પર શું કમાલ કર્યું ને હું ધીમે ધીમે દુઃખમાંથી ઊગરવા લાગી.

કોઈ નોકરી કરવાની મારી ઈચ્છા નહોતી. મેં મારા સસરા ની મદદથી ઘરની બહાર જ ચ્હા નાસ્તાની લારી ખોલી. ઘર આંગણે જગ્યા હતી ને દીકરી, ઘર બધું સંભાળાય. સમાજનાં લોકોએ હાંસી પણ ઊડાવી કે, લો ! લારી ખોલીને બેઠી, કેટલું કમાશે ? પણ મેં કોઈનાં સામે હાથ નહોતો લંબાવ્યો એનાથી વિશેષ શું હતું ! મારે મારી દીકરીની પ્રેરણા બનવાનું હતું.

અમારાં ઘરની આજુબાજુ ઓફિસ અને કોલેજ હતી. સવારમાં ઘરનો શુધ્ધ અને સાત્વિક નાસ્તો મળે એ વિચારથી ઘણા ગ્રાહકો આવવા લાગ્યા. મારો નાનકડો ધંધો સારો ચાલવા લાગ્યો. સાસુ સસરા પણ મદદ કરતા. અમે ખુશ હતાં.

મને જે લેખકથી પ્રેરણા મળી હતી એ મારા જ શહેરની હતી. જેમતેમ કરી હું એને મળવા ને આભાર કહેવા એની પાસે પહોંચી ગઈ. પણ ત્યાં જઈને જોયું તો એ પોતે જ સાસરીયાઓના ત્રાસમાં હતી. અને પ્રતિષ્ઠિત કુટુંબની દીકરી અને વહુ હોવાથી એ કંઈ પગલાં લેવા નહોતી માંગતી. પણ થોડા જ દિવસમાં એ વિદેશ જતી રહેવાની હતી આ બધામાંથી છૂટકારો મેળવવા. હું આ બધું સાંભળી વિષાદ મને પાછી વળી.

રાતે ઊંઘ પણ ના આવી. પછી થયું કે ખરેખરમાં તો હું જ મારી પ્રેરણા છું. કોઈ બીજું એ બની જ ના શકે. ભલે એ શબ્દોએ મને હિંમત આપી પણ સાહસ તો મેં જ કર્યું ને !

પછી મેં ટિફિન સર્વિસ પણ ચાલુ કરી. એમાં મને ઘણો ફાયદો થયો. એવામાં મારા ગરીબ મા-બાપ પણ વારાફરતી ગુજરી ગયા.

એક દિવસ અમારા રેગ્યુલર ગ્રાહક અને કોલેજના પ્રોફેસરે મારા સાસુ સસરા આગળ મારી સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. હું મૂંઝાઈ. એ માણસ સારા હતાં પણ એક ભવમાં બે ભવ અને સાસુ સસરાનું શું ?

મારાં ભલા સાસુ સસરાએ ખૂબ સમજાવી અને એ પ્રોફેસરે પણ એમને સાથે રાખવા કહ્યું. હું રાજી થઈ પણ ટેન્શન રહેતું કે શું બધું બરાબર કરું છું ને ?

પિયરમાં તો મા-બાપ ક્યારના ભગવાનને પ્યારાં થઈ ગયા હતા. પ્રોફેસર ને પણ ઘરમાં કોઈ ન હતું. તો સાદાઈથી લગ્ન કર્યા.

એ ઘર છોડી અમે અહીં આવી ગયાં ને ત્યાંનું મારું કામ એક ભાઈને સોંપી દીધું. સાસુ સસરા થોડા સમયમાં જ સ્વર્ગે સિધાવી ગયા. પછી એક દીકરો થયો ને સંસાર પૂરો થયો. મારું કામ તો ચાલું જ હતું. પણ મારા પતિ એ મને એક રેસ્ટોરન્ટ ચાલું કરવા સલાહ આપી અને મદદ કરી.

અને જો આજે અહીં છું....

એક વાત કહીશ તને હંમેશાં કોઈને પ્રેરણા બનાવો પણ પોતાના પરનો આત્મવિશ્વાસ ન ગુમાવો. આજે હું પેલી લેખકનાં કોન્ટેક્ટમાં છું. એણે પણ વિદેશ જઈ છૂટાછેડા લઈ લીધાં. એ પણ ખુશ છે હવે.

ચલ હવે બહુ બોર કરી તને.

અરે ના ના ! દીદી. તમે તો મારી પ્રેરણા બની ગયાં. હું પણ હવે નીકળું. મમ્મી રાહ જોતી હશે. એમ કહી પીનલ નીકળી.

પીનલ ઘરે જતા જતા મનમાં વિચારવા લાગી કે હું હવે ઘરનાં લોકોને સમજાવીશ કે મારે‌ હજુ લગ્ન નથી કરવાં, સગાઈ તો થઈ ગઈ છે. બે વર્ષ ભણવું છે. પગ પર ઊભા રહેવું છે. પપ્પા મમ્મી અને રોનક સમજી જ જશે.

આભાર દીદી. મારી મૂંઝવણ દૂર કરવાં માટે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy