સંઘર્યો સાપ
સંઘર્યો સાપ




"બાપુજી, જરા જલ્દી કરજો..વહેલાસર પહોંચીએ તો રાત પહેલાં અમે પાછા ઘરભેગા થઇએ. 'મુક્તિ ધામ'નો રસ્તો પણ પાછો લાંબો છે." ધીમે-ધીમે પોતાની બેગ તૈયાર કરતાં પિતાને બંને પુત્રે ટોક્યા.
જનકભાઈને સંતાનમાં આ બે પુત્રજ હતાં. પત્નીના અવસાન પછી જનકભાઈ થોડો વખત તો એકલાં આ બાપદાદાના સમયના પોતીકા ઘરમાં રહ્યાં. પણ હવે એમની ય અવસ્થા થઇ હતી,તબિયત પણ નરમ-ગરમ રહેતી ને આ જૂનું ખખડધજ ઘર પણ રીપેર માંગતું હતું. હવે આ બધું કોણ સંભાળે ? પુત્રો તો વરસોથી જુદા રહેતાં હતાં. બંને પુત્રવધુઓ ને રોજ અહીં આવવું ફાવે નહીં ને બાપુજીને સાથે રહેવા લઇ જવા ? ના રે .એવી જવાબદારી કોણ લે ? એટલે બંને પુત્ર-પુત્રવધુ ઓ એ નક્કી કર્યુ કે એમને ઘરડાં -ઘરમાં મૂકી આવવા.બાપુજી એમ કંઇ સીધા છે નહીં! એમને સમજાવવા મુશ્કેલ થશે. એવું ચારેય ને લાગેલું.
પણ આ તો ઉંધું જ થયું ! એ માની પણ ગયાં ને હવે આજે ત્યાં જવા નીકળવાનાં હતાં. બંને પુત્રવધુઓ પણ હવે જવાનું પાછું ન ઠેલાય એ માટે ચાંપ રાખવા હાજર હતી. પુત્રને ઉતાવળા થતા જોઈ જનકભાઈ બોલ્યા:
"મેં સંદીપ- મારા મિત્ર કેતુભાઇનો દીકરો. જે વકીલ છે,એને ઘરે બોલાવ્યો છે.જરા વીલનું કામ છે."
આ મખ્ખીચૂસ બાપા પાસે પૈસા ક્યાં છે તે હવે વીલની લપ લઇ બેઠાં ! દીકરાઓ એ વિચાર્યું. આ બાપા હવે કંઇ નાટક કરે ,તોય મક્કમ રહી આજે તો ઘરડાં ઘર ભેગા કરી જ દેવા છે...પુત્રવધુઓ એ વિચાર્યું..
જનકભાઈ આમ તો સાધારણ માણસજ હતાં. કપડાંની નાની દુકાન હતી જે ઠીકઠાક ચાલતી. એ સાદાઇથીજ જીવતા ને ઘરનાં બધા પાસે પણ એવી જ આશા રાખતાં. છોકરાં મોટા થયાં પછી મોજશોખ માટે પૈસા માંગતા પણ જનકભાઈ એમ પીગળતાં નહીં. છોકરાં ઓ ને ભણાવ્યા...પરણાવ્યા પણ ખરા, પણ સાદગીથી. પૈસાની માગણી થાય કે એમનો એક જ જવાબ "આપણને ન પોસાય -ચાદર એટલી જ સોડ તાણીએ.."પત્ની ક્યારેક અકળાતી ને કહેતી "એમ તો તમારી પાસે પૈસા હોય છે. દેખાડતા નથી ને ખરચતા નથી. સંઘરી ને શું કરશો ?" ને જનકભાઈ કહેતાં. "સંઘર્યો સાપ પણ કામ આવે.આ તો પૈસા. તું કે હું મરશું એ પહેલાં જ કામ આવશે." પત્ની તો મરી ગઇ ને આજે જનકભાઈ પોતાને ચાદરમાં ટુંટીયું ન વાળવું પડે એની વેતરણમાં હતાં !
ઘરની બેલ વાગી. મોં કટાણું કરતાં નાના પુત્રે દરવાજો ખોલ્યો. સંદીપ વકીલને એની સાથે એમની નાતના મોભી એવા ભગવાનભાઈ પણ ઉભેલા. બધા બેઠાં કે જનકભાઈ એ જ શરુઆત કરી,
"સંદીપ, મારે વીલ બદલવું છે , તે તું બધા કાગળીયા લાયો છે ને ?" છોકરાં ઓ ને હસવું આવતું હતું કે ફક્ત આ ફટીચર ઘરનાં ધણી શું વીલ-વીલ કરે છે. પણ સંદીપ વકીલ તો ગંભીર હતો. એ બોલ્યો
"બોલો કાકા ,તમે કહો તેમ કરું...જનકભાઈ બોલ્યા "જો,અત્યાર સુધી તો આ મારા બંને છોકરાંઓને અડધું -અડધું આપેલું. પણ હવે હું તો ચાલ્યો ઘરડાં ઘરમાં. હવે મારી સારસંભાળ -દવાદારુ-ચાકરી-નિભાવ બધું જ ઘરડાં ઘર કરશે.તે એ મારો ત્રીજો દીકરો થશે કે નહીં ? તો હું ઇચ્છું છું કે મારી સંપત્તિના હવે ત્રણ ભાગ થાય. મને સાચવશે એ ઘરડાં ઘરને એંસી ટકાને આ દીકરાઓ ને દસ-દસ ટકા. આખરે મારું લોહી છે ! " ભલે કરતાં બાપા આ ફટીચર ઘરનાં ત્રણ ભાગ ! દીકરાં મનમાં હસ્યાં. પણ મોટો દીકરો કૂતુહલ વશ પૂછી બેઠો.
"બાપુજીની પૂંજી કેટલી ? એ તો કહો." વકીલનો જવાબ હતો..આ ઘર ને બેંકની ફીક્સડ ડીપોઝીટ. એક કરોડ રુપિયા.'
નાનો દીકરો ઉઠી બાપુજીના પગ પાસે ગોઠવાઈ ગયો. મોટો એમણે ઓઢેલી ચાદર સરખી કરવા માંડ્યો. વહુઓ પાણીની ટ્રે સાથે હાજર. થોડીવારે મોટો દીકરો બોલ્યો.
"આ બાપુજી જવાની તૈયારી કરે છે ત્યારથી મારો તો બહુ જીવ બળે છે."તરત જ નાનો દીકરો બોલ્યો "હા..મને પણ બાની યાદ આવે છે ને થાય છે એમના આત્માની શાંતિ માટે બાપુજીને મારી સાથે જ રાખું" ત્યાં તો મોટી વહુ બોલી." અમે મોટા એટલે એ હક્ક અમારો" ક્યારના સાંભળી રહેલાં મોભી ભગવાનભાઈ બોલ્યા. બંને ભાઈઓ વારાફરતી બાપાને સાચવો ને વીલ થોડા સમય પછી જનકભાઈની મરજી પ્રમાણે બદલજો. ત્યાં સુધી આજ રાખો. ચાલો, જય શ્રી કૃષ્ણ.
બંને દીકરા મહેમાનને વળાવવા ગયાં, પુત્રવધુઓ બાપુજીને ભાવતી મસાલા વાળી ચા બનાવવા ગઇ કે એકલા પડેલા જનકભાઈ પત્નીની છબી સામું જોતા મલકી પડ્યાં ને મનમાંજ બોલ્યાં, "જોયો, સંગ્રહયા સાપનો ફૂંફાડો ? હવે તું મારી ચિંતા છોડી સ્વર્ગમાં મજા કર ને હું ? એય..ને..દીકરાઓ ને ઘરે મજા કરું.