Pallavi Gohel

Inspirational

4.7  

Pallavi Gohel

Inspirational

સંગાથ

સંગાથ

2 mins
245


જીવનની ઢળતી સંધ્યાએ પત્ની પ્રભાએ અનંતની વાટ પકડી કે પ્રવીણભાઈની રચનાઓમાંથી શબ્દોનાં રંગો ઉડી ગયાં અને પત્નીની ખોટ પ્રેમાળ પુત્ર, આજ્ઞાકારી પુત્રવધૂ અને નટખટ પૌત્ર પણ પૂરી ના કરી શક્યાં. એ લોકોનાં આદર અને પ્રેમ અપાર હતાં છતાં અંતરમાં ધસેલું એકલાપણું દૂર થતું નહોતું. પ્રભાનો સંગાથ છૂટતાં જ જાણે એમનું જીવન બેરંગ થઈ ગયું હતું. પત્નીની યાદોમાં નિમગ્ન પ્રવીણભાઈનાં દિલનું દર્દ ફરી કવન બની કાગળ પર નીતરી ગયું.


છૂટ્યો સંગાથ પ્રિયે તુજ હુંફાળા પ્રેમનો,

શુષ્ક થયાં શ્વાસો, અને થયો હું નોંધારો,

ઢળતાં આયખાનાં ઉંબર પર થયો એકલો,

તુજ વિના બેરંગ થયો તારો શબ્દ રંગારો...


પત્ની પ્રભાની છબી સામે જોતાં એ ભીની આંખે બોલી ઉઠ્યા, "ઓહ પ્રભા આયખાના અંતિમ પડાવે તારા વિરહની આ વેદના અસહ્ય છે. મનનાં તરંગો અને દિલનાં ઉમંગો, દર્દોને મુક્ત મને તારી સમક્ષ જ તો વ્યક્ત કરી શકતો હતો". પ્રવીણભાઈના આ વિષાદને તોડતો દીકરા માનવનો અવાજ આવ્યો "ચાલો પપ્પા આશ્રમ જવા માટે મોડું થાય છે". આ સાંભળતાં જ એક ઊંડો નિસાસો નાખી પ્રવીણભાઈ બહાર આવ્યા.

 પત્નીની તૃતીય પૂણ્યતિથી નિમિત્તે પૂરો પરિવાર "આશરો વૃદ્ઘાશ્રમ"માં દાન કરવા માટે ગયાં જ્યાં અનાયાસે પ્રવીણભાઈની મુલાકાત નાનપણની મિત્ર ચંપા સાથે થઈ. ચંપાનાં નસીબ મોળા નીકળ્યા પતિના અવસાન બાદ પુત્ર અને વહુએ એમને જાતી જિંદગીએ વૃદ્ઘાશ્રમમાં છોડી દીધાં હતાં.

નાનપણની મિત્રની આ દશા જોઈ દુઃખી થતાં પ્રવીણભાઈ અવારનવાર ચંપાને ફોન કરતાં અને નાનપણની જૂની યાદો વાગોળતાં. ધીમે ધીમે વાતોનો વિસ્તાર વધવાં માંડ્યો જીવનનાં કેટલાય પ્રસંગો અને દિલમાં ધરબેલી વાતોને વ્યક્ત કરવા માટે બંનેને એકબીજાનો ઓથ મળી ગયો હતો.

સદનસીબે પ્રવીણભાઈનો દીકરો અને વહુ ખૂબ જ સમજદાર હતાં. તેઓએ સમાજની જૂની ઘરેડને તોડતો એક નિર્ણય લીધો પ્રવીણભાઈ અને ચંપાબહેનનાં લગ્નનો નિર્ણય. દીકરા માનવની ખૂબ જ સમજાવટ અને અથાગ પ્રયાસો બાદ આખરે પ્રવીણભાઈ અને ચંપાબહેને ઢળતી ઉંમરે એકબીજાનાં જીવનસાથી બનવાં, મૈત્રી કરારને એક અતૂટ સંગાથમાં પરોવવા માટેની હામી ભરી દીધી. 

માનવનાં આ નિર્ણય થકી પ્રવીણભાઈ અને ચંપાબહેનનાં આથમતાં જીવનમાં નવપ્રાણ સંચાર થયો. બેરંગ જીવનમાં ફરી મૈત્રી અને પ્રેમનાં નિર્મળ રંગોની રંગોળીથી જીવનની ઢળતી સંધ્યા ખીલી ઊઠી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational