સંગ એવો રંગ
સંગ એવો રંગ


મોહન આજે બીમાર હોવાથી શાળામાં ગયો નહોતો. તેનો નાનો ભાઈ સોહન બહાર રમવા ગયો હતો. બપોરે ઘરે પાછો આવેલો સોહન બહારથી આવીને મોહનના પડખે સુઈ ગયો. આ જોઈ તેમની માતા જશોદાબેન રસોડામાંથી દોડતી આવી અને સોહનને ઊંચકીને બાજુના પલંગ પર સુવડાવી દીધો. મોહનને જશોદાબેનની આ વર્તણુક જરાયે ગમી નહીં એ બોલ્યો, "મા, નાનકાને મારી પાસે જ સુવા દેવો હતો ને !"
જશોદાબેને મોહનના માથા પર હેતથી હાથ ફેરવતા કહ્યું, "બેટા, તું બીમાર છે ને એટલે આજે એકલો જ સુઈ જા. તારી બાજુમાં સૂવાથી નાનકાને પણ તારી બીમારીની અસર થશે અને તે પણ બીમાર પડી જશે. તારા કારણે તારો ભાઈ બીમાર પડશે એ તને ગમશે ?”
મોહને મનોમન કંઇક વિચારીને કહ્યું, “હવે હું સમજ્યો !"
માતાએ આશ્ચર્યથી પૂછ્યું, "શું સમજ્યો બેટા ?"
મોહન બોલ્યો, "મા, તને યાદ છે થોડાક દિવસો પહેલા આપણે વારાણસી ગયા હતા ત્યારે પિતાજીએ ગંગા નદી વિશે કહ્યુ હતું કે, ગંગા નદી સર્વ પાપોના નાશ કરી મોક્ષ આપતી મંગળકારી અને પવિત્ર નદી ગણાય છે. સાચું કહું ત્યારે એ પ્રદુષિત ગંગા નદીને જોઈને મારૂ મન પિતાજીની વાત માનવા તૈયાર જ થતું નહોતું પરંતુ આજે તારી વાત સાંભળીને મને સમજાઈ ગયું કે જો મારા જેવા બીમાર વ્યક્તિ સાથે સુવાથી નાનકો બીમાર પડી જતો હોય ત્યારે આપણા સહુના પાપ ધોઈ ધોઈને એ બિચારી ગંગા નદી ક્યાંથી ચોખ્ખી રહે!”
નિર્દોષ મોહનની વાત સાંભળીને તેના માતાની આંખ સામે એ પ્રદુષિત ગંગા નદી આવી ગઈ. આંખમાં આવેલા અશ્રુઓને લૂછતા લૂછતા તેણે મોહનને ચાદર ઓઢાવીને કહ્યું, "સાચું કહ્યું બેટા આપણા મનુષ્યના પાપે જ પ્રદુષિત થઈ છે આપણી પવિત્ર એવી ગંગા નદી."