nayana Shah

Inspirational

4.2  

nayana Shah

Inspirational

સ્નેહ અને સુખનો સાગર

સ્નેહ અને સુખનો સાગર

6 mins
390


હું અને સુહાગી નાનપણથી સાથેને સાથે જ હોઈએ. લગ્ન બાદ પણ થોડો સમય તો અમે એક જ સોસાયટીમાં રહેતાં હતાં. તેથી સોસાયટીના રહીશો સાથે પણ ઠીક ઠીક સંબંધ હતો. પરંતુ મોટેભાગે તો હું અને સુહાગી જોડે જ હોઈએ. પરંતુ ટૂંક સમયમાં અમારૂ ઘર તૈયાર થતાં અમે થોડા દૂર થઈ ગયા. પણ અમે ફોનથી સતત એકબીજાના સંપર્કમાં રહેતાં. સુહાગીની ઓફિસ એના ઘરથી નજીક અને ઓફિસમાં કલાકની રિસેસ. 

મોટેભાગે તો સુહાગી ઘરે જ આવી જતી. એ કંપની સેક્રેટરી હોવાના કારણે વરસમાં અમુક જ દિવસ કામ વધુ રહેતું. જો કે ઓફિસમાં અઠવાડિયે એકાદવાર તો બધા બહારથી નાસ્તો મંગાવી લેતા. સામાન્ય રીતે ફરસાણ કે આઈસ્ક્રીમ હોય. કયારેક મિઠાઈ પણ હોય.

સુહાગી કહેતી, "મને અગાઉથી કહી દેજો તો હું ઘેર ના જઉં" સુહાગીને તો પહેલેથી જ ઓછું બોલવા જોઈએ. રિસેસમાં ઘેર આવવાનું ખાસ કારણ તો એ જ કે એ એના વૃધ્ધ સાસુ સસરાની સંભાળ રાખી શકે. રસોઈવાળી હોવા છતાં પણ એ કહે, "થોડો લોટ રહેવા દેજે જેથી હું મમ્મી પપ્પાને ગરમ રોટલી ખવડાવી શકું." ઘણીવાર એ લોકો કહેતાં, "બેટા, તું તો સવારની બનાવેલી રોટલી ખાય છે અને અમારા માટે ગરમ કરે છે ! "

સુહાગી ત્યારે પ્રેમથી કહેતી, "મને સેવા કરવામાં આનંદ આવે છે. નસીબદાર હોય એને સેવા કરવાનો મોકો મળે "

જયારે સુહાગીએ દીકરાને જન્મ આપ્યો ત્યારે આખા ઘરમાં ખુશી છવાઈ ગઈ હતી. એના સાસુ સસરાને તો જાણે એમનું બાળપણ પાછું મળી ગયું હતું. દિવસો શાંતિથી પસાર થતાં હતાં. જયારે સુહાગીનો નાસ્તો કરાવવાનો વારો હોય તો એ ઘેરથી જ નાસ્તો બનાવીને લઈ જતી કારણ એ તો ચુસ્તપણે માનતી કે ઘર જેવું શુદ્ધ ખાવાનું જ ખાવું જોઈએ. જો કે ઓફિસમાં તો ગુસપુસ થતી કે, "આટલો બધો પગાર છે પણ સાવ જ કંજૂસ છે. બહારનું ખાવાનું મોંઘુ પડે એટલે ઘરેથી રસોઈવાળી પાસે નાસ્તા બનાવડાવે છે, તો કોઈ કહેતું કે એના પતિનો પગાર તો એનાથી પણ બમણો છે.એનું બેંક બેલેન્સ વધારે જ જાય છે. એના સસરાને પેન્શન પણ ઘણું આવે છે. દીકરા માટે પણ આયાનો ખર્ચ નહીં કારણ સાસુ સસરા રાખે. કોઈ દિવસ હોટલમાં જમવા જવાનું જ નહીં. એવું પણ ન હતું કે સુહાગીને ખબર ન હતી કે એની પાછળ લોકો શું બોલે છે ! એ માનતી કે બહારનું ખાવાનું ખિસ્સાને પોષાશે પણ પેટને નહીં પોષાય. 

દિવસોને તો જાણે કે પાંખો લાગી હતી. આમ પણ સુખનો સમય જલદીથી પસાર થતો હોય છે. સુહાગીનો દીકરો ભણવામાં ખૂબ જ હોંશિયાર નીકળ્યો કારણ કે દાદા તથા દાદી રમત રમતમાં એને ઘણું શીખવાડી દેતાં. સુહાગીનો દીકરો દસમાં ધોરણમાં હતો ત્યારે સુહાગીના સસરાએ આ દુનિયામાંથી વિદાય લીધી અને એ બારમામાં આવ્યો ત્યારે એના સાસુએ આ દુનિયામાંથી વિદાય લીધી. જો કે સુહાગીનો દીકરો પ્રયાગ બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી મેડિકલમાં ગયો. પરંતુ એને બીજા શહેરમાં એડમિશન લીધું. સુહાગી સાવ એકલી પડી ગઈ. હવે ઘરમાં એ અને એના પતિ જ રહ્યા હતાં. હવે રિસેસમાં પણ સુહાગીને ઘેર આવવાનું મન થતું નહીં. 

એવામાં જ ગામડે એકલા રહેતાં એના ફોઈ સાસુ બિમાર પડ્યા. ગામમાં તો આધુનિક દવાખાનાની સગવડ હતી જ નહીં. તેથી આજીવન કુંવારા રહેલા ફોઈ નું કોઈ ન હોવાને કારણે સુહાગી એમને પોતાના ઘેર લઈ આવી. ઘરમાં ફરી વસ્તી થઈ ગઈ. ફોઈ એકાદ વર્ષ સુધી સુહાગીને ત્યાં રહ્યાં એ દરમ્યાન સુહાગીએ મન દઈને ફોઈની ચાકરી કરી. ત્યારબાદ તેના મમ્મી પણ બિમાર પડતાં સુહાગી એના મમ્મીને પોતાના ઘેર લઈ આવી. સુહાગીની ચાકરીથી બધા ખુશ રહેતાં. 

એ દરમ્યાન એના ફોઈ સાસુ મૃત્યુ પામ્યા. ત્યારે બધી મિલકત સુહાગીના નામે કરતાં ગયા. એની સાસરીમાં એક વાત ચર્ચાનો વિષય બની ગયો હતો કે સુહાગી ખૂબ જ ખાનદાન છે. એના ફોઈ કોલેજમાં પ્રોફેસર હતા, એકલાં હતાં સાદાઈથી જીવતાં હતાં. તેથી લગભગ એક કરોડ જેટલી રકમ સુહાગીને મળી. એના મમ્મી પાસે તો ઘણી મિલકત હતી તેથી જ એમને મિલકતના બે સરખા ભાગ કર્યા. દીકરા દીકરીને સરખા જ ગણ્યા. ત્યારબાદ તો એના મામા પણ બિમાર થઈ સુહાગીને ત્યાં જ આવ્યા કારણ એમનાં બંને દીકરાઓ અમેરિકા હતાં. જયારે એમનું મૃત્યુ થયું ત્યારે એમના દીકરાઓએ કહ્યું,"અમે કંઈ પપ્પાની ચાકરી નથી કરી. સુહાગીએ જ કરી છે એટલે બધી મિલકતની હકદાર સુહાગી જ છે. અમે અહીં પ્રભુકૃપાથી ઘણું જ કમાઈ એ છીએ. તેથી આ બધી મિલકત અમે સુહાગીના નામે જ કરીએ છીએ."

કયારેક હું સુહાગીને મળવા જતી ત્યારે સોસાયટીવાળા મને કહેતાં, "તમારી બહેનપણી એ કમાવાનો રસ્તો સારો શોધી લીધો છે. " મને ખૂબ ગુસ્સો આવતો અને હું પણ ગુસ્સે થઈ બોલી ઊઠતી, "આ વાત ઊપરથી ભગવાન આવીને કહે તો પણ હું માનવા તૈયાર નથી. બીજું કે કોઈની ચાકરી કરવી સહેલી નથી. બિમાર વ્યક્તિ કેટલીયે વાર પથારી બગાડે એ બધું ચૂપચાપ સુગ ચઢાવ્યાં વગર સાફ કરવું સહેલું નથી. સહેલું તો આવી વ્યક્તિની નિંદા કરવાનું છે. એને તો બિમાર વ્યક્તિ ને એના ઘરમાં સ્થાન આપી બદલામાં એમના હ્રદયમાં સ્થાન મેળવ્યું છે. કોઈના હ્રદયમાં સ્થાન મેળવવું સહેલું નથી.એ જે કંઈ પણ કરે છે એ નિ:સ્વાર્થ ભાવે કરે છે. પૈસો એની પાસે ઘણો છે એને તો કોઈ જાતના મોજશોખ પણ નથી. મારી જોડે આવી વાત કરવાની જ નહીં "

ત્યારબાદ હું એ સોસાયટીમાં જઉં તો કોઈ સાથે વાત જ કરતી ન હતી. હું મારી બાળસખી વિરુદ્ધ કોઈ વાત સાંભળવા તૈયાર જ ન હતી. જો કે મને એટલો વિશ્વાસ હતો કે સુહાગી લોભી નથી.

એકવાર સવારમાં જ સુહાગીનો ફોન આવ્યો,"હું થોડીવારમાં આવું છું. તૈયાર રહેજે હું તને લેવા આવું છું. આવતાં સાંજ થઈ જશે. અને રસોઈની ચિંતા ના કરીશ. આપણા બંનેના પતિદેવો જોડે જ જવાના છે. એ બંને પણ જમીને આવશે. સાંજે આપણે ઘેર જઈશું તો રસોઈવાળા બહેને રસોઈ તૈયાર કરી રાખી હશે."

સુહાગી અને એનો પતિ બંને જુદીજુદી કાર લઈને આવ્યા હતા. એટલુંજ નહીં પરંતુ બંને કારની પાછલી સીટ તથા કારની ડીકી કોથળાઓથી ભરેલી હતી.

સુહાગી બોલી, "મેં તમારા બંને માટે પણ પાસ લઈ લીધો છે એટલે આપણને રસ્તામાં કોઈ રોકશે નહીં. તું તો જાણે છે કે મારા ફોઈ સાસુ વર્ષોથી ગામડે એકલા રહેતાં હતાં. એમને મને એમની મિલકત આપી. પરંતુ વર્ષોથી જે ગામમાં રહ્યા ત્યાં જ એમની મિલકત વહેંચાય એવું હું ઈચ્છું છું. આ કોથળાઓમાં અનાજની કીટ તૈયાર કરાવી છે. મજૂરોના ચૂલા કોરોનાને કારણે સળગતાં નથી. આ બધું ફોઈસાસુના પૈસાના વ્યાજમાંથી જ તૈયાર કરાવ્યું છે. જો કે એમાં મેં મારા પૈસા પણ ઉમેર્યાં છે." ગામડામાં અનાજની કીટ આપીને પાછા ફરતાં હતાં ત્યાં થોડે દૂર સુહાગી તથા તેના પતિએ કાર ઊભી રાખી. ખૂબ સાંકડી ગલીમાં અમે પ્રવેશ કર્યો ત્યાં જ એક યુવક બહાર આવી ને બઘાને પગે લાગતાં બોલ્યો,"તમારા કારણે મારો ફસ્ટ ક્લાસ આવ્યો તમે મદદ ના કરી હોત તો હું આગળ ભણી જ ના શક્યો હોત."અમને ઈશ્વરે જે સુઝાડ્યું એમ કર્યુ. હવે તારા નાના ભાઈને મેડિકલમાં જઉં છે તો જવા દેજે બધોજ ખર્ચ અમારો. પણ અમારી શરત કે એને પણ ફસ્ટ ક્લાસ લાવવો પડશે."

પરંતુ હવે પછીના મારા સેમેસ્ટરની ફી પચાસ હજાર છે."

"તો શું થઈ ગયું ? તારે ભણવું હોય ત્યાં સુધી ભણજે. પૈસાની ચિંતા ના કરીશ. તું માત્ર મહેનત કર." કહેતાં એને પચાસ હજારનો ચેક આપ્યો. 

મને સુહાગી માટે માન તો હતું જ પણ એમાં સતત વધારો થતો જતો હતો. સુહાગી બોલી,"મને મારા સસરાના, પિયરના, ફોઈ સાસુના, મામાના એમ બધાની મિલકત મળી છે. મારે આ પૈસાને શું કરવાનું ? તું તો જાણે છે કે આપણે બધા સાદાઈથી જીવનારા છીએ. મોજશોખ કરતાં નથી. મારા પૈસા પણ મારા પગારના વપરાતાં નથી. મારા પતિને મારાથી ડબલ પગાર છે. દીકરો ડોક્ટર છે. એ પણ ઘણું જ કમાય છે. આખરે માણસને જીવવા માટે કેટલાં પૈસા જોઈએ ? મારા પતિએ કહ્યું છે કે" તારા પૈસા તું તારી રીતે વાપર પરંતુ મારી પાસે પુષ્કળ ઘરેણાં છે. ભાવ વધતાં મને બધા તરફથી મળેલા ઘરેણાં વેચી ગરીબોના સમુહ લગ્નમાં દરેકને સોનું આપી શકી. એમનાં લગ્નનો ખર્ચ પણ આ મને મળેલી મિલકતમાંથી જ આપ્યો.

દરેક વખતે હું એમાં મારા પૈસા તો ઉમેરતી જ. કયારેક મારો દીકરો અને મારા પતિ પણ એમાં પોતાના પૈસા ઉમેરતાં. મને પૈસાનો મોહ નથી. પરંતુ મારા સાસુ સસરાના મૃત્યુ બાદ હું વડીલોની છત્રછાયા માટે તડપતી હતી. મેં જોયું કે એ લોકોને સ્નેહ મળે તો જાણે કે એમને સુખનો સાગર પ્રાપ્ત થયો હોય એવું એમને લાગતું. મારી તબિયત સારી રહે છે જેથી વડીલો માટે હું દોડાદોડ કરી શકું છું. કોરોનામાં લોકોની આવક ઓછી થઈ ગઈ અથવા બંધ થઈ ગઈ. એટલે જ મેં થોડા પૈસા વડાપ્રધાનના ફંડમાં આપ્યા તથા સરહદ પર શહીદ થયેલા સૈનિકોની વિધવા પત્નીઓના ફંડમાં આપ્યા. મને એક દોહો બહુજ ગમે છે. 

પાની બઢે નાવમેં, ઘરમાં બઢે દામ,

દોનોં હાથ ઉલેચીયે એ હી સાધુ કા કામ.

જિંદગી જીવવા માટે સ્નેહ મળી રહે એના જેવું કોઈ સુખ નથી.પૈસો તો ગૌણ છે."

એ રાત્રે હું વિચારતી હતી કે આવા પુણ્યશાળી અને નિ:સ્વાર્થ વ્યક્તિઓના કારણે જ આ પૃથ્વી ટકી રહી છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational