સંબંધ સાચવ્યો
સંબંધ સાચવ્યો


શાંતિલાલ એક સરકારી કારકુન. પરિવારમાં પત્ની જશોદાબેન અને બે દીકરા અનીલ અને સુનીલ.
શાંતિલાલમાં નામ પ્રમાણે ગુણ કદી કોઈ ને નડવું નહી. સરકારી નોકરી પ્રામાણિકતાથી કરવી. પગાર પણ સારો. જશોદાબેન પણ કરકસરથી ઘર ચલાવતા. બન્ને દીકરા ભણવામાં હોશિયાર મોટો અનીલ કોમર્સ લઈ એક બેંકમાં જોડાઈ ગયો અને સુનીલ ૧૨મી માં સારા ટકા આવવાથી એન્જીનીયર બન્યો. આમ, શાંતિલાલના જીવનમાં ઈશ્વર કૃપાથી શાંતિ હતી. અને બે દીકરાના પગાર અને પોતાનો પગાર મળી સમૃદ્ધિ પણ હતી.
ઘરમાં જીવન જરૂરિયાતના તમામ ભૌતિક સુખો શાંતિલાલે પોતાના પગારમાંથી જ વસાવ્યા.
સારી નોકરી કરતા દીકરાઓ ઉંમરલાયક થતા બે વર્ષના સમય અંતરે બંનેને ધામધુમથી પરણાવ્યા. અને ઘરમાં વહુઓનું આગમન થયું.
ભર્યાભાદર્યા ઘરમાં સુખ શાંતિથી દિવસો પસાર થવા લાગ્યા. જશોદાબેનનો પણ હવે ઘરના કામકાજમાંથી નિવૃત્તિ મળતા દેવ દર્શન અને ભક્તિમાં સમય પસાર થવા લાગ્યો.
ઈશ્વર કૃપાથી સમય જતા બંને દીકરાઓને ત્યાં બાળકોના જન્મથી ખુશાલીની કિલકારી છવાઈ ગઈ.
સમય ઝડપથી પસાર થવા લાગ્યો. હવે શાંતિલાલ પણ સરકારી નોકરીના વર્ષો પુરા થવાની રાહ જોવા લાગ્યા. જેથી દીકરાના દીકરાઓ સાથે બાકીની જિંદગી આરામથી અને ખુશીથી વિતાવી શકાય. કુટુંબ મોટું થતું ગયું. ખર્ચાઓ વધ્યા. જરૂરિયાતો વધતી ગઈ. ત્રણ પગાર આવતા જ હતા એટલે હજુ વાંધો આવે એમ ન હતું.
શાંતિલાલ નામ પ્રમાણે ગુણ તો ધરાવતા જ હતા. સાથે તેમની દીર્ઘ દ્રષ્ટિ પણ સારી હતી. તેઓ લાંબુ વિચારતા કે અત્યારે તો સંપ શાંતિ છે. પણ આગળ જતા શું થાય? એ તો ઈશ્વર જ જાણે.
વહુઓ પણ ડાહી અને સમજુ હતી. ઘરના કામકાજ પણ સારી રીતે સંભાળી લીધા હતા. જશોદાબેન ને પણ હવે આરામ આપતા હતા. મળી સમજી ને ઘરના કામ આટોપતી હતી. જશોદાબેન ને પણ હવે ઉમરની અસરથી નાની મોટી તકલીફો થતી. વહુઓ એમની સેવા કરતી. દવાખાને મંદિરે સાથે જતા અને સંભાળ રાખતા શાંતિલાલને ખુબ સંતોષ થતો. કે જીવનમાં આટલું સુખ અને શાંતિ છે. છોકરાઓ વહુઓ ડાહ્યા અને સમજુ છે. ઘડપણમાં સેવા ચાકરી કરે છે. કદી ઊંચા અવાજે સામે બોલતા નથી. હે ઈશ્વર મારા કુટુંબમાં આવી જ એકતા રાખજે. તારા આશિષ વરસાવજે. સુલેહ સંપ રાખજે.
પણ ઈશ્વરે વિચાર્યું કઈક જુદું જ હતું. આ પ્રામાણિક અને કર્મ યોગી માણસના જીવનમાં હું પુરસ્કાર રૂપે થોડી પીડા આપું તો.. ??
. . . અને એક દિવસ બંને વહુઓને બાળકોની બાબતમાં કઈક બોલાચાલી થઈ. અને ઘરનું વાતાવરણ પહેલીવાર ડહોળાયું અને શાંતિલાલના જીવનમાં અશાંતિનો પ્રવેશ થયો. બંને વહુઓ લડ્યા ઝગડ્યા વગર કામ કરતી પણ મનમાં કડવાશને લીધે એકબીજા સાથે બોલવાનું બંધ કરી દીધું. શાંતિલાલ આ અજંપાભરી શાંતિથી અકળાય ઉઠ્યા.
હવે જ ખરો કસોટીકાળ શરુ થયો. એક મહિના પછી શાંતિલાલની નિવૃત્તિનો સમય આવી ગય
ો. જશોદાબેન ડાયાબીટીશની બીમારીને લીધે પથારીવશ થયા. પણ હજુ બંને ભાઈઓ વચે ખુબ જ સંપ હતો. તેઓ કદી પણ સ્ત્રીઓની બોલાચાલી કે બાળકોની બાબતોમાં વચે બોલતા નહી.
એવું જ કહેવાઈ કે બંને છોકરા પર મા બાપના સંસ્કારોની અસર હતી. શાંતિલાલે એક દિવસ મોટી વહુને બોલતી સાંભળી કે હવે બાપુજી નિવૃત્તિ વેળા આવશે પછી અમે જુદા રહેવા જઈશું અને શાન્તીલાલનો જીવ ઉંચો થઈ ગયો. અરેરે. . મારા રામ લક્ષ્મણ જેવા બે દીકરાઓ જુદા થઈ જશે? એમનો આત્મા દુભાયો. એમણે ઈશ્વરને પ્રાર્થના કરી, હે પ્રભુ મારા સંયુક્ત કુટુંબના ગઢને કેમે કરી ને વિખેરીશ નહી. એમનું ઉદ્વેગ મન ઈશ્વર સ્મરણ પછી શાંત થયું. એમણે શાંતિથી વિચાર્યું કે શું કરું કે જેથી મારું કુટુંબની એકતા અખંડ રહે અને મારું કુટુંબ વિભક્ત થતું અટકે.
એવામાં બીજો બનાવ બન્યો. બન્યું એવું કે મોટા દીકરા વહુ ફરવા ગયા હતા. રસ્તે આવતા અકસ્માત નડ્યો. બંને ને ખુબ વાગ્યું હતું. હોસ્પિટલ લઈને ગયા. દીકરાને ઓછું વાગ્યું હતું. પણ વહુને પગમાં ફ્રેકચર થયું. હોસ્પીટલથી ઘરે લાવ્યા પછી પણ છ મહિનાનો ખાટલો થયો.
શાંતિલાલના જીવનમાં ઈશ્વરે અશાંતિની શરૂઆત કરી. શાંતિલાલની નિવૃત વેળા, જશોદાબેન પથારીવશ, મોટા દીકરા વહુનો અકસ્માત, વહુનો છ મહિનાનો ખાટલો. શાંતિલાલ મુંઝાઇ ગયા. હવે શું ? ઈશ્વરને પ્રાર્થના કરી હે દેવ, મારા પરિવારને હેમખેમ રાખજે.
પણ જે મા બાપના સંસ્કાર બાળકોના લોહીમાં સિંચાયેલા હોય એને કુદરતના કોઈ ફટકાની અસર થતી નથી. એક સાંજે શાંતિલાલ વિચારમગ્ન બેઠા હતા. ત્યારે નાનો દીકરો બાપુજી પાસે આવ્યો અને ખભે હાથ મૂકી બોલ્યો, “ બાપુજી શું કામ ચિંતા કરો છો ? હું ને તમારી વહુ બધું સંભાળી લઈશું. અને શાંતિલાલની આંખમાંથી દડ દડ આંસુ સરી પડ્યા.
નાની વહુ દૂર ઉભી આ સાંભળતી હતી. એણે પતિની વાત સાંભળી લીધી. અને પતિના તથા પોતાના પરિવારના સેવા યજ્ઞમાં સાચી સદભાવનાથી જોતરાઈને સમય સાચવી લીધો. ઈશ્વર કૃપાથી મોટા દીકારનો દીકરો હેમ ખેમ હતો. એને કઈ જ ઈજા પહોચી નહોતી. મોટો દીકરો અઠવાડિયામાં નોકરી પર જતો થઈ ગયો.
નાની વહુ સવારે વહેલી ઉઠી ઘરના કામકાજ આટોપવા લાગી. સાસુ સસરાને સાચવતી બંને છોકરાને સ્કુલે મોકલતી. જેઠાણીને ગરમ પાણી કાઢી આપતી. સંડાસ બાથરૂમ લઈ જવા સુધી માં ખુબ જ કાળજી રાખતી. પતિ પણ સેવા યજ્ઞમાં મદદ કરતો. છ મહિના તો ક્યાય નીકળી ગયા. જેઠાણી ફરી હરતી ફરતી થઈ ગઈ. જેઠાણીના મનમાં પસ્તાવાનું ઝરણું ફૂટી નીકળ્યું.
એક દિવસ શાંતિલાલે જોયું બંને વહુઓ એકબીજાના હાથ પકડી ઉભી હતી. બન્નેની આંખોમાં આંસુ હતા. જેઠાણી બોલવા ગઈ તો દેરાણીએ મોઢે હાથ મૂકી ચુપ કરી દીધી. બંને બહેનોની જેમ ભેટી પડી.
શાંતિલાલને થયું મારું કુટુંબ કદી વિભક્ત ન થઈ શકે. . .
મારી નાની વહુએ સંબંધની ગરિમા જાળવી લીધી.