સંભવામિ યુગે યુગે
સંભવામિ યુગે યુગે


કોરોનાના ભય અને હાલની પરિસ્થિતિ વિષે વાત કરતાં મારી એક કૃષ્ણભક્ત દોસ્ત કાલે બોલી ઉઠી કે હવે તો ભગવાને એનું વચન પાળવા જન્મ લેવો જ પડશે. સાચી વાત..તો શું પિતાંબર ને બંસીધારી કોઇ કૃષ્ણની આપણે રાહ જોઇ રહ્યા છીએ ! એ તો હંમેશ આપણી આસપાસ,આપણી અંદર આપણા અસ્તિત્વમાં જ ઓતપ્રોત રહ્યો છે. જગતની સઘળી સુંદરતા, સ્નેહ ને સારપ એ જ કૃષ્ણતત્વ છે જેને આપણે ઝંખીએ છીએ.
દેવ- દાનવ, ભલાઇ- બુરાઇ વચ્ચે લડાઇ હર યુગમાં થતી આવી છે. જયારે જયારે માનવીના અહંકારે માઝા મૂકી છે, પોતાના મૂલ્યોને ભૂલી, પ્રકૃતિની પરવાહ ન કરતા જયારે જયારે એ સ્વાર્થી અને સ્વકેન્દ્રી થયો છે ત્યારે ત્યારે કેટલીએ સંસ્કૃતિઓનું પતન થયું છે. આ સમયે આપણે પણ એ જ ભૂલ કરી રહ્યા છીએ. કુદરતથી વિમુખ થઈ, ભૌતિક સુખ ને કેન્દ્રમાં રાખી ભમ્મરિયા કૂવામાં ગોળગોળ- ગોળગોળ ઘૂમી રહ્યાં છીએ. નીચે રહેલાં અંધકાર ને અવગણતા...અત્યારે આખી દુનિયા અજાણ્યા રોગથી બચવા બેબાકળી થઈ એક યુધ્ધ જ લડી રહી છે. આ યુધ્ધ માનવજાત જે રીતે લડી રહી છે એ જોતા મને લાગે છે કે ધર્મ આપણે પક્ષે છે. છેલ્લા થોડા દિવસોની કટોકટીમાં આખી દુનિયા જાણે બદલાઈ રહી છે..હંમેશા પૈસા, મોજશોખને સ્વાર્થ પાછળ ભાગતા લોકો અટકી-જાગૃત થઈ રહ્યા છે. કુટુંબ, પ્રેમ, શાંતિ, સાદગી અપનાવી એકબીજાનાની કાળજી કરતાં થઈ ગયાં છે. ડોક્ટર, પોલીસ, નર્સ જાનના જોખમે સેવા કરી રહ્યા છે. ગરીબો માટે સદાવ્રત ચાલી રહ્યા છે..જરુરિયાત મંદ ને વગર પૂછે સૌ બનતી મદદ કરી રહ્યા છે. સધળામાં છુપાયેલ સર્જનશક્તિ બહાર આવી રહી છે..લેખન, ચિત્રકામ, સંગીત, બાગકામ, ઘરના કામ. સ્વાસ્થ્ય માટે જાગૃતિના રૂપમાં. આ સધળી હકારાત્મકતા ને સારપ જ આપણામાં રહેલ કૃષ્ણ છે. પ્રગટી રહેલ કૃષ્ણને આવકારશું,જાળવશું તો આપણી જીત નિશ્ચિત છે.