સમયને ચોરત
સમયને ચોરત
આજનાં સમયમાં બધાં પાસે એક જ વાત સાંભળવા મળે "યાર, સમય જ નથી મળતો." આપણી લાઈફ એટલી ઝડપી બની ગઈ કે સવારથી સાંજ ક્યાં પડી જાય છે તે ખબર જ નથી પડતી. આજકાલ પતિ પત્ની બંને જોબ કરતાં હોય છે. સવારથી ઓફિસ જતાં રહે છે. સાંજે ઘરે પાછાં ફરે તો થાકી જાય છે. ઘરનાં કામ પૂરા કરી સૂઈ જાય છે. વળી અત્યારનાં સમયમાં તો મોબાઈલ, સોશ્યલ મીડિયામાં લોકો વધારે એક્ટિવ રહેતાં હોય છે. તેથી સાંજે ઘરે આવીને એક બેડ પર પતિ પત્ની બંનેનાં હાથમાં મોબાઈલ હોય, બંને ચેટ કરતાં હોય. આપણાથી દૂર હોય તેવાં લોકો સાથે વાત કરતાં હોય છે. પણ નજીક બેસેલા પતિને "આજનો દિવસ કેવો રહ્યો ?" એવું પુછવાનો આપણી પાસે સમય નથી.તો સમયને ચોરતા શીખવું પડશે, તો જ સમય મળશે!
કયારેક અચાનક જ વીકએન્ડ પ્લાન કરી પત્નીને ફરવા લઈ જાવ, જ્યાં તમારાં સિવાય કોઈ ન હોય, બની શકે તો બે દિવસ મોબાઈલ પણ ઓફ કરી દો. બંને એકબીજા સાથે સુંદર પળો માણો.
આરવી અને આરવના લવ મેરેજ હતાં. લગ્ન પહેલાં બંને સાથે મળીને ખૂબ ફરતાં, એકબીજા સાથે ક્વોલિટી સમય ગાળતાં, પણ લગ્ન પછી ઘરની જવાબદારી, જોબને કારણે બંને કેટલાય દિવસો સુધી નિરાંતે વાતો પણ કરી શક્યાં ન હતાં. બોર થયેલાં આરવે બે દિવસ માટે રિસોર્ટમા રૂમ બુક કરી દીધો. આરવીને સરપ્રાઈઝ આપી. બંને ઘણાં સમયે એકબીજાનો હાથ પકડીને, એકબીજા સાથે દિલની વાતો કરી.જાણે ઘણાં સમયનો થાક ઉતરી ગયો. પાછા ઘરે આવ્યાં તો બંનેનાં ચહેરા પર એક અલગ જ ખુશી દેખાતી હતી.
આમ, ભાગદોડ વાળાં જીવનમાં સમય કોઈને મળતો નથી પણ સમયને ચોરતા શીખવું પડશે. આ બીબાઢાળ જીંદગીમાંથી તમે પણ ઉબકી ગયાં છો તો તમારાં પાર્ટનર માટે આવો જ કોઈ પ્લાન તૈયાર કરો. જોજો તમારાં મુરઝાયેલા જીવનમાં ફરીથી વસંત આવે છે કે નહીં !
