સમર્થ
સમર્થ
વ્હીલચેર ઉપર ગોઠવાયેલું એનું શરીર સ્તબ્ધ હતું. વર્તમાનના સ્પર્શથી દૂર એની દ્રષ્ટિ ભૂતકાળની ક્ષિતિજને સ્પર્શી રહી હતી. સરહદ ઉપર રમાયેલી લોહીની હોળી આંખો સામે ફરી રમાઈ રહી હતી. એ દિવસે એ લોહિયાળ હોળીમાં એણે ફક્ત પોતાના બે પગ જ નહીં, પોતાનું જીવન લક્ષ્ય પણ જાણે ગુમાવી દીધું હતું. એ લોહીલુહાણ પગની વેદના તો સહ્ય હતી પણ માતૃભૂમિની સેવા માટે હવે એનું સૈનિક શરીર સમર્થ ન રહ્યું એ હકીકત તદ્દન અસહ્ય હતી. પગ વિનાના શરીર જોડે દેશની સેવા કઈ રીતે થાય ?
વ્હીલચેરના સહારે આગળ વધતી એક અપંગ વ્યક્તિ દેશનું નામ કઈ રીતે ચમકાવી શકે ? જે અન્ય ઉપર અવલંબિત હોય, એના ઉપર રાષ્ટ્ર અવલંબન
સાધી શકે ખરું ? એક પરાવલંબી જીવન પોતાના દેશની આબરૂ દિપાવવા સક્ષમ ક્યાંથી ? આ દરેક પ્રશ્ન એ સમયે પોતાના મનમાંથી ઉઠ્યા હતા અને લોકોની મૌન દ્રષ્ટીમાંથી પણ સ્પષ્ટ છલકાયા હતા. પરંતુ આજે એ દરેક પ્રશ્નોનો ઉત્તર આખરે એણે આપી જ દીધો.
વર્તમાનમાં પરત થયેલી નજર સામે આખું સ્ટેડિયમ તાળીઓરૂપી સન્માનથી ગુંજી રહ્યું. સ્ટેડિયમના ખૂણેખૂણામાં એના નામની જોડે એના દેશનું નામ પણ ગૌરવ મેળવી રહ્યું. વ્હીલચેર આગળ ધપાવી એ ગર્વસભર પોતાનું શુટિંગ માટેનું ગોલ્ડમેડલ મેળવવા આગળ વધ્યો. થોડાજ સમયમાં વિકલાંગો માટે આયોજિત વિશ્વ ઓલમ્પિક રમતોનું યજમાન સ્ટેડિયમ ભારતના રાષ્ટ્રગાનની ધૂનથી ચહેકી ઉઠ્યું.