સમરસેવિકા
સમરસેવિકા
"મિત્રો, કહેવત છે ને : जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी !
મારી માતૃભૂમિ પણ સ્વર્ગથી મહાન હતી. એ મહેકતી વસુંધરાનાં ખેતરોમાં માથોડાં ઊંચા લીલા મોલ પર પીળાં સોનેરી ડૂંડાઓ હવામાં લહેરાતાં ત્યારે એવું લાગતું જાણે ડૂબતાં સૂર્યનાં કિરણો સમુદ્રની સપાટી પર સોનેરી ફલક બિછાવીને મોજાંની સાથે ઊછળકૂદ કરતાં હોય ! ચાર મહિનાની કપરી મહેનત મજૂરી પછી આ દ્રશ્ય જોવાની દરેક ખેડૂતને આતુરતા રહેતી અને તે એમનો અધિકાર પણ હતો. ઉપજાઉ ધરા, મહેનતકશ ખેડૂતો, સમૃદ્ધ ખેતી અને રમ્ય આબોહવાનો મારો પ્રદેશ મારા સમગ્ર દેશની સુખશાંતિની ઝાંખી કરાવનાર નમૂનો હતો.
સુંદર વસ્તુને નજર લાગે તેમ આ મારી સ્વર્ગભૂમિને પણ જાણે કોઈની નજર લાગી. અચાનક દુનિયાનું રાજકારણ ગરમાયું અને મારાં દેશ પર યુધ્ધનાં વાદળો ઘેરાયાં. આ ઘનઘોર વાદળો ફક્ત ઘેરાયાં જ નહીં, વરસી પણ પડ્યાં કાળમુખા ! અહીંની પ્રજા કે આ ખેડૂતો યુદ્ધ ઈચ્છે છે કે નહીં તે પૂછવાની કોઈને જરૂર નહોતી લાગી. ઘરે ઘરેથી યુવાનોને ફરજિયાત સેનામાં જોડવામાં આવ્યાં. નેતાઓની રાક્ષસી, વેરઝેરભરી વિચારધારા પાછળ નિર્દોષ, સ્વપ્નશીલ યુવાનોએ પોતાનું લોહી વહેવડાવવાનું હતું.
ક્યારેય ન જોયેલું ભીષણ યુદ્ધ નજર સામે ચાલુ થયું હતું. મરણચીસ જેવી, થરથરી જવાય તેવી સાયરનો દિવસરાત વાગતી. ભયંકર ધડાકા-ભડાકા સાથે સોનું ઊગાડતી ભૂમિ પર આડેધડ બૉમ્બ ઝીંકાતા ગયાં, ખેતરો રાખ બન્યાં તો ગામડાઓ સ્મશાન બનવા લાગ્યાં. મહિલાઓ અને વૃદ્ધો જીવ બચાવવા જેને જ્યાં શરણ મળે તેવું લાગ્યું તે તરફ બાળકોને લઈને નાસી છૂટવા લાગ્યાં. અમે સર્વસ્વ છોડીને યુધ્ધનાં શરણાર્થી બન્યાં !
વ્હાલી જન્મભૂમિ, અમારાં નવલોહિયા યુવાનો, સ્વર્ગસમાન પોતાનાં ઘરો છોડવાની વેદના થાળે પડે તેમ ન હતી ત્યાં તો દુશ્મન દેશનાં સૈનિકોએ જૂલમનો કોરડો વિંઝયો. યુદ્ધમાં બધું જ વ્યાજબી હોય એ નાતે આ સૈનિકો અહીંની લાચાર સ્ત્રીઓ પર બેફામ બળાત્કારો ગુજારવા લાગ્યાં. શરણાર્થી કેમ્પો જાણે સ્ત્રીઓ માટે ભયાવહ જિંદગીનો ચિતાર બની ગયાં ! પીડા, યાતના અને ત્રાસની ચરમસીમા આ સ્ત્રીઓ ભોગવી રહી. ફૂલસમાન બાળકોની નજર સામે ગુજારાતાં આ ભયંકર ત્રાસને વેઠતી પીડિતાઓની વહારે કોઈ આવી શકતું નહીં અને આ નર્કમાંથી ઉગરવાનો કોઈ રસ્તો બચ્યો નહોતો. યુદ્ધ માત્ર સીમાઓ પર જ લડાતું નથી તેમાં માસુમ જિંદગીઓ પણ ક્રુરતાનો ભોગ બને છે એ કલ્પના અમે કોઈએ આ અગાઉ કરી મિત્રો, યુદ્ધો શમી ગયા પછી શાસકોની ભૂખ તો સૈનિકોનાં શોણિતથી તૃપ્ત થઈ જાય છે પણ લાખો માતાઓની ગોદ સૂની થાય છે, લાખો સ્ત્રીઓનાં સૌભાગ્ય ઉજડે છે તો અગણિત બાળકો અનાથ બને છે. એ શહીદોનાં સ્મારકો બને છે અને નેતાઓ ત્યાં પ્રજ્વલિત મીણબત્તી પકડી તેમને શ્રદ્ધાંજલિ અર્પે છે ! યુદ્ધો અને વિભાજનો ઇતિહાસનાં પાનાં પર લખાઈ જાય છે પરંતુ તેવા સમયે મારાં જેવી અગણિત સ્ત્રીઓ વિરોધી દળનાં પુરુષો દ્વારા શરીર, મન અને આત્માથી પિંખાઈને અનૌરસ બાળકોની જન્મદાત્રી બની ગઈ હોય છે જેનો પિતા કોણ એ ખુદ માતા કહી શકતી નથી અને આ ત્રાસદી ઈતિહાસનાં પાને લખાતી પણ નથી !"
ભરી સભામાં શિરીન એકીશ્વાસે આટલું બોલીને અટકી. ઊંડા શ્વાસ ભરી, આંખો લૂછી અને મહિલા દિન નિમિત્તે વિવિધ દેશની આમંત્રિત બૌદ્ધિક બહેનોની સભાને તે નજરમાં ભરી રહી. તે વિચારી રહી કે તે પોતે અને તેનાં વતનની સ્ત્રીઓ પણ યુદ્ધ પૂર્વે આવી જ ગર્વિષ્ઠ માનુનીઓ હતી પણ એક યુદ્ધે તેમનાં વ્યક્તિત્વ છિન્નભિન્ન કરી નાખ્યાં હતાં ! યુદ્ધ પીડિતા સ્ત્રીઓ અને બાળકોનું ઉત્થાન જ જેનો જીવન મંત્ર બની ગયો છે તે શિરીન અહીં ખાસ વક્તા તરીકે આમંત્રિત થઈને પોતાના જેવી એ સ્ત્રીઓની તથા તેનાં અવૈદ્ય સંતાનોની વાચા બની હતી.
સભામાં સન્નાટો હતો સિવાય કે કોઈ કોઈ ડૂસકાઓ !
"હવે હું મારી અહીં સુધી પહોંચવાની સંઘર્ષ ગાથા આપ સમક્ષ વર્ણવીશ. અકથ્ય પીડાઓ વચ્ચે વિન્સ્ટન ચર્ચિલનું કથન મને યાદ હતું કે 'જો તમે નર્કમાંથી પસાર થઈ રહ્યાં છો તો બસ, ચાલતાં રહેજો'. હું આશાવાદી હતી. કેમ્પમાં મારી સાથેની અનેક બહેનોએ હિંમત ખોઈ હતી, સૈનિકો પાસે તેઓ કરગરીને મોત માંગતી કેમ કે બાળકોનાં પેટ પૂરતું અન્ન મેળવવા લાંબી લાઈનોમાં ઊભાં રહ્યાં પછી પણ પોતાની અસ્મત વડે તેની કિંમત ચૂકવવી પડતી !
આ સંજોગોમાં મારો અંતરાત્મા મને કહી રહ્યો હતો કે એક દિવસ જરૂર આ યાતનાઓનો અંત આવશે, અમારી માતૃભૂમિ ફરી નવપલ્લવિત થશે અને ફરી એ લીલાંછમ ખેતરોમાં અમે વસંતનાં ગીતો ગાઈશું ! હું આ પ્રકારનું લખાણ લખી લખીને કેમ્પમાં કોઈને કોઈ સ્વરૂપે મહિલાઓ સુધી પહોંચાડતી રહેતી. દૂધનાં ખાલી કેન પર, સિગારેટનાં ખોખા પર કે કપડાંનાં ફાટેલા કટકાં પર હું મારી આશાભરી કવિતાઓ લખી દેતી પણ મારું નામ તેમાં ક્યાંય ન લખતી. તેવામાં એક ઢળતી સાંજે થોમસ સ્મિથ નામનો સૈનિક મારી પાસે આવ્યો અને મારો હાથ પકડી મને તેનાં તંબુમાં લઈ ગયો. હું ભયથી કાંપી રહી હતી કેમ કે તેનાં હાથમાં મારી કવિતાઓ હતી ! મને થયું કે આજે તો મારું બલિદાન લેવાશે. તેણે મને તેનાં બિસ્તરા પર બેસાડી અને મારા આશ્ચર્ય વચ્ચે તે મારી કવિતાઓ ગાવા લાગ્યો ! શું આ સત્ય હતું ? હા, એક શસ્ત્રધારી સૈનિકનાં મનમાં જાણે કે ઈશ્વર આવી વસ્યો હતો. મારી કવિતાઓએ તેને પણ તેની માતૃભૂમિની યાદો જીવંત કરાવી હતી, તેનામાં પણ યુદ્ધ પૂરું કરીને માની ગોદમાં આરામ કરવાનું સપનું જાગ્યું હતું. દુશ્મન દેશનો સૈનિક પણ આખરે તો માણસ જ હતો ને ! હવે અમારી વચ્ચે એક સેતુ બંધાયો હતો તે હતો 'શાંતિ અને મુક્તિ'ની અભિલાષાનો .
આટલાં ભયંકર યુદ્ધ વચ્ચે એક શરણાર્થી સ્ત્રી અને એક દુશ્મન દેશનાં સૈનિક વચ્ચે પ્રેમ પાંગરે તે માનવામાં ન આવે તેવી ઘટનાં હતી. આ પ્રેમની તાકાત પર થોમસે અન્ય સૈનિકોમાં સત્વ ભરવાનું કામ કર્યું. કેમ્પમાં માનવતાવાદી વાતો પ્રચાર પામી અને શરણાર્થી સ્ત્રીઓ પરનાં અત્યાચારો ઘટ્યાં. સૈનિકો તેમનાં દેશ માટે ફરજ બજાવતાં રહ્યાં, તેમને મળતાં લશ્કરી આદેશોનું પાલન તેઓ કરતાં રહ્યાં, પરંતુ સ્ત્રીઓ તરફ તેમનું વલણ બદલાયું. સર્વત્ર એવું વાતાવરણ બની ગયું કે જાણે એકમેકને સહુ કહી રહ્યાં હતાં કે જો આપણે યુદ્ધનો નાશ નહિ કરીએ તો યુદ્ધ આપણો, આપણી અંદરનાં માણસનો વિનાશ કરી દેશે !
મિત્રો, હવે થોમસ માટે હું કંઈ પણ કરી છૂટવા તૈયાર હતી. બસ, મારી અંદર એક નવી જિંદગી પાંગરતી હોવાની વાત તેને કહેવાની મારી હિંમત નહોતી કેમ કે નક્કી જ એ બાળકનો પિતા થોમસ તો નહોતો જ, અલબત્ત થોમસનો પવિત્ર પ્રેમ ક્યારેય મર્યાદા ઓળંગ્યો નહોતો પરંતુ કરુણતા એ હતી કે એક સમયે સતત ગુજારાતાં અત્યાચારની પીડિતા એવી હું, મારી અંદર વિકાસ પામતાં એ બાળકનાં પિતાને ઓળખી શકતી જ ન હતી ! એક દિવસ મારાં અંતરનાં બંધ તૂટી ગયાં. તે દિવસે મેં થોમસનાં ખોળામાં માથું મૂકયું અને મારી તમામ પીડાઓ મારી આંખો વડે વહેતી થઈ ગઈ. થોમસનો હાથ મારાં માથા પર ફરતો હતો. તેણે મને રડવા દીધી. તેનો લશ્કરી યુનિફોર્મ મારાં આંસુઓથી ભીંજાઈ રહ્યો હતો. છેવટે તે પણ રડી પડ્યો અને એટલું જ બોલ્યો : "હું છું ને ?"
મિત્રો, જેનો આરંભ થાય છે તેનો અંત પણ નિશ્ચયતઃ થાય છે. યુદ્ધ પણ વિરામ પામ્યું. શરણાર્થીઓ જ્યારે પોતાનાં વતન તરફ જવા ઉમંગ ભર્યાં કદમ માંડી રહ્યાં હતાં અને સૈનિકો પણ પોતાનાં દેશ તરફ જવા સામાન બાંધી રહ્યાં હતાં, તે વખતે થોમસે મારી પાસે આવી મારાં ઉપસેલા પેટ પર હાથ મૂકીને મને પૂછ્યું :
"શું યુધ્ધનાં શાંતિદૂત સમા આ બાળકનો પિતા બનવાનું સપનું હું જોઈ શકું ?"
તમે જ કહો મિત્રો, મારો જવાબ શું હોઈ શકે ? "
વાતને વિરામ આપી શિરીને આગલી હરોળમાં બેઠેલ વ્યક્તિને આંખોથી ઈજન આપ્યું અને નાનાં બાળકની આંગળી પકડી થોમસે સ્ટેજ પર પ્રવેશ કર્યો.
"આ મારો પરિવાર છે. હું શિરીન થોમસ સ્મિથ, આપ સહુની આભારી છું. અસ્તુ."
