ખુલ્લી બારી
ખુલ્લી બારી
ઘણો વિરોધ કર્યો હતો તેણે ખુલતી વેળા. ખટ ખટ , કિચુડ કિચુડ ..ને એવું કંઈનું કંઈ એ બડબડી હતી. દસેક વર્ષની બંધ, અંધકારમય , આળસુ અવસ્થા તેને ગમી ગઈ હતી વળી, કરોળિયાનાં ઝાળા અને તેમાં ફસાઈ ગયેલાં જીવડાઓનાં કંકાલ સાથે સડેલી માટી ભળ્યો અઘોરી પહેરવેશ જાણે તેને ચીટકી ગયેલો, ચામડીની માફક.
બંધિયારપણાની ગંધ તેણે ફેફસાં જેવા ખપાટિયામાં ભરી હતી જેનો તેને નશો ચડેલો હતો. તેથી જ, ખુલવા સાથે સટાક્ કરતી પાછળની દીવાલે એ અથડાઈ પણ ખરી, જાણે માથું કૂટયું. સાસરે જેમ સાસુએ કૂટેલું:
'ભરખી ગઈ મારાં દીકરાને.'
જર્જરિત દીવાલની તિરાડમાં ઊગી ગયેલો પીપળો અટહાસ્ય કરતો બારીની અંદર ધસી આવ્યો. ખુલતાં સાથે જ સૂરજનાં તેજે બારીની આંખો અંજાઈ ગઈ.. સારું થયું કે તેથી કરીને એ બહારનું દ્રશ્ય જોઈ ન શકી. હું પણ ક્યાં જોઈ શકી ! પીપળાને પાછો ધકેલી ખપાટિયાં ખખડાવતી એ બારી મેં તરત જ બંધ કરી. ફસડાઈ પડી હું બારીને વળગીને.
ને ચોંટી પડ્યો પેલાં કરોળિયાનાં ઝાળા અને તેમાં ફસાઈ ગયેલાં જીવડાઓનાં કંકાલ સાથે સડેલી માટી ભળ્યો અઘોરી વેશ મને પણ, ચામડીની માફક...! નજર સામેથી હટતો ન હતો સામેનાં મકાનની પરસાળની ખીંટીએ લટકતો હાર મઢયો ફોટો !
