પ્રેરણાંજલિ
પ્રેરણાંજલિ
"જય જિનેન્દ્ર"
અમે સહુએ ઘરમાં આવી ઊભેલ કોઈ અજાણ્યાં ભાઈને અમારાં હાથ જોડી કહ્યું. અમે માની લીધું કે પપ્પા એમને ઓળખતાં હશે, અમે સહુ તો બહારગામનાં રહેવાસી. આમ તો પૂજ્ય મમ્મીને શ્રધ્ધાંજલિ અર્પવા સમયાનુરૂપ અમે ટેલિફોનિક બેસણું ગોઠવેલું, ઘરે કોઈ અજાણ્યાં વ્યક્તિની અપેક્ષા અમને નહિવત્ હતી તે છતાં કોઈ આવે પણ ખરું ને ?
અમારાં જોડેલા હાથનો પ્રત્યુત્તર શું આપવો એની મૂંઝવણ આવનાર ભાઈને થતી લાગી. દેખાવે શ્રમજીવી આ માણસને ઘરનો પરિચય હોય તેવું લાગ્યું કેમ કે એની નજર રસોડા તરફ વળતી હતી. ઉતાવળે એ બોલી ઊઠ્યો,
"બાને બોલાવો ને.. મને આજે ચાર વાગ્યે બોલાવ્યો'તો.. જાવાનું હતું ને પોટલાં લઈને.."
ઓહ.. એને તો ખબર પણ નથી કે બા તો અનંતની યાત્રાએ..
એમ બોલાવવાથી બા રસોડામાંથી બહાર આવી જાય એમ હવે નહોતું. મોટાભાઈએ તેનો ખભો પકડી, તેનું ધ્યાન બાનાં ફૂલહાર ચડાવેલ ફોટા તરફ દોર્યું.
થીજી ગયો એ માણસ !
"ના હોય ભાઈ..બા....આમ અચાનક ?" બેસી પડ્યો એ જ્યાં ઊભેલો ત્યાં જ...ક્યાંય સુધી. હજુ એની નજર ફોટા તરફ ઓછી અને રસોડા તરફ વધુ જતી હતી.
"એ દાદા..."
ચકળ વકળ આંખે એણે પપ્પાને શોધવા બૂમ પાડી. અમારે પપ્પાને બહાર લાવવા પડ્યાં.
"દાદા..મારી બા .?"
"એ તો ગઈ..મોહન.." પપ્પાએ ધ્રૂજતાં હાથે ઉપર તરફ આંગળી કરી.. અને..વળગી પડ્યો મોહન દાદાને.
બા, દાદા અને મોહન...આ ત્રણ વચ્ચે જાણે અમે સહુ બહારની દુનિયાના લોક બની ગયાં.
જરા ઉભરો ઠર્યો એટલે મોહને પૂછ્યું ,
"સાવ અચાનક ?"
"હા,તારી બાને કાંઈ ખાસ નહોતું..બસ ચેકઅપ કરવા લઈ ગયા તો પાછી ન આવી..અરે મોહન, કોઈનીય સેવા ન લેવી પડે એ એની ઈચ્છા ભગવાને પૂરી કરી..છેલ્લે સ્ટ્રેચર પરથી અમને ધરમનાં સૂત્રો એણે પોતે જ સંભળાવ્યાં..ભગવાનની જય બોલાવીને એણે વિદાઈ લીધી..."
"દાદા..બીજી કેવીક વિદાય હોય બાની ? એને ભગવાન પીડતો હશે જેણે ગરીબોની એકલી દુઆઓ જ લીધી હોય..? પણ મને આ સમાચાર નો'તા મળ્યાં દાદા..હું તો બાને અને સાડીયુનાં પોટલાંને લેવા આવ્યો 'તો..બે દિ' પહેલાં બાએ ફોન કર્યો'તો..આજ રખિયાલ બાજુની ચાલમાં કોકની દીકરીને કરિયાવર માટે સાડીયું આપવા જવાનું હતું..હું તો એ મશે આવ્યો. મને શી ખબર..."
"જા..અંદર જા..તું જ્યાંથી લેતો ત્યાંજ નવી સાડીઓનાં પોટલાં પડ્યાં છે..તું કામ પૂરું કર. કોઈ ગરીબ મા બાપ રાહ જોતા હશે તારી બાની.."
ઘરની નજીકમાં નવદુર્ગાની નવ મૂર્તિઓનું મંદિર છે. એ મંદિરમાં માતાજીને પ્રસાદીમાં, શણગારમાં ચડતી સાડીઓ મમ્મી પોટલાંબંધ ખરીદી લેતાં અને એ બાંધણીની કે પછી ઝરી, ટીકી ભરેલી નવી સાડીઓ જુદા જુદા આવાસોમાં ફરીને જે ઘરે જેવો પ્રસંગ આવવાનો હોય ત્યાં તેવી સાડીઓ પહોંચાડી દેતાં- મોહનની રિક્ષા કરીને સ્તો..જાણે મા દીકરાની જોડી.
કોઈ મહેનતકશ માણસ મોચી કામ કરતો હોય કે કોઈ શાકભાજીની ફેરી, કોઈ ગેસનાં ચૂલા રિપેર કરતું હોય કે કોઈ ચાની કીટલી પર કામ કરતો માણસ.. બધાં જ બાને ઓળખે, એમની દીકરીઓનાં પ્રસંગમાં "બાની સાડીઓનું પોટલું" અવશ્ય પહોચતું. ક્યારે ક્યાં જવાનું છે, કોનો પ્રસંગ સાચવવાનો છે એ બા અને મોહન એ બે જ જાણે. દાદાનું કામ હતું એ કામ માટે ફંડ પૂરું પાડવાનું.
આજે મોહન અંદરથી પોટલાં લઈને બાનાં ફોટા પાસે આવ્યો. પોટલાં નીચે મૂકી બે હાથ જોડી અમને સહુને જોઇને એટલું બોલ્યો :
"હું નાનો માણહ વધુ બોલવાનું તો નો જાણું પણ તમે બધાં એટલું યાદ રાખજો..આ બા જેવું મરણ જોઈતું હોય તો બા જેવું જીવતાં શીખજો...રામ રામ".
અમે ફકત હાથ જોડી શકયા.
