અંતિમ યાત્રા
અંતિમ યાત્રા
"બેટા તારી દુકાને મને લઈ જઈશ ?"
વૃદ્ધાશ્રમમાં મુલાકાતે આવેલાં રમણભાઈને સંતોકબાએ આજીજી કરી. ડોશીવાડાની પોળમાંથી કોઈ વેપારી અહીં ધાબળા આપવા આવ્યા છે એ જાણ્યું ત્યારથી સંતોકબાની આ ઈચ્છા જાગૃત થઈ ઊઠી હતી.
રમણભાઈ બાની વાત સમજ્યા નહીં :
"બા, પોળની મારી દુકાનમાં આવીને શું કરશો ? મારું ઘર નથી ત્યાં."
"મારું તો હતું ને..." મનમાં બોલીને પળનોય વલંબ કર્યા વગર સંતોકબાએ કહ્યું:
"ઘડીક તારી દુકાનનાં ઓટલે બેસવા દેજે ને, મને સારું લાગશે બેટા".
સેવાભાવી રમણભાઈએ સંસ્થાની મંજૂરી લઈ સંતોકબાને સાથે લીધાં. સાંજે દુકાન વધાવીને બાને પરત મૂકી જવાની ખાતરી પણ આપી.
"બા, બેસો દુકાનમાં અને બોલો શું પીશો ..?" દુકાનમાં પ્રવેશતાં જ રમણભાઈએ બાને પૂછ્યું.
સંતોકબાનું દુકાનમાં તો ધ્યાન જ ક્યાં હતું ? પોળમાં કંઇક શોધતા હોય તેમ બેધ્યાનપણે બા બોલી ગયાં :
"બેટા, બહાર ખુરશી મૂકી આપે કે ?"
પોળનાં રસ્તાની બાજુમાં જેમતેમ ખુરશી ગોઠવાઈ અને સંતોકબાને ત્યાં બેસાડીને રમણભાઈ દુકાનનાં કામે વળગ્યાં.
સંતોકબાની નજર પોળમાં ફરતી હતી. વીસ વીસ વરસથી દીકરો મનોજ એમને વિદેશ પોતાની સાથે રહેવા લઈ ગયેલો. કોરોનાએ દીકરા વહુને પોતાનો કોળિયો બનાવી લીધાં અને એ પારકાં પરદેશથી માંડ અહીં પહોંચેલા સંતોકબા વૃદ્ધાશ્રમમાં દાખલ થઈ ગયાં હતાં, સુખે દુઃખે હવે આયખું પૂરું કરવાનું હતું પરંતુ વીસ વર્ષનો કાળ જૂની યાદોને દફનાવી શક્યો ન હતો.
"ભગવાન અહીં સુધી લાવ્યો, પણ લાગે છે બીજી કોઈ પોળમાં આવી ગઈ, એકેય જાણીતી મેડી કે માણસ કાં ન દેખાય ?" ગૂંચવાયેલા સંતોકબાએ બાજુમાંથી પસાર થતાં એક મુસ્લિમ બિરાદરને પૂછ્યું :
"ચાચા, લક્ષ્મીકાકાની મેડી કઈ ?"
ચાચા આશ્રર્યચકિત થઈને બાને જોઈ રહ્યાં :
"પતા નહીં મૌસી, મૈં પીછલે પંદરહ સાલોં સે યહાઁ રહતા હૂં, મૈને ઐસી કોઈ બિલ્ડીંગ નહીં દેખી..".
"હોય નહીં ! અહીં તો વાણિયા, બ્રાહ્મણ જ..." ઝટકો લાગ્યો હતો સંતોકબાને. સાચું જ લાગે છે, જુઓને કપડાં સુકાય છે એમાં કાળાં બુરખા...ને પેલી નવી લાગતી ડેલી પર "અમીના મંઝિલ" લખ્યું છે. ઓહ ! આ જ તો અમારી ડેલી હતી !
તો શું પોતાનું ઘર..? હા વેચાઈ ગયું હતું એ તો દીકરાએ કહ્યું હતું પણ....
"અમીના મંઝિલ"ને બા ધ્યાનથી જોવા લાગ્યાં. અહીં જ તો મારું ઘર હતું ! આ તો ઘરની આખી બાંધણી ફેરવી નાખી છે ને પેલી બાજુ આગળ એક ઝરૂખો હતો એ..? હવે સંતોકબા ખુરશી છોડીને લાકડીનાં ટેકે આગળ ચાલી નીકળ્યાં.
એ રહ્યો, એ રહ્યો એ ઝરૂખો ! બાનાં પગ ધ્રુજી ગયાં. બાજુનાં ઓટલે બા બેસી પડ્યાં. આસપાસ બધું જ બદલાયેલું હતું પણ ઝરૂખો અકબંધ હતો, એ જ સુંદર નક્ષીદાર ઝરૂખો !
અનિમેષ નયને સંતોકબા તાકી રહ્યાં ઝરૂખાને.
"અલી સંતોકભાભી, હજુ સવાર નથી પડી કે ? રાતે અમારાં ભાઈએ બહુ જગાડી'તી કે શું ? ચાલ આકા શેઠનાં કૂવે હેલ ભરવા..."
સાસરિયામાં પડેલી પહેલી સવારમાં શેરીમાંથી સાદ આવતાં જ હમઉમ્ર પડોશણોની ટીખળનો જવાબ આપવા એ આ ઝરૂખામાં આવી હતી અને પોતાની લજ્જાભરી નજર ઢળી ગઈ હતી પછી બેડું અને સિંચણિયું લઈને એક હાથ જેટલી લાંબી લાજ ખેંચી સંતોક આ શેરી વચ્ચેથી નીકળી હતી. નવી વહુ માન મર્યાદા કેવી જાળવે છે એ જોવા શેરીભરની ડોશીઓ બહાર નીકળી ગઈ હતી.
ક્યાં ગયાં ગંગા ડોશી અને વ્રજકુંવર કાકી ? સંતોકબાની આંખો આસપાસની ખડકી, ડેલીમાં ફરી વળીને પછી ફરી સ્થિર થઈ ગઈ પેલા ઝરૂખે.
સફેદ પાઘડીમાં શોભતો તેનો પિયુ સાંજ પડે પેઢીથી શેરીમાં આવી ડેલીમાં પ્રવેશે એ વખતે તેની ઝલક જોવાની ઉતાવળે એ પછીનાં વર્ષો સુધી નિયમિત પણે સંતોક અહીં ઝરૂખે આવીને ઊભી રહી જતી. 'એમને' પણ ખાતરી રહેતી કે ઝરૂખો ખાલી નહીં હોય..! પરસ્પર નજરનાં જામ પીવાઈ જતાં જેનો કેફ રાતનાં મિલન સુધીનો સમય ખેંચવા કાફી થઈ પડતો.
સંતોકબાની આંખો અત્યારે બાવરી બનીને એ બે આંખોને શોધી રહી !
આજે લોકો વિમાસણમાં મુકાઈ રહ્યાં હતાં કે આ 'બુઢ્ઢી ખાલા' અહીં કેમ બેસી રહ્યાં છે ને પેલાં ઝરૂખામાં એવું તે શું એમને જોવા જેવું લાગે છે પણ સંતોકબાનાં હૃદય પર એક પછી એક યાદોનાં વાદળો વરસી રહ્યાં છે, એમને આસપાસની કોઈ સાનભાન રહી નથી.
ચાલીસેક વરસ પહેલાં જ જુઓને, નાનેરી નણંદની જાડેરી જાન આવી પહોંચી ત્યારે સંતોકે ચોરી છૂપીથી નણંદબાને આ ઝરૂખેથી વરરાજાનાં દિદાર કરાવ્યાં હતાં. નવવધૂનાં વેશમાં શોભતી નણંદને વ્હાલથી ચૂંટી ખણીને સંતોક બોલી હતી :
"શરમાવાનું શીખી જાવ નણંદબા, આમ આંખ્યું ફાડીને વરને ન જોવાય....!"
જવાબમાં નણંદ પણ : "દુત્તી ભાભી..!" કહીને ભાભીને વળગી પડી હતી અને કન્યા વિદાઈ પહેલાં જ નણંદ ભોજાઈ અહીં ઝરૂખામાં જ રડી પડેલાં.
ઢોલ અને શરણાઈનાં એ સૂર.. જુઓને હજુય પડઘાય છે !
હા, યાદ છે બરાબર કે સ્વદેશીની ચળવળ ચાલતી ત્યારે વહેલી સવારે નીકળતી પ્રભાત ફેરી વખતે બધાજ ઝરૂખા જાણે દેશ પ્રેમથી છલકાઈ જતાં. 'અબ રૈન કહાં જો સોવત હૈ, કહાં ...' જેવા નારાઓથી શેરી ગાજી ઊઠતી. એ જોશ, એ દેશદાઝ, એ સંપ અને રુંવાડા ઊભા કરી દેતાં ભાષણો..! અરે, આ ઝરૂખેથી કેટલી વખત સંતોકે તિરંગો પણ લહેરાવ્યો હતો..!
"વંદે માતરમ્ " અત્યારે પણ જરા જોશથી બોલી ગયા સંતોકબા. લોકો આસપાસ આવીને ઊભાં રહી ગયેલાં તેનું ભાન પણ ક્યાં હતું સંતોકબાને !
કોઈ ક્યાંથી ભૂલે શકે, આ ઝરૂખેથી જ પ્રાચીન દેરાસરોથી શેરીમાં થઈને પસાર થતાં ભગવાનનાં વરઘોડાને સહુ ચોખાથી વધાવતાં તો રથયાત્રાનો વરઘોડો જોવા તો જાણ્યાં અજાણ્યાં કોઈ પણ આવી જતાં આ ઝરૂખેથી દર્શન કરવા. ઘરનાં દરવાજા સહુની માટે ખુલ્લા જ રહેતા.
"જય રણછોડ, માખણચોર..." ક્યાંથી આ નાદ આવ્યો ? સંતોકબા અવાજની દિશા શોધી રહ્યાં !
સામસામે ઝરૂખે ઊભી રહેલી વહુવારુઓની હસી મજાક તો આખો દિવસ ચાલતી. સતત જીવંત રહેતા એ કલાત્મક ઝરૂખાઓ આખી શેરીનો ધબકાર હતાં, સુખ દુઃખની પૃચ્છાઓનાં સાક્ષી હતાં તો અડધી રાતનાં હોંકારા હતાં.
એવી જ એક ભાંગતી રાત્રે મનોજના બાપુને દવાખાનેથી પાછાં લાવ્યા ત્યારે ..ત્યારે આ ઝરૂખામાં એમની રાહ જોતી સંતોકની એમની સાથે નજર મેળવી લેવાની આશા ઠગારી નીવડી. સફેદ પાઘડીને બદલે સફેદ કપડામાં વીંટાઈને....
આખી શેરીમાં રોકકળ થઈ ગયેલી.
"અલી સંતોક, તું નાનપણમાં રાંડી..! આ તારો છોરો નબાપો થઈ ગયો..મૂઈ તારી આંખ્યુંમાં એકેય આંહુડું કાં ન મળે..? અલી પથરો થઈ ગઈ કે હું..?"
હા, ત્યારે ઝરૂખામાં જ પથ્થરની જેમ એ જડાઈ ગઈ હતી !
અત્યારે પણ...
"સંતોકબા, તમે ખુરશી છોડીને અહીં
કેમ આવ્યાં ? ત્યાં દુકાને ચા નાસ્તો મંગાવ્યા છે, ચાલો પછી તમને વૃદ્ધાશ્રમ મુકવા..."
રમણભાઈએ વાક્ય પૂરું કરતી વેળા સંતોકબાને ખભે જરા સ્પર્શ શું કર્યો બા એમનાં હાથમાં જ ઢગલો થઈને ઢળી પડ્યાં...!
આસપાસનાં લોકો હબક ખાઈ ગયાં: "યા અલ્લાહ !"
