Hina dasa

Romance Inspirational

4  

Hina dasa

Romance Inspirational

સમર્પણ

સમર્પણ

9 mins
335


સૌરવીને મલય. એક સિક્કાની બે બાજુ. જબરા સમજદારને જ્ઞાનના ભંડાર. એકબીજાની સમજને પાછળ રાખી દે તેવા. દામ્પત્યજીવનના આદર્શો એને ધ્યાનમાં રાખીને જ કદાચ લખાયેલા હશે. સુખની જડ્ડીબુટી હાથ લાગી હોય તેમ, હમેશા હકારાત્મક વલણને વરેલા બંને હસતા જ હોય. 

મલય સુખીને સમૃદ્ધ પરિવારનો સાલસ છોકરો. આધુનિક વિચારસરણી ધરાવતો જિજ્ઞાસુ યુવાન. સૌરવીને જોતા જ તેના પ્રેમમા પડી ગયો. ફક્ત સુંદરતા જ નહીં સેન્સ ઓફ હ્યુમરનો સુભગ સમન્વય એટલે સૌરવી. નખશીખ પ્રાચીન આધુનિક. એટલે કે સંસ્કારોથી પ્રાચીન અને વિચારોથી આધુનિક. કોઈ આ જોડીની જવલ્લે જ અદેખાઈ કરી શકે. રામમિલાઇ જોડી. પરિવારોને તોના પાડવાની તક જ ન હતી. 

મલય પ્રતિષ્ઠિત કોલેજમાં પ્રોફેસર હતો,ને સૌરવી સારું ભણી પણ જોબ કરવાને બદલે તેણે ઘરમાં રહેવાનું પસન્દ કર્યું.  શરૂ થયો દામ્પત્યનો મહાયજ્ઞ. પ્રેમને સમજદારીના સમીધથી આ યજ્ઞ સાફલ્યને પાર કરવાનો જ હોય એમાં શી નવાઈ.  મલય સૌંદર્યદર્શી, એટલે સૌરવીને હમેશાં "સૌર"કહીને બોલાવે. સૌરવી કહે પણ ખરી કે હું એટલી દાહક તો નથી કે આવુંનામ આપો, ને મલય કહેતો કે,

"દાહક નથી મારા માટે તું તેજોમય છે."

સૌરવી ખોટો ગુસ્સો કરીને ભાગતી તો મલય તેને પકડીને બેસાડતોને કોઈ કવિની કવિતા સંભળાવતો,

"સખી, એ ખૂણો ક્યાં વિશ્વનો છે, ન હો ફિકર જ્યાં મને કશાની ? તમારે પાલવ, જ્યાં સાંજ ઉગે, તમારા સ્મિતે સવાર આવે…"

સૌરવી મોહક હસીને જતી રહેતી.

વ્હાલથીનીતરતી સવાર અનુભવી સૌરવી ગદગદિત થઈ જતી, ને મલય પણ સુખને શાંતિની પરાકાષ્ઠા અનુભવતો. મલયના માતાપિતા નવયુગલનો પ્રેમ જોઈ મનોમન હરખાતા.ને આશીર્વાદ પણ આપતા કે એમનો પ્રેમ આજીવન જળવાઈ રહે.

***

આઠ વર્ષની ઋતુ કાઈ સમજતી તો ન હતી, પણ એને એટલી ખબર પડી ગઈ હતી કે મમ્મી ઘણા ટાઈમથીનાનાના ઘરે તેને લઈને આવી છે, એટલે નક્કી કૈક તો અઘટિત બન્યું જ છે,  તે પપ્પા પાસે જવાની જીદ કરતી તો એનેનાની ઘણું સમજાવતા, પણ એ વાતો ઋતુના ગળે ઉતરવી અઘરી હતી. સૌરવી પણ મૌન હતી, તે ન તો વ્યક્તિને દોષ આપતી કે ન તો પરિસ્થિતિને બસ, નસીબની બલિહારી સમજી સુનમુન બેસી રહેતી. 

લગ્નના દસ વર્ષમાં આ પ્રથમ વખત હતું કે મલયને સૌરવી વચ્ચે સંઘર્ષ થયો હતો, બાકી બને વચ્ચે ઉંચા અવાજે વાત પણ થતી ન હતી.ને દસ વર્ષ પછી આટલી મોટી ઘટના બંનેના પરિવારો માટે બહુ દુઃખદાયક હતી, સૌરવીને મલય બને મૌન હતા, કોઈ કોઈનો વાંક ન હતું કાઢતું. બસ સૌરવી એટલું કહેતી કે તે અકળામણ અનુભવીને જીવી નહીં શકે, એટલે હવે ત્યાં જવું તેના માટે અશક્ય હતું. મલયને એ દિવસ યાદ આવી ગયોને એકનામ તેના મસ્તિષ્કમાં ખોતરાઈ ગયું. તેની આંખોની ચમક ઝલહળીયામાં વિલીન થઈ ગઈ."શૈલજા" એનામ તેની ચારેબાજુ ગુંજવા લાગ્યુંને મલય જાણે ખરેખર પર્વતોથી ઘેરાઈ ગયો હોય તેમ પીડાવા લાગ્યો. 

કોલેજમાં ન્યુકમરનો પહેલો દિવસ હતો. બધા પ્રશ્નાર્થજનક સ્થિતિમાં હતા. વિદ્યાર્થીને પ્રોફેસરો પણ,કે આવનાર કેવા હશે. નવા વિદ્યાર્થીઓને બધા માપવા લાગ્યા. મલય ક્લાસમાં બધાનો પરિચય પૂછતો હતો, બધા પોતાનો પરિચય આપતા હતા. બધાનો પરિચય લેવાઈ ગયોને મલય બીજી વાતોએ ચડ્યો ત્યાં કોઈ બોલ્યું કે આપનો પરિચય તો આપો સર ! મલયે ઊંચું જોયું ત્યાં તો એક છોકરી ઉભી હતી, મલયે પોતાનો પરિચય આપ્યોને પછી વર્ગ પૂરો થયો એટલે જતો રહ્યો. 

આમ તો મલયનો વિષય ઇકોનોમી પણ તેનો એક ફાંટો સાહિત્ય પર જઈને જ અટકે. એક દિવસ તેણે "સુરેશ દલાલ" ની એક કવિતા ચર્ચામાં વણી લીધી,

"રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતુંના મેલો ઘનશ્યામ !

સાંજને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ!"

બિલકુલ રાધામય શ્યામ જાણે જોઈ લો. એકદમ ભાવવિભોર બની ગયો. ત્યાં તો એક વિદ્યાર્થીની ઉભી થઈને બોલી,

શું રે જવાબ દઈશ માધા

દ્વારકામાં કોઈ તને પૂછશે કે

કાના ઓલી ગોકુળમાં કોણ હતી રાધા

તો શું રે જવાબ દઈશ માધા

કૃષ્ણનો જવાબ

ગોકુળ વનરાવનને મથુરાને દ્વારકા

એ તો પંડ્યે છે પહેરવાના વાઘા

રાજીપો હોય તો અંગ પર ઓઢીયે

નહીં તો રખાય એને આઘા

વાહ, અદભુત ! ઈશુદાન ગઢવી ખરુંને, એમની જ રચના છે, મલય બોલ્યો.

શૈલજા બોલી, "ઓહ, મને તો એ ખ્યાલ જ ન હતો, કે કોની રચના છે. સુપર સર ! તમને તો બહુ સાહિત્યમાં રસ લાગે છે નહિ! તો તો આપણે જામશે. " મલય છેલ્લે બોલાયેલા શબ્દોથી ઝંખવાણો પડી ગયો. 

સમય વીતતો ચાલ્યો, 

શૈલજા મલય તરફ ઢળવા લાગી. મલયમાં અદ્દભુત મોહિની હતી, શૈલજા તેની જ રાહ જોતીને એ આવે એટલે કોઈને કોઈ રીતે મલયને વાતો કરવા પ્રેરતી. મલય તો સહજ રીતે જ વાતો કરતો, બીજા વિદ્યાર્થી જોડે કરતો હોય તેમ જ બિલકુલ નિખાલસ.  શૈલજાનું રિએક્શન હર વખતે વધુ પડતું જ હોય, પહેલા તો મલયને લાગ્યું કે હોય ઉંમર છે એટલે ચંચળતા હોય તેમાં શી નવાઈ, પણ ધીરે ધીરે મલય શૈલજાના વર્તનથી અકળાવા લાગ્યો. 

તેણે ધાર્યું કે નવયુવાન લોહી છે, એટલે આકર્ષણ હશે, હું દુરી વધારીશ એટલે આપોઆપ સમજી જશે. પણ શૈલજા એમ કાંઈ સમજવાની ન હતી.

એક દિવસ તો તેણે હદ કરીનાખી, મલય તો પોતાની અદામાં વર્ગ લેતો હતોને શૈલજા તેમાં જોડાઈને ચર્ચાનો પ્રવાહ જાણી જોઈને પોતાના ગમતા વિષય તરફ લઈ ગઈ. 

મુકુલ ચોકસીની ગઝલ પણ બોલી ગઈ કે,

"પ્રેમ એટલે કે,

સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.

સ્વપ્નમાં પળાય એવો કાયદો

મલય હવે અકળાઈને જતો રહ્યો,  વાત પુરપાટ વેગે ફેલાવા લાગી, ભીના ભેગું સૂકું પણ બળે એ ન્યાયે સાચી ખોટી વાતો થવી સ્વાભાવિક છે. મલય તો નિખાલસ જ હતો હા, પણ શૈલજા ઘણી આગળનીકળી ગઈ હતી. 

તે મલયને ચાહવા લાગી હતી,ને જરા પણ સંકોચ વગર તે બધાને કહેવા લાગી. મલયને હવે છેક સમજાયું કે પાણી પાળ તોડીને વહી ગયું છે. એક દિવસ મલયે શૈલજાને વાત કરવા બોલાવી. એ આવી આજે મલયે પ્રથમ વખત તેને નીરખીને જોઈ. પોચા મનનો માણસ તો તેને જોઈને જ તેના પ્રેમમાં પડી જાય એટલી સુંદર હતી. પણ મલય તો મલય હતો.

તેણે વાત ચાલુ કરી,"શૈલજા,તે મારી દીકરીનો ફોટો જોયો છે, અદ્દલ તારા જેવી જ લાગે છે હો, આ જો હમણાં જ આઠ વર્ષ પુરા થયા એને, ને આ જો એની મમ્મી સૌરવી મારા વ્હાલસોયી પત્ની."

એમ કરીને મલયે બનેના ફોટા બતાવ્યા.

શૈલજાના ચહેરા પરની એક લકીર પણ ન બદલાઈ. તેણે જોયુંને કહ્યું કે "બને બહુ સુંદર છે હો!"

મલયે આગળ વાત વધારી કે, "તમારી ઉંમરમાં તો શૈલજા આકર્ષણ થાય જ એ કાંઈ નવાઈની વાત નથી. પણ આપણું ધ્યાન તો અભ્યાસમાં જ હોવું જોઈએ. બીજે ક્યાંય ધ્યાન ન આપવું."

શૈલજા બસ હળવું હાસ્ય ચહેરા પર ફેલાવી ઉભી રહીને વર્ગ શરૂ થતા જતી રહી કશો જ જવાબ ન આપ્યો. મલયને પણ સમજ ન હતી પડતી કે હવે શું કરવું. 

એક દિવસ શૈલજાએ એક પત્ર મલયના હાથ મા આપ્યોને જતી રહી, મલયે ઘરે જઈને પત્ર ખોલ્યો, 

"મારા સપનાંનું સરનામું ન પૂછ, બતાવીશ નહીં;

તુંના કહે તો તારા સપનાંમાં ય આવીશ નહીં.

યાદ આવી જાય કદી હસતા હસતા તને મારી;

તારી મલાખી આંખોને આંસુથી સજાવીશ નહીં."


સર,! મારે કોઈ એકરાર નથી કરવો. કે સફાઈ નથી આપવી. નાનપણથી જ બહુ લાડકોડથી ઉછરેલી છું. એટલી થોડી સ્વછંદી બની ગઈ છું. મારી બધી જીદ પુરી થઈ છે. તમને મળ્યાં પછી ક્યારે તમને ચાહવા લાગી ખબર ન પડી.  પ્રેમને ક્યારેય કોઈ બાંધી શક્યું છે. મનેય ઉંમર ક્યાંથી નડે. તમે ભલે મારાથી ઉંમરમાં મોટા હોય પણ મને કોઈ પરવા નથી. અને હા, પ્રેમ એટલે પામવું નહિ ફક્તને ફક્ત ચાહવું જ છે મારા માટે. મેં ક્યારેય તમારી ઝંખના નથી કરી મને ખબર છે તમે કોઈક બીજાના છો. મારે પામવા પણ નથી. તમે મને ન ચાહો પણ મને ચાહવાથી રોકી પણ ન શકો.  તમે તમારી જાતને દોષ નહિ આપતા. કે વિદ્યાર્થીની જોડે એવું નામ જોડાવું પાપ ગણાય. પણ મને ફક્ત એક સ્ત્રી જ ગણજો. જેની પાસે એક પ્રેમ નીતરતું હૈયું છે. જેના સ્વામીપદે તમને બિરાજમાન કર્યા છે. 

ફરી કહું છું મેં ક્યારેય તમારો પ્રેમ ચાહ્યો જ નથી. બસ 

મને ચીલાચાલુ નહિ ગણતા કે તુચ્છ નહિ માની લેતા. 

લિ. શૈલજા


હવે મલય અવઢવમાં પડી ગયો કે હવે એને શુ કરવું. શૈલજા તો હવે સમજે એવું લાગતું ન હતું. તેને સમજાવવી અઘરી હતી. તોય મલયે પ્રયત્ન ચાલુ રાખ્યો. પ્રત્યક્ષને પરોક્ષ રીતે તે ઘણું સમજાવતો પણ બધું બેકાર. આગનું ફેલાવું સારું પણ વાતનું ફેલાવું બહુ ભયાનક હોય છે. બહુ ઓછા લોકો હોય છે કે જે પ્રેમની પવિત્રતા સમજી શકે છે. મોટા ભાગના તો ખાલી અફેર માનીને પોતાની માનસિકતાને પોષણ માત્ર આપે છે. રાધા કિશનની મૂર્તિને પૂજતા લોકો જ પ્રેમને પાપ કે બેશર્મિમાં જ ખપાવી દેતા હોય છે. અહીં પણ એવું જ થયુંને વાત સૌરવી સુધી પહોંચાડવા ઉતાવળા થતા વિઘ્નસંતોષી સંબંધીઓ સફળ થઈ ગયા. 

સૌરવી સમક્ષ વાત જ એવી રીતે પહોંચી કે તેને વિચારવાની તક જ ન મળી, ને દૈવયોગે શૈલજાનો લખેલો પત્ર પણ હાથમાં આવ્યો. ને સૌરવી કાંઈ પણ વિચાર્યા વિના બસ ઋતુને લઈને પપ્પાના ઘરે જતી રહી.

થોડા દિવસ થયા બાદ સૌરવીનો ગુસ્સો ઓછો થયો એટલે મમ્મીએ સમજાવ્યું કે મલયની વાત પણ સમજે, એની સાઈડથી પણ વિચારે. વડીલોની હૂંફ એટલે જ તો શિયાળાના તાપણા જેવી હોય છે જે ખરા સમયે જ ગરમી આપે. વડીલ તેને જ કહેવાય જે સમયને પારખીને યોગ્ય સમયે સાચી સલાહ આપે. સૌરવી પણ વિચારવા માટે મજબૂર બની. 

ને તે મલયને મળવા ગઈ. મલય તો સૌરવીની જ રાહ જોઇને જ બેઠો હતો. મલયે પોતાની વાત બહુ સરળતાથી રજૂ કરી કે સૌરવીને પોતાની ભૂલ સમજાઈ. વગર વિચાર્યે તેણે મલયને દોષી માન્યો, તેનો તો કોઈ વાંક જ ન હતો. 

સમજદાર તો બને હતા જ એટલે ગેરસમજણને બહુ સફળ થવા ન દીધી. ને વાતને એટલેથી અટકાવી દીધી. એમના સુખી પરિવારનો યજ્ઞ ફરી પ્રજ્વલ્લિત થયો. બધાએ હાશ અનુભવી કે બન્ને ફરી એક થઈ ગયા. 

"પ્રેમ એટલે માધવ,ને સમર્પણ એટલે રાધા. રાધાએ ક્યારેય કાનાને ફરિયાદ નહતી કરી કે હું તો તમને એકને જ ચાહું છું,પણ તમારે તો કેટલા પ્રિયજન છે. રાધા જાણતી હતી કે કાનો એનો અંગત ક્યારેય નહીં થઈ શકે છતાં તેણે નિઃસ્વાર્થ પ્રેમ કર્યો. પ્રેમ એટલે પૂર્વાલાપ, પ્રેમ એટલે અહેસાસ, પ્રેમને સમય, ઉંમર કે ચળકાટના બંધન નથી નડતા. બધી પાળો કુદાવી જાય એ જ તો પ્રેમ છે, બાકી તો અધવચ્ચે દમ છોડી દે એ તો સ્વાર્થ કહેવાયને!"

કેટલું સરસ બોલે છે મેડમ નહિ! અને એમનું સ્વરૂપ પણ જોઇ લો રાધા જ સાક્ષાત. 

એક કલબમાં આવી વાતચીત સૌરવી સાંભળતી હતી. તેની પાછળ બેઠેલા બે જુવાનિયા બોલનાર વકતા વિશે વાતો કરતા હતા. 

ફરી એક બોલ્યો "તને ખબર છે યાર મેડમે હજી લગ્ન પણ નથી કર્યા, એ આમ પણ રાધારાણી જ બની ગયા છે."

એટલે બીજાએ વળી આશ્ચર્યથી કહ્યું કે, "ઓહો એવું, એની તને ક્યાંથી ખબર ?"

પેલો કહે, "લે, એ તો બધા જાણે છે, મેડમ કોઈકને પ્રેમ કરે છે, એ પણ પરણિત છે, ને ઉંમર મા ખાસા મોટા છે, પણ મેડમ ખાલી બોલી નથી જાણતા એમને પ્રેમ નિભાવ્યો પણ છે. તેઓ તો કહે છે, ચાહવું એટલે પામવું જ નહીં, નિભાવવું પણ."

હવે સૌરવીને પાછળ થતી વાતો મા રસ જાગ્યો, પણ કોણ જાણે શુ થયું કે તે અધૂરું પ્રવચન સાંભળીને, ઉભી થઈને ભાગી. ઘરે આવીને એને ક્યાંય જંપ ન વળ્યો, મલયને લાગ્યું કે કંઈક તો થયું છે પણ શું એ ખબર નહતી. 

ઓગણીસ વર્ષની ઋતુને હવે કાંઈ મમ્મીના સહારે રહેવાની જરૂર ન હતી એ પોતાની રીતે તૈયાર થઈને જતી રહી. મમ્મીની ગડમથલ એનાથી પણ અજાણી ન હતી. પણ હશે કાંઈક એમ વિચારી પપ્પા દીકરી જતા રહ્યા.  એકલી પડેલી સૌરવીને ક્યાંય ચેન ન હતું પડતું. વાત જાણે એમ બની હતી કે કાલે પેલા જુવાનિયાઓની વાત સાંભળી સૌરવીએ આમંત્રણ કાર્ડ જોયું, વકતા નુંનામ વાંચ્યું, 

"શૈલજા"

ને એ સ્તબ્ધ બની ગઈ કારણ કે આ એ જ શૈલજા હતી કે જેને લીધે, એના દામ્પત્ય જીવનમાં ભંગાણ પડતું, પડતું રહી ગયું. એ વાતને તો ઘણા વર્ષ વીતી ગયા,પણ હવે સૌરવીને શૈલજાની દયા આવી. આજે જ એને શૈલજાનો દ્રષ્ટિકોણ સમજાયો.  એણે શૈલજાને મળવાનું નક્કી કર્યું.ને એ એડ્રેસ ગોતીને ગઈ પણ ખરી. 

ધડકતા હૈયે એણે ડોરબેલ વગાડી, શૈલજા એ જ દરવાજો ખોલ્યો. સૌરવીને જોઈને શૈલજાની આંખોમાં ચમક આવી ગઈ. તેણે મીઠો આવકાર આપ્યોને અંદર લઈ ગઈ. 

સૌરવીએ કહ્યું "તું મને ઓળખે છે શૈલજા, સાચું બોલજે હો."

શૈલજા એ કહ્યું "હા, મેં તમારો ફોટો જોયો હતો એક વખત."

સૌરવી કહે, "મલયે બતાવ્યો હતોને."

શૈલજા, સૌરવી તરફ જોતી જ રહી, સૌરવી બોલી,

"હું મલયની પત્ની તરીકે તને મળવા નથી આવી, એક સ્ત્રી તરીકે તને મળવા આવી છું, આજે વર્ષો બાદ મને તારા પ્રેમની સચ્ચાઈ સમજાઈ છે. હું તને સમજવાને તારા પ્રેમને સન્માનવા આવી છું, બની શકે તો મને માફ કરી દેજે. હું એ સમયે તારા પ્રેમને સમજી ન શકી. હવે આ મોટી બેનને તારી સખી બનાવીશ. હા, હું મલયને તો તને ક્યારેય નહીં સોંપી શકું પણ તને હું મારા જીવનનો હિસ્સો બનાવવા ચહુ છું.ને આમાં તું જરાય આનાકાની નહિ કરતી."

શૈલજા તો સાંભળતી જ રહી, હવે તેની પાસે કોઈ વિરોધ કરવાનો અવકાશ જ ન હતો. 

બને સખીઓ ભેટી પડી. 

 પ્રેમ સ્વરૂપે માનવ છે કે માનવ સ્વરૂપે પ્રેમ એ કોઈ કહી ન શકે. રાધાને રૂકમણિ કદાચ મળેને તો આવું જ સુંદર દ્રશ્ય ખડું થાય...


Rate this content
Log in

Similar gujarati story from Romance