સ્મિત
સ્મિત
ડોક્ટર પ્રીતિમાં એવું શું છે કે બધા દર્દીઓ કહે છે કે અમે ડોક્ટર પ્રીતિ સિવાય કોઈને પણ નહીં બતાવીએ. કયારેક તો ડોક્ટર પ્રીતિ સામેથી કહેતી, "તમારે લાંબો સમય રાહ જોવી પડશે. એના કરતાં બાજુની કેબિનમાં ડોક્ટર પટેલ બેઠેલા છે તો તમે એમને બતાવો. એ તો મારા કરતાં પણ હોંશિયાર છે અને ગોલ્ડ મેડાલિસ્ટ છે" પણ દર્દીઓનું કહેવું હતું કે તમે પાણી પણ આપશો તો અમે સાજા થઈ જઈશું પણ બીજા પાસે નહિં જઈએ.
ડોકટર પટેલને એવું લાગતું હતું કે ડોકટર પ્રીતિ કંઈક એવું કરે છે કે બધા એની પાસે જ જાય છે. આખરે પ્રીતિ તો મારી સહાયક છે. ઘણી વાર થતું કે પ્રીતિને દવાખાનામાંથી કાઢી મૂકે પરંતુ એ વાસ્તવિકતા જાણતાં હતાં કે પ્રીતિ વગર દવાખાનું ચાલશે જ નહીં.
તે દિવસે ડોકટર પટેલને ઉદાસ જોઈ એની પત્નીએ કારણ પૂછ્યું પણ સાચી વાત કહેતાં એમનો અહમ્ ઘવાતો હતો.
પરંતુ સ્ત્રીઓમાં એક અદ્ભુત શક્તિ હોય છે કે એ સામેની વ્યક્તિના હાવભાવ પરથી ઘણુંજ સમજી શકતી હોય છે. એને થયું કે ઘરમાં તો બંને વચ્ચે કયાંય મનદુઃખ નથી એટલે કંઈક તકલીફ દવાખાને જ હોવી જોઈએ.
સ્ત્રીના મનમાં એક વાત ઘર કરી જાય તો એનું કારણ જાણીને જ રહે.
તેથી તો એની બહેનપણીને લઈને દવાખાને ગઈ. ત્યાં એને પ્રીતિની કેબિનની બહાર લાંબી લાઈન જોઈ અને પતિની કેબિન બહાર કોઈ જ ન હતું. હવે એને કારણ જાણવાની કોઈ જરૂર ના લાગી એ ઘણું બધું સમજી ગઈ હતી.
બીજા દિવસે એના પતિની હાજરીમાં જ એની બહેનપણી એને બોલાવવા આવી,
"આજે આપણે બ્યુટી પાર્લરમાં જઈએ. મારે ફેસિયલ કરાવવું છે. તું મારી જોડે આવજે. "
"તને ખબર છે કે ઉત્તમ ફેસિયલ એ તમારૂ હાસ્ય છે. હાસ્ય એક એવી ચાવી છે કે દરેકના હ્રદયના તાળાને બંધ બેસે."ત્યારબાદ પતિ સામે જોતાં બોલી, " ડોકટરનું સ્મિત દર્દીનું અડધું દુઃખ ઓછું કરી નાખે. સ્મિત તો દર્દી પ્રત્યેના પ્રેમની શરૂઆત છે. મુશ્કેલીમાંથી છૂટકારો મેળવવા માટે સ્મિત એ શ્રેષ્ઠ માર્ગ છે." બહેનપણી તો જતી રહી પણ ડોકટર પટેલની પત્ની પતિ સામે જોઈ બોલી, " મને તમારા ઉદાસ રહેવાનું કારણ સમજાઈ ગયું છે. પ્રીતિ કરતાં તમે ઘણા હોંશિયાર છો એમાં બે મત નહિ. પરંતુ મારી એક વાત સમજી લો કે સ્મિતનો ઉપયોગ નહિ કરનાર વ્યક્તિ એટલે બેંકમાં અબજો રૂપિયા હોય પણ ચેકબુક ના હોય. સ્મિત સવારના પ્રકાશની જેમ ઉદાસીની રાત્રિને વિખેરી નાંખે છે. સ્મિત મનને શાંત કરે છે અને મિત્રતા દર્શાવે છે. મૂડ સુધારે છે સાથે સાથે સંબંધ પણ સુધારે છે. તમને યોગ્ય લાગે તો મારી સલાહ માનજો. દરેક મુશ્કેલીઓમાંથી માત્ર સ્મિત જ રસ્તો કાઢે છે."
થોડા દિવસ પછી જયારે ડોકટર પટેલની પત્ની દવાખાને ગઈ ત્યારે પતિની કેબિનની બહાર પણ લાઈનો હતી. એ મનમાં જ બોલી કે "આ તો સ્મિતનો જાદુ છે. "
