સલોણી સંધ્યા!
સલોણી સંધ્યા!
‘ડેડ, તમે હવે મેરેજ કરી લ્યો, મમ્મીને ગયાં બે વર્ષ થઈ ગયાં. ક્યાં સુધી એકલા એકલા જીવન કાઢશો? હું અને મોના બન્ને તમારાથી કેટલાં દૂર છીયે. તમારી તબિયત બગડે એટલે અહીં બેઠાં અમોને ચિંતા થાય’.
મારી બે દીકરીઓ અવાર-નવાર આજ સબ્જેકટ લાવી ફોન પર સલાહ આપે! મારી પત્નિ રમાને બ્રેસ્ટ કેન્સર થયું ને છ મહિનામાં મૃત્યું પામી, ત્રીસ વર્ષની અમારી મેરેજ લાઈફમાં ઘણાં હરી-કેઈનમાંથી પસાર થયાં છીયે અને સ્પ્રીંગ-સીઝન ની મદહોશ મજા પણ માણી છે. હું મિકેનિકલ એન્જીનયર અને રમા નર્સ. બન્ને સાથે મળી મારી દીકરી ટીના અને મોનાને સારું શિક્ષણ આપ્યું, બન્ને ડૉકટર બની, નસીબ જોગે બન્નેના લગ્ન પણ સમયસર થયાં અને ટીના ફીનીક્સ, એરીઝોના અને મોના ન્યુયોર્કમાં. અમો બન્ને અમેરિકામાં ૧૯૭૦માં આવ્યા હતાં.
‘જેક, દીકરીઓ પરણી ગઈ, સાસરે જતી રહી, સુખી છે, આપણું ઘર પણ પેઈડ થઈ ગયું છે, હવે કોઈ મોટી જવાબદારી છે નહીં, હવે કોના માટે આ બધી ધમાલ? તમને નથી લાગતું કે હવે રિટાયર્ડ થઈ જલસા કરીએ! વરસમાં એકાદ વરસ ઈન્ડીયા જઈએ..’ ‘હા, રમા મને પણ બસ હવે એમ જ લાગે છે કે બહું જોબ કરી …’ બસ તો આ વરસે ડીસેમ્બરમાં નિવૃત થઈ ઈન્ડીયા જઈ એ અને ત્રણથી ચાર માસ રહીએ.. ‘મને તો ઈન્ડીયામાં સાઉથ અને નોર્થ બધે ફરવાનું મન થાય છે.’ અમારા બન્નેનું જીવન એક સાચા મિત્ર જેવું બની ગયું છે…આપણાં સમાજમાં સ્ત્રી પર ઘણીજ જવાબદારી અને નિતી નિયમો લાદવામાં આવ્યા છે.’ સ્ત્રી એટલે સમાજના બંધન, મર્યાદા, નિતી નિયમોથી ચાલતી કઠપુતળી’..અમો બન્ને મિત્ર તરીકે જ રહેવાનું વધારે પસંદ છે..એ રીતે રહેવામાં બહુ મજા આવે છે. દર વર્ષે મા-ભોમની મુલાકાત લઈ બહુજ મજા કરી…હાથમાં હાથ રાખી બહુ ફર્યા-હર્યા..કુદરતની ઈચ્છા કંઈ જુદી જ હશે!..કાળને અમારા પ્રેમની ઈર્ષા આવી! એજ કાળ, એક દિવસ અમારો હાથ છોડાવી, રમાને એક દૂર દૂર અજાણી ભોમ પર લઈ ગયો!
બન્ને દીકરીઓનો પ્રેમ અવિરત હતો પણ સાથો સાથ મારા બન્ને જમાઈ પણ દીકરા જેવા ડાહ્યાં હતાં. અવાર-નવાર તેમની મુલાકાત લેતો તેઓની સાથે અઠવાડીયું કે દસ દિવસ રહેતો, પણ પાછો ઘેર એકલો અટૂલો! ઘણી પ્રવૃતિમાં જોડાયેલો છું પણ રાત્રી થાય અને એ યાદ આવે!
વિચારોના વમળમાં રાત્રી એવી તો વમળે ચડે કે નિંદર પાસ આવવાની હિંમત ના કરે! આવી ઘણી જ રાત્રી પસાર કરી છે..રમાએ એના જતાં દિવસો એ કહેલું કે ‘જેકી! તમો, બહુંજ લાગણીશીલ છે, તમો એકલા નહી રહી શકો!, મને પ્રોમીશ આપો તમો ફરી..’ ‘ ..”ના રમા, પ્લીઝ આગળ ના બોલીશ’ હું એના મોં પર હાથ રાખી દેતો..એના મૃત્યું બાદ એની લખેલ ચિઠ્ઠી મળી..એમાં પણ એજ…”જેકી, મારા ગયાં પછી, મને યાદ કરી, કરી દુ:ખી ન થશો, જ્યાં જાવ છું ત્યાંથી કદી પાછી ફરવાની નથી, કે નહી તમારા આંસુને જોઈ શકીશ. તમે મને એક સાથી, એક મિત્ર તરીકે ગણી છે, આપણે ઘણી સારી અને સુખી જિંદગી જીવ્યા છીએ..મારી આખરી ઈચ્છાને માન આપશો? પ્લીઝ કોઈ સારું પાત્ર જોઈ ફરી લગ્ન કરી લેશો?”
કેટલાં વર્ષોબાદ મારી જન્મભૂમી ભાવનગર આવ્યો, એજ શામળદાસ કૉલેજ જ્યાં કોલેજમાં ગાળેલા રંગીન દિવસો..આલ્ફ્રેડ હાઈસ્કૂલ એની બાજુમાં માજીરાજ હાઈસ્કૂલના જુના સ્મરણો..મિત્રોયાદ આવવા લાગ્યા! ક્રીસેન્ટ(ઘોઘા-સર્કલ)પર લચ્છુના તીખા ગાંઠીયા! મોમા પાણી આવવા લાગ્યા!
“જયેશ, હું તને જેકી નહી કહું, મારા માટે તો તું જયેશ જ છે, લંગોટીયો ભાઈબંધ! યાદ છે? ‘સનાત્તન ધર્મ હાઈસ્કૂલની સામે મહિલા સ્કૂલ છે અને ત્યાં તને એક છોકરીએ ચંપલનો ઘા કરેલ?’ મહેશ મારો નાનપણનો મિત્ર, મારી બધી વાત એને ખબર.. ‘રહેવા..દે યાર! એકવાર રાત્રે આપણે ભૂતબંગલા પાસેથી પસાર થતાં હતાં ને કૂતરું ભસ્યુંને તું ઉધી-પૂછડીયે ભાગ્યો હતો! મહેશીયા”.. ‘ઘણાં વર્ષે મળ્યા છો તો નાનપણની વાતો ખુટવાની નથી. ચાલો જમવાનું તૈયાર છે.” મનીષાભાભી, અમોએ તો વાતો થીજ પેટ ભરીલીધું છે.’..’જુઓ જયેશભાઈ, ઊર્ફે મિસ્ટર જેકી, તમારા માટે એક સુંદર અને શાણી છોકરી શોધી રાખી છે..ભાવનગરમાં જ છે, મારી બેનપણી અને ટીચર છે, તમારો વિચાર હોય તો વાત આગળ ચલાવું?’ ભાભી સાહેબ! મારી ઊંમર પાસઠની છે, એ પ્રમાણે….. “પણ તમે તો ૫૦ જેવાં યંગ લાગો છે, તમારા અમેરિકામાં સારા ખાધા-ખોરાકીને લીધે માણસોની ઉંમર ઓછી દેખાય! ” “એ વાત સાચી પણ ભાભી ત્યાં બધા કસરત અને શરીરનું બહું ધ્યાન આપતા હોય છે,' 'હા! તો મારી બહેનપણી મીનાપણ સાઠની તો હશેજ! નિવૃત છે, સંસ્કારી છે.'
મીનાના જીવનમાં ઘણાં આંધી-તૂફાન આવીને ગયાં. માત-પિતાની પસંદગીનું સાસરૂ શ્રીમંત હતું, પૈસે ટકે ઘણાંજ સુખી પણ મીના માટે એ નિષ્ફળ નિવડ્યું, શ્રીમંત પતિના દુ:ખથી ત્રાસેલી મીનાએ ટૂંક સમયમાં ડીવોર્સ લીધા. ડીવોર્સ બાદ એકલા રહેવાનું પસંદ કર્યું, ટીચર બની ,ગલ્સ હાઈસ્કુલમાં જોબ મળી અને ફરી આવા લફરામાં ન પડવાના નિર્ણય કરી જીવન જીવવા લાગી. ઉંમર વધે, કોઈવાર નાના-મોટા દરદ પણ આવે ત્યારે લાગે કે કોઈ સાથે હોય તો…. આજ વિચારે મીનાએ ફરી કોઈ સારું પાત્ર મળી જાય તો..મનીષા, વર્ષોથી બહેનપણી, સુખ-દુખની બધી વાતો થાય અને જયેશ_ઉર્ફે જેકીની બધી સાચી હકીકત મનીષાએ મીનાને કહેલ.
મીના સાથે કોર્ટમાં બહું જ સાદી રીતે લગ્ન કરવાનું નક્કી કર્યું. મેં કોર્ટમાં મેરેજ માટે અરજી કરવા તેમજ ફીયાન્સે વીઝા માટે મીનાનું કાયદેસરના નામ માટે તેનું બર્થ-સર્ટી મંગાવ્યું..નામ હતું ‘હીના મગનલાલ વ્યાસ’ નામ વાંચવાની સાથે જ.. ૪૫ વરસ પહેલાંની એ જ હીના! એમના પિતાનું પણ નામ બરાબર એજ છે..એજ અટક! મન ચકડોળે ચડ્યું..યાદ છે આલ્ફ્રેડ હાઈસ્કુલની પાછલી બારીએથી કાગળનું બનાવેલું તીર રબ્બર-બેન્ડ્માં ભરાવી માજીરાજના પાછલા મેદાનમાં ફરતી છોકરીઓ તરફ છોડેલ..અને એ હીનાને હીટ થયેલ..એજ તીરછી નજર, થોડી બડબડાટ પણ આંખ તો મળી!
પછી તો એજ તીરછી નજરે યુવાન હૈયામાં પ્રણયના બીજ વાવ્યાં..છુપી રીતે ..ઘણીવાર રવિવારે બોળ તળાવ તો કોઈ વાર ક્રીસેન્ટના બગીચામાં પ્રેમની ગોષ્ઠી! હીના અને મારા વિચારોમાં ઘણીજ સમાનતા હતી. એ શાંત અને શાણી, સમજુ હતી..અભ્યાસ પુરો કરી લગ્ન કરી જીવન કેવું સુખમય જીવવું એ ચર્ચા કરતાં. મેં તો મનોમના નક્કી કર્યું હતું કે હીના જ મારી સાચી જીવનસાથી બનશે!
‘જયેશ, મને માફ કરી દે! મારા લગ્ન મારા પિતાએ હરિશંકર રાવળ નામના છોકરા સાથે નક્કી કરી નાખ્યાં છે..મેં ના કહી, જીદ પકડી પણ પિતાના ઉચ્ચારેલ શબ્દોએ મન વશ કરી દીધી..” જો હીના, હરીશંકર આપણી બ્રાહ્મણ જ્ઞાતિનો છે, તારે આપણી જ્ઞાતીમાં જ લગ્ન કરવા પડશે જો તું હરીશંકર સાથે લગ્ન નહી કરે તો હું ઝેર…..પિતાનું ઋણ! મારા જીવનનો સ્વાહા! એક જીવતી લાશની જેમ જીવવાનું! કોને ખબર ક્યારે આપણે મળીશું? બસ તારીજ હીના, આ જીવનમાં તારી ના બની શકી. પત્ર વાચ્યા બાદ ઘણાં દિવસો-વર્ષો સુધી ગમગીન જિંદગી જીવ્યો..અમદાવાદ ભણવા ચાલ્યો ગયો..બાદ રમા સાથે લગ્ન અને ત્યાર બાદ ભુતકાળને જાણે -અજાણે ભુલતો, ભુલતો અમેરિકામાં! એક જ મનુષ્ય અવતાર! સાંભળ્યું છે..માણસની ઈચ્છા રહી ગઈ હોય તો બીજા જનમમાં પુરી થાય છે. કુદરત તારી બલિહારી! “હલ્લો, જયેશ ઊર્ફે જેક, મારો પાસપોર્ટ તૈયાર થઈ ગયો છે…મીના બારણા પાસે આવી ઉભી રહી ગઈ.. હું ઊભા થઈ ભેટી પડ્યો. ‘હાય! મીસ મીના ઊર્ફે હીના..એ એકદમ હેબતાય ગઈ! હીના? હા..હીના હા! ૪૫ વરસની જુદાઈ! કેટલા બદલાઈ ગયાં છીયે! ચહેરા પણ બદલાઈ ગયાં..હું પણ ના ઓળખી શક્યો કે તું.. હું તારો “યશ” તું મને જયેશને બદલે યશ કહેતી’તી..યાદ છે? મીના એક શબ્દ ઊચ્ચાર્યા વગર આંસુની ધારાથી મને ભીંજવી દીધો! બહાર સૂર્ય આથમવાની તૈયારી કરી રહ્યો હતો અને સંધ્યારાણી આજ ફુલબહારમાં ખીલતી ખીલતી હસી રહી હતી!

