Bansari Joshi

Inspirational

4  

Bansari Joshi

Inspirational

સળિયાની પેલે પાર

સળિયાની પેલે પાર

5 mins
345


નેપાળના નાના એવા ગામમાં રહેતી ઇન્દિરાને સાવ નાની વયે જ પુસ્તક અને શિક્ષણ માટે પ્રીતિ જાગી ગઈ હતી પણ ઇન્દિરાના માતા-પિતાને ઇન્દિરા શિક્ષિત બને એની કોઈ ખાસ પરવાહ નહોતી. એનું એક રૂઢિવાદી કારણ એ પણ હતું કે ઇન્દિરાને એક ભાઈ હતો એટલે દીકરો સુશિક્ષિત થાય અને દીકરી ના ભણે તો ચાલે એવી ગેરમાન્યતા હેઠળ એમણે ક્યારેય પણ ઈન્દિરાના ભણતર તરફ ધ્યાન ન આપ્યું. ઇન્દિરા ભણી નહોતી શકતી પણ એની રૂચિ ભણતર માટે યથાવત રહેતી.

એકવાર પોતાના ભાઈનું હોમવર્ક કરતા એને સૂઝ્યું કે હું આમ જ મારી મેળે સાક્ષર થઈશ અને એણે ખરેખર પોતાના ભાઈની પુસ્તકોને વાંચીને તથા એના ભાઈના હોમવર્ક કરી કરીને જાતે જ શિક્ષા ગ્રહણ કરી લીધી.

પોતાની પાસે એક સારી પેન્સિલ સુદ્ધા ના રહેતી તો ઇન્દિરા પોતાના ઘરના ફળિયામાં એક સળેકડાથી જમીન પર જ શબ્દો ઘૂંટતી અને એમ કરતાં કરતાં એણે પ્રાથમિક અક્ષરજ્ઞાન મેળવી લીધું.

ઈન્દિરાની રૂચિ જોઈ આખરે ક-મને પણ એના માતા-પિતાએ એનું ભણતર પણ થવા દીધું અથવા તો એમ પણ કહી શકાય કે એની પોતાની જાગરૂકતા અને શિક્ષણ પ્રત્યેના લગાવથી જ એ શક્ય બન્યું. જ્યારે એ પ્રથમવાર શાળામાં પ્રવેશી અને જ્યારે પ્રથમવાર શાળાના પુસ્તકાલયમાં એણે મોટા મોટા ચિંતકો અને વિભૂતિઓના ફોટા જોયા અને એમના જીવનચરિત્ર વિશે જાણ્યું તો ઈન્દિરાને ઘણું બળ મળ્યું. જો એ લોકો કરી શકતા હોય તો હું પણ કરી જ લઈશ એવુ જોમ એને શાળાથી મળ્યું. 

 ભણતર આગળ ધપાવતી એ સ્નાતક બની અને શિક્ષિત બની. એક દિવસ પોતાની શિક્ષણસંસ્થામાંથી ઈન્દિરા અને એના સહપાઠીને જેલની મુલાકાત લેવાનું કહેવામાં આવ્યું. જે એમના કોઈ પ્રોજેક્ટવર્કનો જ એક ભાગ હતો. ઇન્દિરા જેલનાં સ્થળે પહોંચી. જેમાં એક વિભાગ સ્ત્રી કેદીઓનો પણ હતો. જેવી એ એમની સામેથી પસાર થતી ચાલી રહી હતી એ વધુ ને વધુ સ્તબ્ધ થતી ગઈ. એણે જોયું કે સ્ત્રી કેદીઓ સાથે એમના નાના નાના બાળકો પણ જેલમાં હતા. વધુ કારમું દ્રશ્ય એ જોવામાં આવ્યું કે જેલમાં જીવન વ્યતીત કરતી સ્ત્રી કેદીઓની માનસિક હાલત ઘણી કફોડી હતી. ઘણી સ્ત્રી કેદીઓ ખૂબ ગુસ્સેલ સ્વભાવની હતી. મોટાભાગની સ્ત્રીઓ ખૂબ સંઘર્ષ વેઠીને અંતે જેલ પહોંચી હતી જેમાનું મુખ્ય કારણ ભૂખ પણ હતું. ઘણી બધી સ્ત્રીઓ ખૂબ જ ગરીબ પરિવારની હતી. સંજોગોની મારી પણ હતી. ઉગ્ર સ્વભાવની સ્ત્રી કેદીઓ ઘણી વાર પરસ્પર ખૂબ લડતી અને હાથાપાઈ પર આવી જતી. જે ત્યાં એમની સાથે રહેતા બાળકો માટે ખૂબ અસુરક્ષાભર્યું હતું. બાળકો તો તદ્દન અસુરક્ષામાં જીવતા જણાયા. સ્ત્રી કેદીઓ સાથે થોડી વાતચીત પરથી એ પણ જાણવા મળ્યું કે મૂળ અપરાધીઓ તો પડદા પાછળ હતા. પણ ગરીબ હોવાના કારણે સ્ત્રીઓ કારાવાસનો ભોગ બનેલી અને એકવાર જેલના કેદીનો થપ્પો લાગી જતા સ્ત્રીઓના મિત્રો અને નજીકના સગા-સંબંધીઓ પણ જે-તે સ્ત્રી સાથેના સંબંધો સમાપ્ત કરી લેતા અને એ સ્ત્રીઓના બાળકો નાના હોવાથી એને એમની સાથે જ જેલમાં મોકલી દેવામાં આવતા અને ઘણા બાળકો તો રઝળી પણ પડતા. દરેક સ્ત્રી કેદીની આગવી વાર્તા હતી અને એ વાર્તાઓ ઈન્દિરાના હૃદયમાં સોંસરવી ઉતરી ગઈ. 

  સાંજ ઢળવા આવી હતી ખૂબ ભારે હૃદયે ઇન્દિરા જેલથી ઘર તરફ પાછી વળી. જમીને સૂઈ ગઈ પણ આંખો સામે જેલમાં વિના અપરાધે કારાવાસ ભોગવતા બાળકો જ તરવરતા રહ્યા. ઇન્દિરા ઊંડા મનોમંથનમાં સરી પડી."આમાં એ બાળકોનો શો વાંક ? દરેક બાળકની જેમ શું આ બાળકો પણ સ્વચ્છ ખોરાક અને સુરક્ષિત વાતાવરણના અધિકારી નથી ? આખરે એક ગૌરવભરી જિંદગી જીવવી એ દરેક બાળકનો અધિકાર છે. શિક્ષા અને ઉજ્જવળ ભવિષ્ય એમનો અધિકાર છે. મમતામયી વાતાવરણ પણ એમનો હક છે પણ એ વર્ષોથી એનાથી વંચિત રહ્યા છે. હે ઈશ્વર એક દ્રઢ નિર્ધાર માટે જ કદાચ તે મને આ લોકોની સમક્ષ મૂકી હશે" એમ વિચારી એણે મનોમન નક્કી કરી લીધું કે આવા બાળકો માટે એ લડશે અને એક આશ્રયસ્થળ પણ બનાવશે. જ્યાં આ કૂંપળો નવપલ્લવિત થઈ શકે. 

પરોઢ થતાં જ એ જેલની મુલાકાત લેવા નીકળી ગઈ. ત્યાં પહોંચી એણે જેલના અધિકારીઓને પોતાના નિર્ધાર વિષે જણાવ્યું. જેલના અધિકારીઓને ઈન્દિરાને ના માત્ર બિરદાવી પણ સ્ત્રી કેદીઓના બાળકો માટે આશ્રયસ્થાન બનાવવાની મંજૂરી પણ આપી અને ત્યાંની સરકારની સહાયતાથી એણે "બંદી સહાયતા નેપાળ" ની ઈંટ મૂકી. જેનું બીજું નામ "Aama Paradise Home" પણ રહ્યું. આ એક એવું ઘર છે જ્યાં નેપાળની સ્ત્રી કેદીઓના બાળકોને આશ્રય અને ઈન્દિરાની બિનશરતી મમતા મળે છે. 

  જૂજ બાળકોથી શરૂ થયેલી યાત્રામાં ઈન્દિરાને એક જીવનસાથી પણ મળ્યો. પણ દુર્ભાગ્યપણે એમનો સાથ લાંબો ટક્યો નહીં. ઈન્દિરાનું સમર્પણ,બિનશરતી મમતા એ બન્ને વચ્ચેના કલહનું કારણ બનતું રહ્યું. ઈન્દિરાના ઉમદા ઉદ્દેશ્યના પાલવને આંબવા એના જીવનસાથીનો પનો ક્યાંક ટૂંકો પડતો રહ્યો. અંતે ઈન્દિરાના જીવનસાથીએ એક કઠોર વિકલ્પ ઇન્દિરા સમક્ષ મૂકતા કહ્યું કે, "ઇન્દિરા તારે હવે બાળકો અને મારામાંથી કોઈ એકની પસંદગી કરવી પડશે." ઇન્દિરા ખૂબ હતાશ થઈ. એણે પોતાના પતિને ખૂબ સમજાવ્યું કે તમે આ ઉમદા સેવાકાર્યમાં મારી સાથે રહો. મને તમારા સાથની જરૂર છે આ બાળકો નોંધારા છે અને એક જવાબદારી સાથે મેં આ આશ્રયસ્થાન બનાવ્યું છે હું એમને છોડી ના શકું. હું તમને પણ છોડવા નથી ઇચ્છતી. પણ એના પતિએ આ દિવસથી ઇન્દિરા સાથે તમામ વ્યવહાર સમાપ્ત કરી લીધા. ઇન્દિરા ઘણી નિરાશ થઈ પણ એણે પોતાના અંતરના અવાજને ઓળખી અને પોતાનું સઘળું જીવન બાળકો માટે સમર્પિત કરી દેવાનો દ્રઢ નિર્ધાર થોડો વધુ મજબૂત કરી લીધો. દુઃખી હોવા છતાં પણ કઠણ હૃદયે એ બાળકોની સેવામાં જોતરાતી રહી. ધીરે ધીરે કરતા બાળકોનો આંકડો 1600 સુધી પહોંચી ગયો. છેલ્લા 27 વર્ષથી ઇન્દિરા સ્ત્રી કેદીઓના બાળકોને ઉજ્જવળ ભવિષ્ય અને સુરક્ષિત બાળપણ આપવામાં દિવસ-રાત એક કરી આગળ વધતી ચાલી. સમય જતાં ઈન્દિરાની મમતાનો વ્યાપ વધતો રહ્યો. એક વખત નેપાળમાં ભયાનક ભૂકંપ આવતા ઠેકઠેકાણે કાટમાળ સર્જાયા એવામાં એક દંપતી દ્વારા એક પ્રિમેચ્યોર બેબીને ત્યજી દેવામાં આવેલી અને એ ઈન્દિરાને હાથ લાગી જ્યારે એ ઈન્દિરાને મળી ત્યારે એનું વજન માત્ર 1.5 કિલોગ્રામ હતું. દિવસરાત ઈન્દિરાએ બાળકીનું જતન કર્યું અને એને જીવવાયોગ્ય બનાવી. એનું નામ ઈન્દીરાએ "ભૂ" રાખ્યું. ભૂમિમાંથી મળેલી "ભૂ" ઈન્દિરાની ખાસ સંતાન બનીને રહી. 

  (નોંધ:ઇન્દિરા એટલે "ઇન્દિરા રાણામગર" મમતાની પરિસીમાં છે. જે નેપાળની સ્ત્રી કેદીઓ માટે દેવદૂત સમાન પણ છે ઈન્દિરાની મમતાની છાંવ હેઠળ ઘણા બાળકો ભણી રહ્યા છે અને સુરક્ષિત આશ્રયસ્થાનમાં આવસિત પણ છે. આ ઉમદા કાર્ય માટે એમનું ઘણી વાર બહુમાન પણ કરવામાં આવેલું છે. હાલ કોરોનાકાળમાં પણ ઇન્દિરાએ આગળ આવી ઘણા ગરીબ અને ભૂખ્યા લોકોને જમાડ્યા છે. રોજના 400 લોકોના ભોજનની વ્યવસ્થા ઇન્દિરા એકલપંડે કરતી રહી છે. "સેવા પરમો ધર્મ"નું જીવતું જાગતું તાદ્રશ્ય ઉદાહરણ એટલે "ઈન્દિરા". બિનશરતી પ્રેમ અને બિનશરતી વાત્સલ્યની પ્રતિકૃતિ એવી ઈન્દિરાના ઉમદાસેવા કાર્યને શત શત નમન."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational