સિંહ, વરુ અને શિયાળ
સિંહ, વરુ અને શિયાળ


એકવાર સિંહ, વરુ અને શિયાળ આ ત્રણે જણાએ નક્કી કર્યું કે આજ પછી ત્રણેયે સાથે મળીને શિકાર કરવો અને જે મળે તે સરખે ભાગે વહેંચી લેવું. એકવાર તે ત્રણે જણાએ એક મોટા સાબરનો શિકાર કર્યો. મારણના ભાગ પાડવાની જવાબદારી સિંહે વરુને સોંપી. વરુએ શિકારના ચીવટપૂર્વક બરાબર ત્રણ ભાગ પાડ્યા.
આ જોઈ સિંહ ખૂબ રોષે ભરાયો. તેણે તરત પંજાનો એકવાર કરી વરુને ત્યાંજ ઠાર કર્યો. હવે સિંહે મારણના ભાગ પાડવાની જવાબદારી શિયાળને સોંપી. શિયાળે પોતાનું પેટ ભરાય એટલો મારણનો નાનકડો ટુકડો કાપી પોતાની પાસે રાખતા કહ્યું “મહારાજ, મને જેટલું જોઈતું હતું એટલું મેં લીધું હવે મારણના બાકીના હિસ્સા પર આપનો અધિકાર છે.”
સિંહ શિયાળની સમજદારી અને મીઠી વાણીથી ખુશ થયો. સિંહે શિયાળને શાબાશી આપતાં કહ્યું “અરે વાહ ! આટલો સરસ ભાગ પાડતા તને કોણે શીખવાડ્યું?”
શિયાળે વરુના શબ તરફ જોતા કહ્યું “મહારાજ આ વરુએ!”
બોધ : બીજાને વાગેલી ઠેસ જોઈને જે સાવધાનીથી ચાલે છે. તે માણસ જીવનમાં ક્યારે દુઃખી થતો નથી.