સિંચન
સિંચન


લોક્ડાઉનમાં ભરાઇ પડેલ કુમાર આજે ત્રીસ દિવસ પછી સહકુટુંબ પોતાના ઘેર જવા નીકળી ગયો. બાકી બધું તો ઠીક હતું પણ એને એક જ ચિંતા હતી પોતાના આંગણામાં માવજતથી વાવેલા વૃક્ષો, છોડ અને નાના એવા બગીચાની. એને એક જ વિચાર કોરી ખાતો હતો કે એના વૃક્ષો - છોડ સૂકાઇ ગયા હશે અને બગીચો ઉજ્જડ અને વેરાન થઇ ગયેલ હશે. કેટકેટલી ચીવટ અને જતન થી તેણે પોતાના ઘરના આંગણામાં સરસ મજાનો બગીચો બનાવ્યો હતો જયાં વૃક્ષો પર રોજ સવારના નાના નાના પક્ષીઓ આવતા અને પુરા વાતાવરણને કલરવ અને સૌંદર્યથી ભરી દેતા.
કારમાંથી નીચે ઉતરતા જ કુમારનું મુખ પ્રસન્ન થઇ ગયું. તેનો બગીચો હેમખેમ જ નહીં, વધુ મ્હોરી ગયો હતો. તેને નવાઇ લાગી કે આવી ગરમીમાં, પાણી વગર આ વૃક્ષો અને છોડવાઓ કઇ રીતે મ્હોરી ઉઠયા હશે?
આંગણામાં પ્રવેશતાજ પડોશમાંથી ભરત ભાઈનો અવાજ આવ્યો – કેમ કુમાર ભાઈ હેમખેમ પહોંચી આવ્યા ને? આ સાલુ તમે અહીં હતા નહીં ને તમારો કોન્ટેકટ પણ નહતો થતો. એટલે મેં તો તમારી રજા લીધા વગર જ રોજ તમારા આંગણામાં આવીને તમારા બગીચાને સીંચ્યો અને માવજત કરી. મને એમ થતું કે તમને વહેલું મોડું થશે તો આવો સરસ મઝાનો બગીચો મૂરઝાઇ જશે. મને આશા છે કે તમારી રજા વગર કરેલ આ કામથી તમને ખોટું નહીં લાગ્યું હોય.
શું વાત કરો છો ભરત ભાઇ? તમે તો ખરેખર ખુબ જ સારું કામ કર્યું. મને મારા બગીચાની ખુબ જ ચિંતા હતી. ભગવાને તમને પ્રેરણા આપીને તમે મારા વૃક્ષો, છોડવાઓ અને બગીચાને બચાવી લીધા. તમે તો ખરેખર ‘પ્રકૃતિ રક્ષક’ તરીકે નું કામ કર્યું, ભગવાન તમારું ભલું કરે.
કુમાર ઘરમાં એકદમ હળવા થઇ ને પ્રવેશ્યા અને એમને ભરત ભાઈ માટે માન થઇ ગયું જેમણે આટલી મહેનત કરીને પોતાના બગીચાને સાચવી લીધો. આ ભરત ભાઈ જોડે, પડોશી ખટપટને લીધે મનદુખ થયેલ હતું અને એમના સંબંધો ખુબ જ સીમિત થઇ ગયેલ છતાં ભરત ભાઈએ બગીચાને પ્રેમથી સાચવી લીધો હતો.
પોતાના ઘરના કેલેન્ડર પર લખેલું એક સૂત્ર વાંચીને કુમાર મનમાં મલકાઇ પડ્યા. સૂત્ર હતું “ વૃક્ષ – છોડને અને સંબંધોને સમય સમય પર સિંચન ના કરીએ તો તેઓ મુરઝાઈ જાય છે. “ કુમારે મનોમન નક્કી કરી લીધું કે તે હવે વૃક્ષ-છોડની સાથે સંબંધોનું પણ સિંચન કરતા રહેશે.