સીધી વાત
સીધી વાત


" મમ્મી, આ નાનીકાકી ને સીધેસીધું કહી દો કે હમણાં ગપ્પાં મારવા છાશ વારે દોડી ન આવે. મારી પરીક્ષા નજીક આવે છે તે વાંચવામાં મને ડિસ્ટર્બ થાય છે "
સૌમ્યનું વાક્ય પૂરું થાય ને શેફાલીબેન જવાબ આપે એ પહેલાં જ સુધીરભાઈ --સૌમ્યના પપ્પા....તાડૂક્યાં......
" આ આજકાલનાં છોકરાઓ ? સંબંધ સાચવવામાં સમજે જ નહીં. આમ- નહીં આવતાં ...કહી થોડું એમનું અપમાન કરાય ? આપણે વાંચવાનો ટાઈમ જરા એડજસ્ટ કરી લેવાનો ....અને એવાં કેવાં ભણેશ્રી છો હેં...?!"
આ બાપ-દીકરાના વિચારોનું અંતર કે બે પેઢી વચ્ચેનું અંતર ....જે કહો તે ...પણ આ ઘરનું વાતાવરણ આવી વાતે આજકાલ ડહોળાયેલું જ રહેતું ને મરો થતો બિચારા શેફાલીબેનનો ! પેલા બંને તો પોતપોતાના વિચારોમાં દટી રહેતાં.
એમાં આજે તો ભારે થઈ ! સુધીરભાઈના ગામમાં એમનું બાપીકું મકાન હતું. જે હવે એમના અને એમના નાનાંભાઈનાં સયુંક્ત નામ પર હતું. એ ઘર મોટું રીપેરકામ માંગતું હતું. નાનોભાઈ એ માટે મોટાભાઈ નાં ભાગના પૈસાની માગણી કરતો રહેતો ને સુધીરભાઈ વાયદા કરી એ દેવાના ટાળતા રહેતા. એ શહેરમાં જ રહેતો નાનોભાઈ આજે એમને ન સંભાળવાનું સંભળાવી ને ગયો પછી....જમતાં -જમતાં ધૂંધવાયેલાં સુધીરભાઈ ને શાંત પાડવાના આશય થી સૌમ્ય બોલ્યો.." પપ્પા હું તમારી પરિસ્થિતિ સમજું છું. અત્યારે તમારો બીઝનેસ બરાબર નથી ચાલતો. મારું ભણવાનું પણ હજી બાકી છે. એવામાં તમે રીપેર માટે પૈસા નહીં કાઢી શકતા હો.પણ તો કાકા ને ખુલી ને સાચી-સીધી વાત કરો ને ? એ સમજી જશે...ને તમારા સબંધ પણ નહીં બગડે. " ને સુધીરભાઈ વિફર્યા ....
" એટલે ? મારામાં અક્કલ નથી ? બીઝનેસની વાત ઉઘાડી પાડી મારે શું મને જ હાંસી પાત્ર બનાવવો ? વ્યવહારમાં ખબર ન પડે તો ચૂપ રહો. સલાહ ન આપો "
હવે બાપ-દીકરાને સીધી વાત ઓછી જ થતી.સૌમ્ય પોતાના સ્માર્ટ ફોનમાં જ ખૂંપેલો રહેતો. પણ બાપ તરીકે સુધીરભાઈ ની નજર એની પર રહેતી જ.
સૌમ્ય આજે ઘરમાં એકલો હતો ફોન પર વાત કરવામાં મશગૂલ હતો. પોતાની ચાવીથી દરવાજો ખોલી ઘરમાં દાખલ થયેલા સુધીરભાઈ ને કાને એનાં શબ્દો પડ્યાં. " સ્વીટી, કોલેજમાં સ્ટડી લીવ પડી છે ત્યારથી હું તને ખૂબ જ મીસ કરું છું.....આઈ રીયલી લવ યુ.."ને ખલ્લાસ...એ તો બગડેલા દીકરાને ઠમઠોરવા માંડ્યા..." નાલાયક, આ તારા લક્ષણ ? જિંદગીમાં પાછળથી પસ્તાશો... વગેરે.. વગેરે..." ને સૌમ્યનો એક જ બચાવ હતો " હું ફક્ત મારા મનની વાત સ્પષ્ટ સીધી રીતે કહી રહ્યો હતો... એ કંઈ જ ખોટું નથી ને મારી અંગત લાગણીઓ ક્યાંય મારા ભણતરને આડે નહીં આવે " સીધી વાત કરતાં આ આડા દીકરા સાથે એમણે એ દિવસથી બોલવાનું જ ઓછું કરી નાખ્યું.
સુધીરભાઈ જ્યાં મોટાં થયાં એ બાપીકા ગામમાં એક મોટાં ભવ્ય -મંદિર નું નિર્માણ થયું હતું. એનાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માં એ ગામ સાથે જોડાયેલા સર્વ ને આમંત્રણ હતું. ગામનાં જૂના મિત્રો એ સાથે મળી ખાસ પૂજા-જમણવાર નો કાર્યક્રમ પણ ગોઠવ્યો હતો.
આ માટે તો ગામ જવું જ છે.વર્ષોથી વિખૂટા પડેલા મિત્રો ને મળાશે...ખાસ તો અમી ને ! આવી હશે એ ? સાંભળ્યું છે કે એ ત્યાં થી નજીકના જ સીટીમાં રહે છે..એનું પિયર પણ હજી એ ગામમાં જ છે .એનો ગામ સાથેનો સંબંધ હજી મજબૂત જ હશે...હું ભૂલી ગયો છું ગામને ..અમી ને....વિચારતાં -વિચારતાં સુધીરભાઈ અટક્યાં.
ના..ના..અમી ને તો કેમ ભૂલાય એમની બાળભેરુ જે કોલેજ સુધી સાથે ભણી. બન્નેના કુટુંબ પણ પડોશી તે સારો સંબંધ.મોટા થયા પછી તો એમને અમીની હરએક વાત આકર્ષક લાગતી. એ એની આસપાસ રહેવા જ પ્રયત્ન કરતાં. અમી પણ એમને ખૂબ માન આપતી પણ સ્વભાવે એ ચંચંળ હરણી....એમને થતું આ ને તે કેમ બંધાય..? એમને યાદ આવ્યું ...કોલેજના દિવસોમાં બધા મિત્રો આઠમના મેળામાં ગયેલા..ત્યાં લાખની રંગબેરંગી બંગડીઓ જોઈને એમને અમી માટે લેવાનું મન થયું. ખુલતા ગુલાબી રંગની બારીક નકશીકામ વાળી જોડ એમણે ખરીદી ત્યાં તો સહેલી ઓ સાથે ફરી રહેલી અમી જ સામે ભટકાઈ....એમનાં હાથમાં રહેલ બંગડીઓ જોઈ ખુશ થતાં બોલી " મારા માટે છે ને ? "
એમની આંખોમાં હકાર વંચાતા બન્ને હાથ લંબાવી એ ઉભી રહી ગઈ...એમણે ધીમેથી એ બંગડીઓ એનાં હાથમાં મૂકી દીધી ને ત્યાંથી નીકળી ગયાં.મન તો ફફડતું હતું કોઈ મશ્કરી કરશે કે પછી કુટુંબ સુધી વાત પહોંચશે તો? પછી તો કોલેજ પતી. અમીના લગ્ન નક્કી થયા ને પોતે શહેરમાં આવી ગયાં..
કાર્યક્રમ ને દિવસે સુધીરભાઈ સ્વાભાવિક રીતે જ ખૂબ ચીવટથી તૈયાર થયા. પચાસ વર્ષે પોતે હજી હેન્ડસમ જ લાગે છે ! સંતોષ અનુભવતાં એ હોલ પર પહોંચ્યા. જૂના મિત્રો ને મળી જાણે અપૂર્વ આનંદ થતો હતો. અમી આવવાની હશે કે નહીં ? કોને પૂછાય ? ત્યાં જ એમનું ધ્યાન હોલના દરવાજે પડ્યું.
એક ઠસ્સાદાર કપલ પ્રવેશી રહ્યું હતું. ઓહ ! આ તો અમી ...સાથે એનો વર જ હશે. દેખાવમાં ઓકે..પણ આત્મવિશ્વાસથી ભરપૂર લાગે છે. એમણે વિચાર્યું...,એ લોકોને પોતે ઊભાં હતા એ તરફ આવતાં જોઈ ન જાણે કેમ એમનાં હ્રદયનાં ધબકારા વધી ગયા. ત્યાં જ અમીનું ધ્યાન એમનાં પર પડ્યું ને ઉમળકાથી એમનો હાથ પકડી પતિ સાથે ઓળખાણ કરાવી...પછી તો ગ્રુપમાં સૌ એકબીજાને મળવાનાં મસ્તીભર્યા માહોલમાં પડી ગયાં. થોડી વારે મુખ્ય મંદિરમાં આરતીની ઘોષણા થતાં થોડાલોકો ત્યાં ગયાં. અમીના વરે પણ આરતીમાં જોડાવાનું પસંદ કર્યું. થોડી શાંતિ થતાં જ અમી એની પાસે આવી અને બંને વાતો કરતાં એક બાજુ ખસીને ઊભાં રહ્યાં. હવે સુધીરે આંખ માંડી અમી તરફ જોયું..
હજી એવી જ નિર્દોષ-સુંદર લાગે છે ! ...ભરપૂર નજરે એને નિહાળતાં, એમની નજર એના હાથ તરફ ગઈ ને ત્યાં જ સ્થિર થઈ ગઈ......એમની નજરનું અનુસંધાન સાધતાં અમી એમની સામે જોઈ હસી પડી ને બોલી " આમ શું જુએ છે ? તું તો આ બંગડીઓ કંઈ બોલ્યાં વગર મારા હાથમાં મૂકી જતો રહેલો.પણ મેં એને સાચવી રાખી છે...... .ને જ્યારે જ્યારે તું યાદ આવે, ત્યારે -ત્યારે એ પહેરી લઉં છું. " સુધીરને એક અજીબ ખુશી મહેસૂસ થઈ પણ સાથે-સાથે એમના હૃદયમાં કશુંક તીવ્રતાથી વલોવાતું લાગ્યું..એમને થયું કાશ ! એ ઉંમરે મારામાં પણ મારા દીકરાની જેમ સીધી વાત કરવાની હિંમત હોત !!......તો આ કશુક ગુમાવ્યાની લાગણી ન હોત !.
બે દિવસ પછી સુધીરભાઈ ઘરે પહોંચ્યા કે તરત એમને સૌમ્યને મળવાની ઈચ્છા થઈ. એમણે એના રુમમાં ડોકીયું કર્યું ત્યારે એ ફોન પર બોલી રહ્યો હતો..કદાચ સામે સ્વીટી જ હતી. સુધીરભાઈ ને જોઈ એ બોલતો અટકી ગયો કે....એની પાસે જઈ, સ્નેહથી માથે હાથ ફેરવતાં એ બોલ્યાં..." કન્ટીન્યુ માય સન....તું તારા મનમાં હોય તે બિન્દાસ--સીધેસીધું બોલી શકે છે...સીધી વાત -સંવાદ જ અનેક સમસ્યાઓનું સમાધાન છે....."
સૌમ્ય આશ્ચર્યથી પપ્પાને જોઈ રહ્યો.