Prashant Subhashchandra Salunke

Inspirational

5.0  

Prashant Subhashchandra Salunke

Inspirational

મારી પહેલી શોર્ટફિલ્મ

મારી પહેલી શોર્ટફિલ્મ

4 mins
420


૧૨ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ મારા માતાશ્રી સુનંદાનું હાર્ટફેલને કારણે ઓચિંતું અવસાન થયું. આ ઘટના અમારા સહુ માટે આઘાતજનક હતી. મારા માટે મારી માતાજ સર્વસ્વ હતી. તેમના ઓચિંતા થયેલા અવસાનના આઘાતથી હું હતાશાની અવસ્થામાં સરી ગયો હતો. મારી એ અવસ્થામાંથી મને બહાર લાવવામાં પ. પૂ. ૧૦૦૮ શ્રી જ્યોતિર્નાથ મહારાજ, શ્રી હરેન્દ્રભાઈ પુરોહિત તથા શ્રી સંદીપભાઈ શાહ આ ત્રણ મહાનુભવોનો સહુથી મોટો ફાળો રહ્યો છે. એમ સમજો કે તેઓએ મારામાં આશાનું સિંચન કરી મને પુનઃજીવિત કર્યો હતો.


મારી માનસિક અવસ્થા ઠીક થતાં મારા ધ્યાનમાં આવ્યું કે મારા પિતાજી ખૂબ ઉદાસ રહેતા હતા. આમ સ્વભાવે તેઓ ખૂબ કડક તેથી કોઈને કશું કહેતા નહોતા. બસ પોતાનીજ દુનિયામાં તેઓ ખોવાયેલા રહેતા. કોઈની સાથે કશું બોલવું નહીં, ક્યાંયે જવું નહીં. બસ એકાંતમાં જાણે દુનિયાની કશી ફિકર ન હોય તેમ તેઓ એકલા એકલા રહેવા લાગ્યા. વાત વાતમાં તેઓ બોલતા થયા કે હવે મારે કેટલું જીવવાનું છે. હું અને મોટાભાઈ સમજી ગયા કે માતાશ્રીના દેહાંતને લઈને પિતાજી ખૂબ જ હતાશ થઈ ગયા છે. અમે તેમને સમજાવવા માંગતા હતા પરંતુ તેમની સામું બોલવું કેવી રીતે ? જેમ હું મારા માતાશ્રીનો વહાલો હતો તેમ મોટાભાઈ પિતાજીના વહાલા છે. તેમની ઉદાસી જોઈ મોટાભાઈ પણ ચિંતિત રહેવા લાગ્યા.


એક રાતે મેં સ્વપ્નમાં મારા પિતાજીને ઘરના એક ખૂણે ખૂબ ઉદાસ બેઠેલા જોયા. હું તેમની બાજુમાં બેઠો હતો. તેઓ બોલ્યા, “બેટા, હવે મારું આ દુનિયામાં શું કામ ? શું મારે જીવવું જરૂરી છે ?”

સ્વપ્નમાં મેં જોયું કે પિતાજીની વાત સાંભળી મારું મોઢું ઉતરી ગયું હતું. પરંતુ બીજીજ ક્ષણે મેં ઘરમાં આવેલી તમામે તમામ જૂની વસ્તુઓ ઉઠાવીને બહાર ફેંકવા માંડ્યો. આ જોઈ મારા પિતાજીએ ગુસ્સાથી મને પૂછ્યું, “બેવકૂફ આ શું કરે છે ?”

મેં કહ્યું, “પિતાજી, આ બધી વસ્તુઓ જૂની થઇ ગઈ છે. એટલે હવે તે આપણા માટે નકામી છે બસ એટલે જ તેમને ઘરમાંથી કાઢી બહાર ફેંકી રહ્યો છું.”

સ્વપ્નમાં દેખાતા મારા પિતાજી આ સાંભળી બોલ્યા, “આ બધી વસ્તુઓ જૂની છે એટલે જ તો કિંમતી છે. ઓલ્ડ ઈઝ ગોલ્ડ... પેલી જૂની તસવીરની કિંમત તું જાણે છે ?”

મેં હસીને કહ્યું, “પિતાજી, ઓલ્ડ ઈઝ ગોલ્ડ એ હું સારી રીતે જાણું છું. પરંતુ શું તમે એ વિષે જાણો છો ? માતાશ્રીના અવસાન બાદ આ ઘરને... આ પરિવારને... તમારી તાતી જરૂરિયાત છે. તમે જ જો હતાશ રહેશો તો કેવી રીતે ચાલશે ?”


આ સાંભળી મારા પિતાજી સ્તબ્ધ થઇ ગયા અને મને વળગીને તેઓ રડી પડ્યા.

આ સ્વપ્ન જોઈ મેં સંતોષથી આંખો ખોલી. મને મારા પિતાજીને સાચો માર્ગ દેખાડવાની દિશા મળી ગઈ હતી પરંતુ સ્વપ્નને વાસ્તવિકતામાં બદલવું કેવી રીતે ? જો સ્વપ્નની જેમ હું ખરેખર ઘરની જૂની વસ્તુઓ ફેંકવા માંડું તો મારા પિતાજી મને ઘરમાંથી ઊંચકીને બહાર ફેંકી દે ! અચાનક મારા મગજમાં એક ઝબકારો થયો. હું મારા મસ્તિષ્કમાં સ્ફૂરેલી યોજના અંગે વિચારીજ રહ્યો હતો ત્યાં વડીલશ્રી હરેન્દ્રભાઈ મારા ઘરે આવ્યા. મને આમ વિચાર કરતો જોઈ તેમણે મને પૂછ્યું, “માય ડીઅર બોય, નવી વાર્તા વિષે વિચારે છે કે શું ?”

મેં કહ્યું, “ના કાકા, નવી વાર્તા વિષે નહીં પરંતુ શોર્ટ ફિલ્મ વિષે વિચારી રહ્યો છું.”

તેઓએ કુતુહલતાથી પૂછ્યું, “શોર્ટ ફિલ્મ ?”

મેં રાતે જોયેલા સ્વપ્ન અંગે તેમણે જણાવતા કહ્યું, “કાકા, હું મારા સ્વપ્ન પર એક શોર્ટ ફિલ્મ બનાવવા માંગું છું. મારા પિતાજી જો એ ફિલ્મ જોશે તો આપમેળે મારી વાતને સમજી જશે.”

હરેન્દ્રભાઈએ કહ્યું, “પરંતુ તારા પિતાજી શોર્ટ ફિલ્મમાં કામ કરવા તૈયાર થશે ?”

મેં કહ્યું, “ફિલ્મમાં મારા પિતાજીનો રોલ તમે કરી રહ્યા છો.”

હરેન્દ્રભાઈએ એકદમ ઉત્સાહથી કહ્યું, “અરે વાહ! આ તો મારો પ્રિય વિષય છે. મજા આવશે.”


બસ પછી તો શું... મેં તરત સ્વપ્નમાં જોયેલી ઘટનાની સ્ક્રીપ્ટ તૈયાર કરી. ત્યારબાદ ઘણા દિવસો શુટિંગની તૈયારીઓ ચાલી અને આખરે મારી પહેલી શોર્ટ ફિલ્મ “શું જીવવું જરૂરી છે ?” ૩ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ યુટ્યુબ પર પ્રદર્શિત થઇ. મારા પિતાજી એ જયારે તે જોઈ ત્યારે ફિલ્મ બનાવવાનો મર્મ સમજી ગયા. તેઓ કંઈ બોલ્યા નહીં પરંતુ માથે વહાલથી હાથ મુકીને કહ્યું, “ખૂબ સરસ ફિલ્મ બનાવી છે.”


લોકોને પણ મારી શોર્ટ ફિલ્મ ખૂબ ગમી. અમારા વિસ્તારમાં આવેલી વિદ્યાકુંજ હાઈસ્કુલના પ્રિન્સિપાલ શ્રી ઘનશ્યામભાઈ સોલંકીએ જયારે યુટ્યુબ પર એ શોર્ટ ફિલ્મ જોઈ ત્યારે તેઓ ખૂબ ખુશ થયા. તેઓએ મને મળી તેમની શોર્ટફિલ્મને તેમની વિદ્યાકુંજ હાઈસ્કૂલમાં દેખાડવાની ઈચ્છા વ્યક્ત કરી. એ સાંભળી હું ખૂબ ખુશ થયો. આમ મારી એ શોર્ટ ફિલ્મને વિદ્યાકુંજ હાઈસ્કુલમાં મોટા પડદે વિધાર્થીઓને દેખાડવામાં આવી. ત્યાં કુલ પાંચ શો દેખાડ્યા બાદ મારી શોર્ટ ફિલ્મના સર સયાજી વિહાર હાઈસ્કુલ અને બીજી ઘણી જગ્યાઓએ જાહેર શો થયા.


મારી ફિલ્મ બાદ મારા પિતાજી તેમના જીવનનું મુલ્ય સમજી જતા આજે તેઓ ખૂબ ખુશ રહે છે. મને એ કહેતા આનંદ સાથે ગર્વની લાગણી થાય છે કે મેં જોયેલું સ્વપ્ન માત્ર સાચું જ નહીં પડ્યું પરંતુ શોર્ટ ફિલ્મ સ્વરૂપે આજે ઘરેઘરે જોવાઈ અને વખણાઇ રહ્યું છે. આપશ્રી પણ તેને યુટ્યુબ પર નિહાળી શકો છો. તો જોશોને મારી પહેલી શોર્ટફિલ્મ “શું જીવવું જરૂરી છે ?"


Rate this content
Log in

Similar gujarati story from Inspirational