શું છે પ્રેમ ?
શું છે પ્રેમ ?


સમયના પરિવર્તનની સાથે પ્રેમની સંકલ્પના પણ બદલાઈ હોય એવો અહેસાસ થાય છે. આજે સૌ કોઇ પ્રેમને સમજવામાં તલપાપડ છે. પ્રેમ એટલે શું? પ્રેમ કોને કહી શકાય? પ્રેમ કોને કરી શકાય? કયો પ્રેમ સાચો અને કયો પ્રેમ ખોટો? પ્રેમ કયા સમયે અને કઈ ઉંમરે થાય? પ્રેમમાં શું હોય?
આવા અનેક સવાલોથી આજનું યૌવન અસમંજસ અનુભવે છે. દરેકના મનમાં, દિલમાં આવા હજારો સવાલો સળવળાટ કરી રહ્યા છે. જેના જવાબો કોણ આપી શકે. આપી શકે તો સાચા કે કેમ?
પ્રેમને સમજવા કરતા માણવો ખુબજ ફાયદાકારક છે. પ્રેમને સમજી ન શકાય. પ્રેમને સમજવા કરતાં એને હૃદયનાં કુંજ કુંજમાં માણવો જોઈએ. પ્રેમએ કરવાનો, અનુભવવાનો અને માણવાનો વિષય છે. પ્રેમની સંકલ્પના સમજવા માટે કૃષ્ણ અને રાધા, મીરાં અને કૃષ્ણ, રામ અને લક્ષ્મણ, સુદામા અને કૃષ્ણ બનવું પડે. પ્રેમમાં લાગણી હોય, ભાવ હોય, નિકટતા હોય, સાદગી હોય, હૂંફ હોય, કોમળતા હોય, ત્યાગવૃતિ હોય, સમભાવ હોય.
પ્રેમને વ્યાખ્યામાં બાધિત ન બનાવી શકાય. પ્રેમ શબ્દ નાનો છે પરંતુ વિશાળતા ધરાવે છે. પ્રેમએ અખુટ સાગર છે, જયા કયારેક ભરતી તો કયારેક ઓટ આવી શકે, પરંતુ કયારે તે અટકી શકતો નથી.
પ્રેમને સમજવા માટે આપણે કૃષ્ણ જેવા બનવું પડે, કાં તો સુદામા બની યાતના વેઠવી પડે. પ્રેમમાં અર્પણ અને તર્પણ બંન્ને સરખા હોવા જોઈએ. પ્રેમને પામવા મીરાં જેમ ભકિતમાં લીન બનવું પડે. પ્રેમ કૃષ્ણ બની મીરાંની જેમ પરીક્ષા લઈ શકે પરંતુ ખરા ઉતરવાની હિંમત પણ રાખવી જોઈએ. પ્રેમમાં રામની જેમ ત્યાગવૃત્તિ પણ હોવી જોઇએ.
પ્રેમ સકળ સૃષ્ટિના પ્રત્યેક જીવસૃષ્ટિને કરી શકાય. પ્રેમ કરવા માટેનું ક્ષેત્ર મર્યાદિત ન હોઈ શકે. આપણે માનવ જાત તરીકે માતા, પિતા, ભાઈ, બહેન, સ્નેહીજનો, દોસ્તો ને પ્રેમ કરી શકીએ અને કરવો પણ જોઈએ.
પ્રેમમાં વાસના, સ્વાર્થભાવ, લાલચ, લોભ, મોહને કોઈ સ્થાન નથી. આવા ગુણોથી જે ભરેલો હોય એ પ્રેમ ન હોય. આમ, પ્રેમની ઉંમર પણ કોઈ નિશ્ચિત હોઈ ન શકે. માતા પિતા માટે પોતાના દિકરા પ્રત્યેનો પ્રેમ દિકરાની ચાલીસ વર્ષની ઉંમરે પણ એટલો જ હોય.
બસ, પ્રેમને જીવનભર માણતા રહો.