અપરિચિત ચહેરો 1
અપરિચિત ચહેરો 1


કોલેજની બહાર ડાયાકાકાની કીટલી પર મિત્રોનું ટોળું રોજની જેમ ગોળાકાર રીતે ટેબલ પર ગોઠવાઈ ગયું. પ્રતાપે બુમ મારી એ છોટું ... છોટું... છો...... ટું... હાથના ઈશારા સાથે પ્રતાપે બધા માટે કટીંગ ચા નો ઓર્ડર આપ્યો. ઓર્ડર આપી પ્રતાપ અને બધા મિત્રો પાછા વાતોના ગપાટા મારવામાં પરોવાઈ ગયા. કોઈ ક્રિકેટ તો કોઈ રાજકારણ અને પાછો પ્રતાપ તો જબરો રસિયો વેપારનો. એટલે એ તો વાતો પણ કરે વેપારની. ડાયાકાકાની કીટલી પર દેશના મોટા મોટા નિર્ણય લેવાતા નજરે પડે. વાતોમાં એટલા પરોવાઈ ગયા કે કટીંગ ચા નો ઓર્ડર પણ ભુલાઈ ગયો જાણે. ત્યાં ઓલા છોટું એ બુમ મારી લ્યો આ મસાલેદાર કટીંગ ચા... બધાએ હાથમાં ચા લીધી ને કોઈએ ચુસકી લગાવી તો કોઈએ હજુ મોઢે લીધી.
ત્યાં તો અચાનક કોલેજના ગેટ પર સડસડાટ કરતી એક મોંધી ધાટ કાર આવીને ઊભી રહી. બધાની નજર એ તરફ ગઈ.હાથમાં ચા નો કપ અને આંખોની નજર પેલા કોલેજના ગેટ પર. કારનો દરવાજો ખુલ્યો. ચાલક નીચે ઊતરી ને પાછળની સીટ તરફ ગયો. આ દ્રશ્ય ચાની કીટલી પર બેઠેલા મિત્રો એકી ટશે જોઈ રહ્યા હતા. આજ પહેલાં કયારેય કોલેજમાં ન જોયેલી કાર, ચાલક જોઈ બધા કુતૂહલ અનુભવવા લાગ્યા.
કાર ચાલકે પાછળ જઈ કારનો દરવાજો ખોલ્યો. કારની પાછળની સીટ પરથી એક સ્ત્રી નીચે ઊતરી. એનું મુખ કોલેજ તરફ અને પીઠ ચા ની કીટલી બાજુ. સુંદર સાડીથી સુશોભિત ભારતીય સંસ્કૃતિની પ્રતિતી થતી હોય એમ. એક હાથમાં ખભે પર્સ લગાવેલ. બીજા હાથમાં બુકસ. વાળ પાછળથી મંદ મંદ પવનમાં લહેરાતા હતા. એકદમ યુવાન સ્ત્રી. દ્રશ્ય પહેલા કયારેય જોવા મળેલ નહિ. આ દ્રશ્ય જોઈ બધા અવઢવ માં પડયા. કેટકેટલાય પ્રશ્નો મનમાં ભમવા લાગ્યા. કોણ હશે આ સાડી વાળી સ્ત્રી? આવી મોધી કારમાંથી ઉતરેલી આવી સ્ત્રી કોણ? પહેલા કોલેજમાં ન જોયેલી આવી સ્ત્રી કોણ? કોલેજના નવા પ્રોફેસર હશે કે પછી નવા પ્રિન્સિપલ હશે? કોલેજના ટ્રસ્ટીની છોકરી હશે કે કેમ? અનેક પ્રશ્નોનો સળવળાટ મગજમાં સળવળાટ કરવા લાગ્યો ત્યાં જ એ સ્ત્રી સીધી જ કોલેજની અંદર . બધા મિત્રો આ સ્ત્રી ને જોઈને ચા ની ચુંસકી સાથે પાછા આ સ્ત્રી વિશે અનેક તર્કવિતર્ક સાથે અનુમાન લગાવવા લાગ્યા.
કોઈ કહે કોલેજના નવા પ્રિન્સિપલ હશે... કોઈ કહે ના એતો ફિઝિક્સ ના નવા પ્રોફેસર મેડમ હશે. કોઈ કહે એતો કોલેજના ટ્રસ્ટીની છોકરી હશે... જોઈ નહિ કેવી મોંધી કારમાંથી ઉતરી સાથે કારનો ડ્રાઈવર પણ હતો ને. ત્યારે પ્રતાપ બોલ્યો અલ્યા જપો હવે બધા, ચાલો, કોલેજની અંદર જઈને જાતે જ નકકી કરીએ કે આ ખુલ્લા હવામાં લહેરાતા વાળ વાળી, નવી સાડીથી સજજ, એક હાથમાં પર્સ વાળી સ્ત્રી કોણ છે. બધાએ પ્રતાપને વાત માની ને ગયા કોલેજમાં.
બધા કોલેજની અંદર ગયા તો પેલી સ્ત્રી તો કોલેજના કાર્યાલયમાં એક ખુરશી પર બેઠી હતી, સામે કોલેજનો કલાર્ક કંઈક કાગળિયા બતાવતો હતો ને વાતો કરી રહ્યો હતો. પેલી સ્ત્રીનો ચહેરો હજુ સુધી બરાબર જોઈ શકાયો ન હતો, પરંતુ એનો મધુર હળવાશ ભરેલ અવાજ મંદમંદ કાનને સ્પર્શી રહ્યો હતો. પ્રતાપે અને બધાએ આ સ્ત્રી કોણ એ નકકી કરવા, એનો ચહેરો જોવા ખૂબ જ પ્રયત્ન કર્યા પણ એ સમયે ન જોઈ શકયા કે ન સમજી શકયા કે આ સ્ત્રી કોણ?
પ્રતાપે નકકી કર્યું કે આજે તો આ અપરિચિત સ્ત્રી કોણ એ જોવું જ છે. પણ, ત્યાં તો રિસેસ પુરી થઈને લેકચરમાં બેસવાનો બેલ વાગી ગયો... પ્રતાપ અને બીજા મનમાં વિચારો કરતા કરતા લેકચરમાં બેસી ગયા. ન લેકચરમાં ભણવામાં જીવ ચોટેં કે ન પ્રોફેસર બોલેલું કાનમાં પડે. પણ, બીજુ કંઈ કરી શકાય એમ જ નહિ. આમ, જ ગડમથલમાં દિવસ પસાર થઈ ગયો, કોલેજ છુટી ગઈ. પ્રતાપ સ્રીને જોવા દોટ લગાવી પણ ત્યાંતો ન તો એ સ્ત્રી હતી કે ન તો એ ગાડી. પ્રતાપ કોલેજના કાર્યાલય તરફ દોડયો પણ કલાર્ક પણ કાર્યાલય બંધ કરી ગયા હતા. પ્રતાપ અફસોસ સાથે નિસાસો નાખતો પરત ફરી રહ્યો હતો.
ક્રમશઃ