શુભ વિવાહ
શુભ વિવાહ


ગોવાના દરિયા કિનારે બેઠા બેઠા કુમુદ પોતાના હર્યા ભર્યા પરિવારને જોતી રહી, દીકરી, જમાઇ અને તેમનો પાંચ વર્ષનો પુત્ર શૌર્ય તેમની જ મસ્તીમાં ફરતા હતા જ્યારે પુત્ર જેના હમણાં જ થોડા સમય પહેલાં લગ્ન થયા હતાં તે પોતાની પત્ની સાથે મસ્તી ભરી ગુફ્તેગો કરવામાં વ્યસ્ત હતો. ઢળતાં જતાં સૂરજ સાથે કુમૂદના મનમાં પણ એક ગાંઠ બંધાતી જતી હતીને એક ગાંઠ છૂટતી જતી હતી. સૂકા રણ સમા હૃદયમાં નાના અમસ્તા સપનાની કૂંપળો ફૂટી ચૂકી હતી.
ગોવા ફરીને ઘરે આવ્યા કે બીજા દિવસે સાંજે જમ્યા બાદ તેણે દીકરી, જમાઇ અને દીકરા અને વહુ બધાને સાથે બેસાડ્યા અને પોતાના હૈયાની વાત હિમંત પુર્વક શાંતિથી હોઠે લાવી દીધી 'જુઓ બાળકો હું સીધી વાત જ કરીશ, ગોળ ગોળ ફેરવીને વાત નથી કરવી હું ફરી લગ્ન કરવામાંગું છું' વાત સાંભળી ઘરમાં જાણે બોમ્બ ફૂટયો.
દીકરી તો તરત જ ભડકી ઉઠી "હજુ તો પાપાના મૃત્યુને બે જ વર્ષ થયા છેને તારે બીજા લગ્ન કરવા છે તે પણ હવે આ ઉંમરે,કેટલીય સ્ત્રી ઓ યુવાન વયે વિધવા થાય છે ને તો પણ આખી જીંદગી બાળકોને સહારે વિતાવી દે છે ને તારે પચાસ વર્ષની થઇ, હવે લગ્નના અભરખા છે, બધા અમારી હાંસી ઉડાવશે તને ભાન છે તું શું કરવામાંગે છે તે."
દીકરો પણ પાછો પડે એમ ન હતો તે પણ બોલી ઉઠ્યો, 'અમે બધા તુ ખુશ રહે તેના માટે કેટલુ કરીએ છે તારે જ્યાં જવુ હોય હુ તને લઇ જાવ છું જે તારે પહેરવુ ઓઢવુ હોય તે લાવી દઇએ છે, તને બધી જ સુવિધા આપીએ છે, હજુ તને શું ખુટે છે તે સમાજમાં અમારૂ નાક કપાવવુ છે તારે. વહુ અને જમાઇને પણ વાત થોડી અજુગતી લાગી પણ તેમણે ચૂપ રહેવાનું જ પસંદ કર્યું.
કુમુદે શાંતિથી એ લોકોની વાતો સાંભળી લીધી. બીજો કોઇ સમય હોત તો તે પણ તેમની સાથે દલીલમાં ઉતરી પડી હોત પણ તેને ખબર હતી કે આ વાતનો વિરોધ થશે અને તેણે ત્યારે જ વિચારી લીધુ હતું કે સમજાવટથી અને બધાની મંજૂરીથી જ તે આગળ વધશે. તેણે બંને બોલવા દીધા, તેની દીકરી તો રૂમમાં મૂકેલા પિતાના ફોટા આગળ જઈને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તેણે રસોડામાં જઇ પાણી લાવીને તેને પીવડાવ્યુ અને તેને છાતી સરસી ચાંપી દીધી.
તેના શાંત થતા કુમુદે બોલવાનું શરૂ કર્યું -
'તમે ચારેય મારા હ્દયના ટુકડા છો, તમને દુઃખી કરી કે તમારી મરજી વિરૂધ્ધ હું કોઈ નિર્ણય નહીં લઉં એટલો વિશ્વાસ રાખજો. પણ સાચા દિલથી એટલુ કહો કે શું તમે ચારેય જણાં એકબીજા વગર રહી શકો છો ? જેમ તમે એકબીજાને પ્રેમ કરો છો તેમ હું પણ તમારા પાપાને કરૂ છું પણ હવે જ્યારે તે નથી ત્યારે આ ઉંમરે મારે માનસિક સપોર્ટ માટે, મને સમજી શકે એવા માણસની જરૂર તો ખરી જને. સાચી વાત છે કે તમે જ્યારે બહાર જાવ છો ત્યારે મને પણ સાથે લઇ જ જાવ છો પણ સાથે લઇ જવામાં અને સમય આપવામાં ફેર છે. તમે તમારી દુનિયામાં ખુશ છો એ જોઈને મારૂ હૈયુ જેટલુ હરખાય છે તેટલું જ મારી પોતાની એકલતા જોઇને તે ડરી પણ જાય છે. હું ખૂબ નસીબદાર છું કે મારી દરેક જરૂરિયાતને તમે મારા કહ્યા વિના પૂરી કરો છો પણ મનને પણ લાગણીની જરૂર હોય છે, એક સાથીની જરૂર આ ઉંમરે જ તો વધારે હોય છે. માત્ર શરીરની એક જરૂરિયાત નથી હોતી મનની હૈયાની પણ હોય છે. આખો દિવસ તમે એકબીજા સાથે વિતાવો છો છતાં પણ જો કલાક કામ માટે બહાર જાઓ તો એકબીજાને ફોન કરી સતત શું કરે ? શું ખાધુ ? ક્યા છે ? કેટલી વાર ? એમ ચિંતા કરતા રહો છો તો મને પણ એમ થાયને કોઇ મારી પણ આવી રીતે કાળજી કરે."
કુમુદની આંખમાં આસુ તગતગી ઉઠ્યા, તેની દીકરી અને દીકરો તેને વળગી પડ્યા, અને બોલી ઉઠ્યા અમને અફસોસ છે મા કે તારી લાગણી અમે સમજીના શક્યા. વહુ એ તરત સાસુ માનો મોબાઇલ લઇ લીધો અને બોલી ઉઠી, ચાલો હવે કામે લાગો શુભ વિવાહ એપ પર કામે લાગી જાઓ. મમ્મી માટે લાયક હોય તેવો મૂરતિયો સોરી પપ્પાજી પણ શોધવા પડશેને ? બધા તેની વાત સાંભળીને ખડખડાટ હસી પડ્યા.