Parool Mehta

Romance Thriller

5.0  

Parool Mehta

Romance Thriller

શ્રાવણી

શ્રાવણી

9 mins
632


              

સ્ટેશન પર આજે ચિક્કાર ભીડ હતી. હારતોરા અને પ્રશ્નોની વર્ષા વચ્ચેથી સૌનો હાથ ઊંચા કરીને બ્રીજકિશોરે આભાર વ્યક્ત કર્યો. લોકોની ભીડ વચ્ચેથી એમને સુખરૂપ ખસેડવાનું ખૂબ કપરું હતું. પોલીસનો આછો પાતાળો બંદોબસ્ત હતો.

“જનાબ,ઇસ તરફ.”

ફાઇવસ્ટાર હોટેલના રિસેપ્શનમાં પ્રવેશતાં જ વળી પાછો લોકોનો ધસારો ઊમટી પડ્યો. જોકે અહીં સુષ્ઠુ સમાજવાર્ગમાંથી આવેલા મોભીઓ, શ્રેષ્ઠીઓ હતા જે હસ્તધૂનન કરીને અદબથી એકબાજુ ઊભા રહી ગયાં હતાં.

સફેદ લાંબી દાઢી,ચશ્મા અને સોહામણા આકર્ષક ચહેરા વચ્ચેથી ચકળવકળ આંખો જાણે કોઈ ખાસ વ્યક્તિને શોધી રહી હતી. માનો કોઈ મનોહર રાગાવલીનો આરંભ થઈ રહ્યો હતો.

આવકાર હૉલ સુંદર રીતે સજાવવામાં આવ્યો હતો. ભરચક હૉલને પાછળને દરવાજે ગોકીરો વધવા માંડ્યો. ભીડને ખસેડતાં બે કમાંડો આગળ આવ્યા. ભીડની ઉત્કંઠા ઉત્સાહમાં પરિણામી. સૌ કોઈ ઊંચાં થઈ થઈને પાછળ મીટ માંડી રહ્યા.

સફેદ ધોતી અને પીળા સિલ્કના પહેરવેશમાં ખભે અંગૂછા સાથે બ્રીજકિશોર દાખલ થયા. ગૌર વર્ણ અને પાતળું ઊચું કદ. વંદનની મુદ્રામાં બે હાથ ઊંચાં કરીને એમણે સૌને વંદન કર્યાં,પણ સૌની નજર તો એમની પાછળ આવતી એમની હંમેશાની સંગીની શર્વરી માથુર પર હતી. એમની સદાની સંગાથી. ઉચ્ચ ગ્રિવા ધરાવતી,સુંદર અને નાજુક. એના વિશાળ નયનોમાં જાણે એણે કેટલુંયે માર્દવ છુપાવ્યું હતું!


હોટેલનો સ્ટાફ પણ આજે ખાસ પ્રકારની સરભરામાં લાગી ગયો હતો. અને શા માટે ના હોય? સદીનો મહાન સંગીતકાર બ્રીજકિશોર એમનાં શહેરમાં આવ્યો હતો અને એમની હોટલને શોભાવી રહ્યો હતો.

“અનીલભાઈ,અબ આપ જાઓ, હમ થોડા આરામ કરંગે, રાતકો કિતને બજે નીકલના હૈ? હાં,હાં,આપ કૉલ કરોગે મૈં તૈયાર રહૂંગા. ”

બ્રીજકિશોરને શહેરમાં એમનાં ૭૫મી વરસગાંઠની ખુશીમાં મોટું સમ્માન મળી રહ્યું હતું. દરબાર હોલમાં રાત્રે એનો મોટો સમારંભ હતો. શહેરના શ્રેષ્ઠીઓ, ચાહકો અને સંગીતના જાણકાર રસિકજનોની ઊપસ્થિતી હતી. સમૂહ પ્રાર્થના,બાલિકાઓનું નૃત્ય, શહેરના ઊભરતા શાસ્ત્રીય કલાકારોનું ગાયન અને અંતે પંડિત બ્રીજકિશોરજીના ભૈરવીગાનથી સમારંભની સુપેરે પૂર્ણાહૂતિ થઈ.

 “સર,ગાડી આ ગઈ હૈ,બારીશ હૈ એટલે હું તમારી સાથે જ હોટલ સુધી આવું છુ.”


“દેખો અનિલ, હમ અકેલે ચલે જાયેંગે,આપ કષ્ટ ન કરેં. ” એમ કહી પોતાના ખાસ શાગિર્દ મણિલાલ સાથે બ્રીજકિશોર બેઠા અને ગાડી હોટલ તરફ રવાના થઈ.

પંડિતજી કાચ ઉતારી બારીની બહાર જોઈ રહ્યા. આ એમનું પ્રિય શહેર. કેટલું આપ્યું હતું આ શહેરે એમને! માનમરતબો, સુખસાહયાબી તો ખરાં જ પણ એ મેળવતાં પહેલાં જે કપરી પરીક્ષાઓ એમને પસાર કરવી પડી હતી એ સઘળું એમને યાદ આવી રહ્યું હતું. અચાનક વરસાદનું ઝાપટું આવ્યું અને એમનો ચહેરો લગાતાર વાછંટથી ભીંજાઈ ગયો અને એ માદક ભીનાશે એમને યાદ અપાવી એક ખાસ વ્યક્તિની! શ્રાવણીની. શ્રાવણી એટલે એમના જીવનનું ગોપિત છતાં અભિન્ન સત્ય! શ્રાવણી એટલે એમના અસ્તિત્વનો પર્યાય,એમનો પ્રથમ પ્રેમ.


  “દેખીએ ડ્રાઈવરસાહાબ, ગાડી સારંગપૂર લે લીજીએ. મૂજે છોડકે મણિલાલકો હોટેલ છોડ દીજીએગા. નહીં મણિલાલ,ફિકરકી કોઈ બાત હી નહીં. યે મેરા શહર હૈ. તુમ ચલો.” કહી બ્રીજકિશોરે ભૂરા આકાશ તરફ મીટ માંડી. સારંગપૂર દરવાજે એમને ઉતારે ગાડી જતી રહી. વરસાદ થોડો રોકાઈ ગયો હતો. છતાં હવામાં ભીનાશ હતી. પ્યારની ભીનાશ,એક તરસની ભીનાશ. વરસાદના એક છાંટે બ્રીજકિશોર જાણે કે વીસ વરસના કિશોરમાં રૂપાંતરિત થઈ ગયા હતા. એમણે એક ચાવાળાની નાનકડી દુકાનમાં પ્રવેશ કર્યો.

“આવો સાહેબ,અરે છોટુ,સાબ માટે સ્ટ્રોંગવાળી બાદશાહી લાવ. ”

“ઔર મસ્કાબન ભી,ભીમજી. ” બ્રીજકિશોરે કહ્યું. ભીમજી શબ્દ સાંભળીને માલિકના કાન ઊંચાં થયાં. સાહેબ હું ભીમજી નથી. પ્રતાપ છું.

હવે બ્રીજકિશોર બેંચ પર પલાંઠી મારીને બેઠા. અચ્છા તો તુ ભીમજીનો નાનોભાઈ પ્રતાપ છે? ભીમજી ક્યા ગયો? બોલાવ એને. ”

“સાહેબ આપ કોણ છો? અને મારું નામ ક્યાંથી જાણો છો?”

બ્રીજકિશોરે પોતાની ઓળખાણ આપી ત્યારે પ્રતાપ નવાઈ પામી ગયો. એને એની નાની બેન શ્રાવણી યાદ આવી ગઈ. થોડીઘણી ઉપરછલ્લી વાતો કરી,“કલ ફિરસે આઉંગા.” વાયદો કરી,બ્રીજકિશોર હોટલ પર પાછા પહોંચી ગયા.


રાત આખી બેચેનીમાં પસાર થઈ. બ્રીજકિશોરને થયું કે બધાની વાતો યાદ કરી,બધાના ખબર પૂછ્યા,પણ એનું નામ જીભ પર લાવી શક્યા નહીં. એ નામ,જેના ઉચ્ચારવા માત્રથી એ પુલકિત થઈ જતા હતા. એ નામ,જેના હોઠ ઉપર આવવા સાથે એક તરસ જનમતી હતી!

‘શ્રાવણી’! અને આજે પંચોતેર વટાવી ચૂકેલ સદીનો મહાન સંગીતકાર બ્રીજકિશોર,એકાએક પચાસ વરસ પાછળ ફાંગોળાઈ ગયો.

“બાપુ જુઓને કિશોરે મારા હાથ પર કેવો સુંદર મોર ચીતર્યો?. પણ મારા જેવો તો તું દોરી જ ના શકે હોંકે! પણ મોરલા તો બન્નેની છાતીમાં બેસીને ક્યારનાય ટેંહૂક ટેંહૂક કરવા માંડ્યાં હતાં. બ્રીજ્કિશોરે અડધી રાતે ડાબા હાથ ઉપર ઊપસેલાં મોરનાં છૂંદણાને પંપાળ્યું. રાત આખી ગહેંકી ઊઠી.


એક તરફ શ્રાવણીના પિતાજીએ એમનો કરેલો અસ્વીકાર અને બીજી તરફ અચાનક જ મળેલી વિદેશ જવાની તક,આ બંનેની વચ્ચે સુંદર મજાનો નિર્દોષ,કોમળ પ્રેમ પાંગરવાની મોસમ ગોમાવી બેઠો.

શ્રાવણીના ખબર તો છેલ્લે એમને મળ્યા હતાં ત્યારે એ બનારસ હતી. વળતી સાંજે જ તેઓ બનારસ પહોંચી ગયા હતા. ભીડભરેલા શહેરમાં મણિલાલ એમને હમીદાબાઈની હવેલીમાં લઈ ગયો હતો ત્યારે એમનું હ્રદય થડકારો ચૂકી ગયું હતું. શ્રાવણીને આવી જગ્યા પર પહોંચાડવા માટે એ પોતાને કારણભૂત માનતા હતા. પણ ઈશ્વરનું કરવું તે શ્રાવણીને શોધતી એમની આંખોને કોઈ બીજી જ શ્રાવણી મળી હતી. એક ઠંડા હાશકારા સાથે,

 “માફ કારના,હમ કિસી ઓર શ્રાવણીકો ઢૂંઢ રહે હૈ. ” કહી ભારે હૈયે બ્રીજકિશોર અમદાવાદ પાછા ફર્યા હતાં.


અમદાવાદમાં એક તરફ શ્રાવણીનો વિરહ અને બીજી તરફ એમના ગાયનની વધતી જતી ખ્યાતિએ જોર પકડયું હતું. દેશવિદેશમાં એમના જલસા મશહૂર થઈ રહ્યા હતા. મોંઘામૂલાં પારિતોષિકો અને ખિતાબોથી હવે બ્રીજકિશોરનો સિતારો આસમાને ચઢ્યો હતો. બૂલંદીના આવા સમયમાં પણ એક ખૂણે એમને શ્રાવણીની યાદ કોરી ખાતી હતી.

મણિલાલને જ્યારે જ્યારે શ્રાવણીના ખબર મળતા,એ બ્રીજકિશોર પાસે પહોંચી જતા. પણ બ્રીજકિશોર હવે એમ હાથમાં આવે એમ ન હતું.

એક દિવસ વિલાયતથી પાછા ફરી રહેલા બ્રીજકિશોરને એરપોર્ટના લોંજમાં મણિલાલનો ભેટો થઈ ગયો.

“અરે મણિ,ક્યાં હતો તું?” “શું કઈ ખાસ છે?” મણિલાલના ચહેરાને વાંચી લેતા બ્રીજ્કિશોરે પૂછ્યું, તો જવાબમાં,

“હા પંડિતજી, શ્રાવણી. . . ,કલકત્તા જવું પડશે.” કહી ગળગળા થઈ ગયેલા મણિલાલને બ્રીજકિશોરજી ભેટી પડ્યા અને પછી સીધી કલકત્તાની ફ્લાઇટ પકડી.


દક્ષિણ કલકત્તામાં વસેલ કાલિઘાટ મંદિરે ટેક્સી આવીને ઊભી રહી ત્યારે સંધ્યાકાળ થઈ ચૂક્યો હતો એટલે રાત ભવાનીપુરમાં ‘માલિક ગેસ્થાઉસ’માં રોકાવું પડ્યું હતું.

બીજી સવારે ઉબર ‘ઈંડિયન સિનેમા’ વટાવી ‘રામકૃષ્ણ મિશન’ થઈને લગભગ દસેક મિનિટમાં કાલિમંદિર આવીને ઊભી રહી ગઈ. જબરજસ્ત ભીડ વચ્ચે પણ એક પ્રકારની વ્યવસ્થા હોવાથી બ્રીજકિશોર અને મણિલાલને ‘મા કાલિ’ના દર્શનમાં સુવિધા પડી. બ્રીજકિશોરનો આગ્રહ હતો કે ‘મા કાલિ’ ના આશીર્વાદ લઈને જ આ વખતે શ્રાવણીની શોધ આદરવી. સૌ ભક્તજનોને શક્તિ પ્રદાન કરતી માતા કાલિને એ મનોમન પ્રાર્થી રહ્યા,

“હે મા, હવે તો મારી આતુરતાનો અંત આવવામાં છે. વર્ષોથી જેને શોધી રહ્યો છું એ મારી શ્રાવણીના સગડ મને મળ્યાં છે તો માવડી આ ફેરા ફેરો સફળ કરજે અને મારી પ્રેમની દેવીનો મેળાપ કરાવજે. હે મા, સ્વબલિદાન કરવામાં તારા શરીરના વિભિન્ન અંગો આ પૃથ્વી પર ફેંકાઈ ગયાં અને તારા ચરણનો આ પવિત્ર ટૂકડો અહીં આ પવિત્ર ભૂમિમાં આવી પડ્યો છે,એ ચરણોમાં હું મારું મસ્તક નમાવી આજીજી કરું છુ કે દેવી સમાન શ્રાવણી સાથે મારું પુન:મિલન કરાવી દે. ”

એમ કહેતાં બ્રીજકિશોરનો આંસુઓનો બંધ તૂટી ગયો. એમનું રુદન સાંભળી મણિલાલનું દિલ હચમચી ગયું. એ પણ હાથ જોડીને પ્રાર્થી રહ્યાં કે “મા જો મારી મિત્રતા સાચી હોય તો મારા મિત્ર ના પ્રેમની લાજ રાખજે અને મેળાપ જરૂર કરાવજે.”


પૂજાઅર્ચનાના શુભારંભથી બ્રીજકિશોરનું મન થોડોક હળવાશનો અનુભવ કરી રહ્યું હતું. એક પ્રકારની આશ્વસ્થતાને કારણે એમનું મન પ્રફુલ્લિતતા અને પ્રસન્નતાનો અનુભવ કરી રહ્યું હતું. હવે મંઝિલ હાથવ્હેંતમાં લાગતી હતી. શ્રાવણીને મળીને કેટલી વાતો અને ખુલાસા કરવાના હતા. ક્યાંક એ મને ખોટો તો નહીં સમજતી હોય? ક્યાંક એના જીવનમાં કોઈ બીજું પાત્ર તો નહીં આવી ગયું હોય? અરે,એ પરણી તો હતી, બાપ અને ભાઈઓની જબરજસ્તીથી! પ્રતાપ પણ એજ કહેતો હતોને! દિલમાં એક ટીસ ઊઠી અને એઓ ફરી પાછા ગમગીન થઈ ગયા. શ્રાવણીનું દર્દ જાણે કે મહેસૂસ કરી રહ્યા. પોતાને અને માત્ર પોતાને જ ચાહવાનો એકરાર કરી ચૂકેલી શ્રાવણી બીજાની થઈ શકે જ નહીં એવી એમને ખાતરી હતી. બસ હવે તો આ આખરી પડાવ છે અને એ ઘડીકમાં પાર પડી હશે,એવી શ્રધ્ધા સાથે એમણે રોજિંદા જીવનને ન્યાય આપવો ચાલુ રાખ્યો. મણિલાલે પંડિતજીની સૂચનાથી નાનાંમોટાં કાર્યક્રમો માટે મંજૂરી લઈ લીધી હતી. કેટલાક આયોજકો આમ અચાનક કોલકતામાં બ્રીજકિશોરજીનો કાર્યક્રમ કરવાની તક સાંપડી એટલે અત્યંત આનંદિત હતાં. તો વળી ઘણા એવાં પણ હતાં કે જેમને આપેલી તારીખો પંડિતજીના અણધાર્યા કોલકતાના પ્રવાસને કારણે લંબાઈ ગઈ હતી એટલે ખૂબ નિરાશ હતાં.


સંધ્યા સમયે આજે બ્રીજકિશોરજી તાનપૂરો લઈને બેઠા હતા. લલિતના આરોહઅવરોહને છેડી એમણે મનની વ્યથાને અભિવ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો. પૂર્વી થાટના લલિત રાગનાં કોમલ રીષભ અને કોમલ ધૈવત એની અપ્રતિમ સૂરાવલિ છેડી રહ્યાં હતા. પણ તીવ્ર મધ્યમના સ્વર બરાબર લાગતાં ન હતાં. આવું પહેલીવાર થયું હતું. વ્યથિત થઈ તાનપૂરા પર લગભગ ઢળી પડેલી અવસ્થામાં તેઓ રુદન કરી રહ્યા. આ બધી પરિસ્થિતીનો મણિલાલ ફક્ત મૂક સાક્ષી બનીને રહી ગયો હતો. રાત્રિ બેઠકો અને દિવસ દરમ્યાન તપાસ અને તલાશ આ બે જ કાર્યો હવે એમનું લક્ષ્ય બની ગયાં હતાં. ક્યાં ક્યાં એમણે શ્રાવણીને શોધી ન હતી?


બપોરના બ્રીજકિશોર આરામ કરી રહ્યાં હતાં. શ્રાવણીને મળવાની આશા એમણે ગૂમાવી દીધી હતી. આવતીકાલે પાછા ફરવાની સૂચના સાથે તેઓ એમની પ્રિય ડાયરીઓ પાછી ગોઠવી રહ્યાં હતાં. શ્રાવણી સાથે વિતાવેલી ક્ષણોનો આછોપાતળો ચિતાર હતી આ બધી ડાયરીઓ!

“જો,તું કિશન એટલે કૃષ્ણ અને હું શ્રાવણી એટલે તારા ઉપર ભરપૂર વહાલ વરસાવતી શ્યામા,મા કાલિ. ” આમ કહી શ્રાવણીએ એને ભરપૂર બાહુપાશમાં લઈ લીધો હતો. એ દિવસે જે કૃત્ય કરેલું એના આધારે તો એઓ આખી જિંદગી ગુજારી રહ્યાં હતાં.

“જો કિશન હું કાલિ. ” એમ કહી લાંબી જીભ કાઢી,વાળ છૂટ્ટાં કરી એણે મા કાલિનું સ્વરૂપ આબેહૂબ પ્રદર્શિત કર્યું હતું.

‘એક દિવસ જોજે, હું મા કાલિના દર્શને જઈશ. અને મા નાં આશીષ મેળવી ‘કાલિઘાટ ચિત્રકલા’ અપનાવીશ અને ત્યાં ની ‘પટુયા’ કળા શીખીશ. પછી તુ બનજે મોટો સંગીતકાર અને હું મોટી ચિત્રકાર!” એમ કહી પછી શ્રાવણીએ એના વિવિધ ચિત્રકામ બતાવ્યાં હતાં.

આમ અતીતને વાગોળતા પંડિતાજીનાં હાથમાંથી ડાયરી પડી અને એમાંથી ‘મા કાલિ’નું શ્રાવણીએ એ દિવસે દોરેલું ચિત્ર નીચે પડ્યું. ચિત્ર નીચે શું પડ્યું અને બ્રીજકિશોરનું આખું અતીત ખડું કરી ગયું. એમણે ચિત્રને ખૂબ વહાલથી પહેલા તો પસવાર્યું. મા કાલિનું સ્વરૂપ જાણે કે એમને આશીર્વાદ આપી રહ્યું. એમણે ચિત્રને પલટાવ્યું તો એમાં કોઈ સરનામું લખેલું દેખાયું. તાબડતોબ એમણે મણિલાલને તેડું મોકલ્યું.

ભાગતો આવેલો મણિલાલ મોટેથી સરનામું વાંચી રહ્યો,

“ગવર્નમેંટ સ્કૂલ ઓફ આર્ટ. ‘ચન્દ્રીમાં કલાસીસ’,કાલિઘાટ મંદિર પાસે, કોલકોતા. ” અને મણિલાલ હજુ પૂરેપૂરું વાંચે એ પહેલા તો બ્રીજકિશોરે અંગૂછો ખભે નાખ્યો અને મોજડી પહેરી બારણાની બહાર નીકળી ગયા.


ટેક્સી કાલીઘટ મંદિર પાસે પહોંચીને બતાવેલા સરનામે ‘ચન્દ્રીમાં કલાસીસ’ ની સામે આવીને ઊભી. બ્રીજકિશોરનું હ્રદય ઝડપથી ધડકી રહી હતું. કેટલીએ આશંકાઓ એમને ઘેરી વળી હતી. મોટી હવેલી જેવા મકાનમાં તેઓ પ્રવેશ્યા. આખો ખંડ ‘મા કાલિ’નાં વિવિધ સ્વરૂપયુક્ત ચિત્રોથી લચી રહ્યો હતો. એક પરદેશી લાગતી મહિલાએ હિન્દીમા આવકારો આપી આવવાનું કારણ પૂછ્યું. શું કહેવું? થોથવાયેલી જીભે એ કશુંક બબડયા અને પછી તરત ચિત્રો ખરીદવા માંગે છે એટલે જોવા આવ્યા છે એમ કહી વાતને હાલ પૂરતી ટાળી એ ચિત્રો જોવામાં લાગી ગયાં.

‘મા કાલિ’ વિધવિધ સ્વરૂપે એમની સમક્ષ ખડી થઈ ગઈ હતી. નતમસ્તકે એઓ એમણે નિહાળી રહ્યાં. પણ મન તો એ સૌમાં એમની શ્રાવણીને શોધી  રહ્યું હતું. અચાનક બધાં ચિત્રો વચ્ચે એમને મા કાલિનું આબેહૂબ એવું ચિત્ર દેખાયું જે સવારે જ એમને એમની ડાયરીમાંથી નીચે પડેલું મળ્યું હતું.

એ લગભગ ધસવા જેવુ દોડ્યા અને રિસેપ્શન પર બેઠેલી એક બંગાળી બાનુને એ ચિત્ર વિષે પૂછવા લાગ્યા.


“કોથાય? ક્યા?” પછી વળી સમજીને હિન્દીમાં કહેવા લાગી,

“આ આમારા આનંદી મા નું દોરેલું ચિત્ર છે. આનંદી મા,અમારી આ સંસ્થાના સંચાલિકા. ઓફિસમાં બેઠા છે. તમે મળી શકો છો. ”

કદાચ એક સદી પલવારમાં વટાવી શકાય પણ એ અંતર કેમે કર્યું વટાવાયું નહીં. આકંઠ તરસ્યો નદીની લગોલગ આવીને ઊભો હતો, હાંફીને થાકી ગયેલું હરણું કિનારે મૂર્છિતાવસ્થામાં પડ્યું હોય એમ જાણે!


બધુ જ હાથવ્હેંતમા હતું. પ્રેમ, સ્નેહ, સંબંધ, ઇચ્છાઓ, આકાંક્ષાઓ, સુખ. પણ, બ્રીજકિશોર એ અંતર વટાવી શક્યા નહીં.

‘કોણ છે બહાર? અંદર આવી શકો છો. ” એ ગંભીર પણ મીઠાં અવાજને બ્રીજકિશોર ઓળખી ગયા. ક્યાંય સુધી એ ત્યાં જ જડવત ઊભા રહી ગયા અને છેવટે પાછા ફરી ગયા.

“શું થયું પંડિતજી? મણિલાલની આંખોમાં અનેક પ્રશ્નો લગાતાર વરસી રહ્યાં હતાં. માત્ર નકારમાં માથું હલાવી બ્રીજકિશોર પંડિત, સદીનો મહાન સંગીતકાર, આંખોમાં આંસુઓની શ્રાવણી છૂપાવી ચૂપચાપ ઘર તરફ ચાલી નીકળ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Romance