Parool Mehta

Inspirational Others

3  

Parool Mehta

Inspirational Others

'વાર્તા દર્પણ'

'વાર્તા દર્પણ'

6 mins
7.4K


એક નો ટકોરો પડ્યો અને સુપર્ણાબેને પડખું બદલ્યું.

“આદિત્ય આવી ગયો ?” શશાંકભાઈએ ઊંઘમાં જ પૂછી લીધું અને પડખું ફરીને પાછાં સૂઈ ગયાં.

“ના બસ તૈયારી જ છે.” આટલું બોલતાં તો એ ત્રીસ વરસ પહેલાં ભૂતકાળમાં સરી ગયાં. શાળામાં દસમાં ધોરણમાં ભણતો હતો આદિત્ય. બરાબર આજ ગણેલાં શબ્દો આખું વરસ સુપર્ણાબેન બોલતાં રહ્યાં હતાં અને ઘરે મોડાં આવવાની ટેવ આદિત્યને કેમે કરીને છૂટતી ન હતી.

‘ભાઈબંધને ઘેર જઈને આવું છું, આજે મિત્રો ભેગાં થવાનાં છીએ એટલે મોડું થશે. બે ટ્યૂશન ભેગાં છે...’ જેવાં અનેક કારણોસર એ આંતરે દિવસે બહાર નીકળી જતો અને ઘરમાં રહેવાનું ટાળતો હતો. અગિયાર/બાર વાગી જતાં અને શશાંકભાઈનો પારો તો આસમાને પહોંચી જતો. આઘાપાછાં, આકુળવ્યાકુળ એ ઘરમાં અને ઘર બહાર રસ્તા સુધી આંટા મારતાં અને છેવટે ‘સર્વદેવ નમસ્કારમ કેશવં પ્રતિગચ્છતિ’ જેવો વેશ થતો. દોષનો ટોપલો સુપર્ણાબેન ઉપર ઢોળવામાં આવતો.

ફરી એક ટકોરો પડ્યો અને સુપર્ણાબેનને યાદ આવ્યું કે રાત્રે શશાંકભાઈ ઊઠી ના જાય અને કંકાસ ના થાય એ માટે એ પોતે ઘડિયાળને બંધ જ કરી દેતાં. ‘ન રહેગા બાંસ, ન બજેગી બાંસૂરી’. પણ એ સમયે ઘસઘસાટ ઊંઘતાં શશાંકભાઈને અને મોડાં આવેલાં આદિત્યને સંભાળવામાં અને દિવસ દરમ્યાન મોટાં પરિવારને સંભાળવામાં પોતે વિખેરાઈ જતાં.

અમદાવાદના સંસ્કારી પરિવારમાં શશાંકભાઈને ત્યાં સુપર્ણાબેન પરણીને આવ્યાંને બીજે જ વર્ષે આદિત્યનો જન્મ થયો હતો. ભર્યાંભાદર્યાં ઘરમાં શશાંકભાઈના પિતા નિશ્ચિંતભાઈ, માતા સગુણાબેન અને એમની બે દીકરીઓ નીપા અને રેવા તથા સૌથી નાનો દીકરો મહર્ષિ પણ હતાં. આ ઉપરાંત સુપર્ણાબેનનાં વડસાસુ કાંતાબેન પણ સિત્તેર વર્ષે પણ સ્વસ્થ હતાં. ઘરમાં નોકરચાકર જરૂર પૂરતાં જ હતાં. શશાંકભાઈના પિતા નિશ્ચિંતભાઈ હાલમાં એક જાણીતી કેમીકલ કંપનીમાં ઊંચો હોદ્દો સંભાળતાં હતાં. જીવનની અનેક તડકી છાંયડી જોઈ ચૂકેલાં નિશ્ચિંતભાઈ અત્યંત મહેનતુ, પ્રામાણિક, પરગજુ અને દ્રઢ મનોબળનાં હતાં. યુવાનીમાં પોતાનું વતન છોડીને નસીબ અજમાવવાં અમદાવાદ આવેલાં નિશ્ચિંતભાઈને નસીબે જ ખૂબ અજમાવેલાં હતાં એટલે સોનું તપી તપીને જેમ ચળકાટ મેળવે એમ એ પણ છેવટે જીવનમાં સુખસાહયબીને માણી રહ્યાં હતાં.

આમ જ્યાં નિશ્ચિંતભાઈનું જીવન સંઘર્ષમય હતું ત્યાં બાળકો પણ ઘણી વિકટ પરિસ્થિતિનો સામનો કરતાં હતાં.

સૌથી મોટાં હતાં શશાંકભાઈ. એટલે પિતાએ વેઠેલી ગરીબી અને હાડમારીનો વધારે સામનો એમણે કરવો પડ્યો હતો. એમાં ‘બળતાંમાં ઘી હોમાયું’ તેમ અધૂરામાં પૂરું દસ વર્ષની એમની ઊંમરે આંખમાં પથ્થર વાગ્યો અને રેટાઈનાને નુકસાન થયું જે એમને એમનાં ભણતરથી માંડીને રમતગમત અને વ્યવસાય બધાંને ઓછીવધતી તિલાંજલી આપીને આજીવન ભરપાઈ કરવું પડ્યું. આવાં સમયે, એક નબળી આંખે એમણે ‘ફોટોગ્રાફી’ અને ‘ચિત્રકામ’ નાં શોખને ઉજાગર કર્યાં અને એમાં ખાસ્સી નામના પણ મેળવી. પછી તો એમનો શોખ જ એમનો વ્યવસાય બની ગયો. આજે તેઓ ઘણી સારી પ્રતિષ્ઠા ધરાવે છે.

 શશાંકભાઈનો સૌથી નાનો ભાઈ મહર્ષિ, નાનપણથી ‘લ્યુકોડરમા’ (કોઢ) નો ભોગ બનેલો હતો પણ ખૂબ સોહામણો, ઊંચા કદનો, સુદ્રઢ બાંધાંવાળો હતો. ભણતરમાં સામાન્ય પણ સારી નોકરી ધરાવતો અને સુપર્ણાબેનનો પ્રિય હતો. પણ કહ્યું છેને કે ‘ઘટમાં ઘોડા થનગને અને આતમ વીંઝે પાંખ’ એ રૂએ આ ભાઈને તો પરદેશ જવું હતું. પરણવું તો હતું નહી એટલે કૂવારાને એ જમાનામાં વીઝા મળવાની મુશ્કેલી થતી. મિત્રો ઘણા હતાં પણ પરદેશમાં બોલાવવાની જવાબદારી લેનારાઓમાં ના આવ્યાં. સમયની સાથે ઊંમર અને અરમાન વધતાં ગયાં અને ‘નસીબનું પાંદડું ફર્યુ’ તે એક શુભ દિવસે મહર્ષિની પાંખો વિદેશ લાગી વિસ્તરી. ‘આજની ઘડી ને કાલનો દિવસ’ ત્યાંથી હલવાનું નામ લે એ બીજાં. એચ.વન.વીઝા અને મોટલની નોકરી. મંદિરની સેવા અને એકલપંડો જીવ. શશાંકભાઈ અને સુપર્ણાબેન એકવાર જઇ આવ્યાં દીકરાને મળ્યાનો સંતોષ લઈ આવ્યાં.

સાહેબ, આજે જ્યારે તમને વાત કરવાં બેઠી જ છું તો પેટ છૂટી જ કરી લઉં. આજનાં યુગમાં સાંભળવાનો સમય કોની પાસે છે ? તો વાત હવે નિશ્ચિંતભાઈની દીકરીઓની આવે છે.

મોટી નીપાને ભણવાના કોડ. એમ.એસ.સી.હોમસાયન્સ કર્યાં પછી પી.એચ.ડી. કરવું હતું. કર્યું પણ ખરું. આખરે દ્રઢનિશ્ચયી હોવાનું તો વારસામાં મળ્યું હતું. પણ કહે છે ને કે ‘આપણે ધારીએ કઈ અને ઈશ્વર કરે કઈ’. પોતાની ઉંમર કરતાં મોટાં, બીજવર સાથે બેનને પ્રેમ થઈ ગયો અને આવ્યો ‘કહાનીમેં ટ્વીસ્ટ’

બેંકની સરસ નોકરી છોડી સાહેબ તો લઈ ગયા બેનને પરદેશ. પરદેશની વિટંબણાઓ ક્યાં ઓછી હોય છે ? ભણતર એક્બાજુએ રહ્યું અને કમાણીનાં કીડાએ ઘર કર્યું. ભાઈ ‘ડિપાર્ટમેન્ટલ સ્ટોર’ ચલાવે અને નીપાબેનને ‘ડાઈમંડ માર્કેટ’માં કામ મળ્યું. નાનકડો આકાશ પરદેશનાં રંગે રંગાયાં વિના ‘સ્પોર્ટ્સ’માં આગળ આવ્યો. ‘બેઝબોલ’ માટે એ વિસ્તારનો પ્રથમ ભારતીય ‘કોચ’ બનવાનું શ્રેય પ્રાપ્ત કર્યું. પણ વિધિની વક્રતા તો જુઓ ! પોતાનીમાં માટે એમ.બી.એ.નું ફોર્મ લેવા ગયેલો આકાશ કાર અકસ્માતમાં માર્યો ગયો. એક હસતું ખેલતું મહેનતુ કુટુંબ પિંખાઈ ગયું. કહે છે ને કે ‘બાવા બન્યા હૈ, તો હિન્દી બોલના પડતા હૈ’ જેવું શરૂ થયું. લોનનાં હપ્તા પૂરાં કરવામાં દિલમાંથી હપ્તે હપ્તે દેશ ધક્કેલાઈ ગયો.

નિશ્ચિંતભાઈ અને સગુણાબેન પર જાણે આભ તૂટી પડ્યું. એક પ્રકારની નિ:સહાયતા અનુભવી રહ્યાં. દીકરી અને જમાઈને દેશમાં પાછાં આવવાં માટે સમજાવવાં લાગ્યાં અને પાછી એક એવી શુભ સવાર આવી કે એ લોકો દેશમાં પાછાં આવી ગયાં.

સાહેબ, વાત અહીંયા પૂરી થતી નથી. પેલું કહે છે ને કે ‘પીકચર અભી બાકી હૈ મેરે દોસ્ત’. ઈશ્વરે કઇક જુદું જ ચલચિત્ર બનાવ્યું હતું.

નાની દીકરી રેવા. શ્યામવર્ણી પણ આકર્ષક વ્યક્તિત્વ ધરાવતી ચબરાક અને બોલકણી. ખૂબ સેવાભાવી, પિતાના પગલે ચાલનારી અને એમની લાડકી. યુવાનીમાં પ્રેમ થઈ ગયો. ઈશ્વરકૃપાથી ખુબ સારું પાત્ર હતું. ગરીબ ઘરનો પણ ઉમદા વ્યક્તિત્વવાળો માણસ હતો. કેતુલભાઈ. પટેલ ભાયડો. ઓછાબોલો અને સ્મિત વેર્યાં કરે. લગ્નનાં બંધને જોડાયાં પછી બે બાળકો થયાં. લવ અને કુશ. એટલે મારો ઇરાદો તમને એમની પ્રેમકહાણી કહેવાનો તો નથીજ એ તો તમે સમજી ગયાં હશો. 

સંઘર્ષની વાતો તો બહુ સાંભળી હતી પણ મેં તો આ નજરોનજર નિહાળ્યું અને અનુભવ્યું છે. ઈશ્વર એમ કઈ નિશ્ચિંતભાઈ અને સગુણાબેનને છોડે એમ હતો ? એણે તો એની લીલા અને માયાજાળ ફેલાવવાં ચાલું જ રાખેલાં. નાનો કુશ ત્રણ મહિનાનો હતો અને કેતુલભાઈને અકસ્માત થયો. ચાર મહિના અભાનાવસ્થામાં રહ્યાં. ડોક્ટરે જવાબ આપી દીધો હતો. પણ રેવા જેનું નામ. જીદ તો વારસામાં મળી હતી. વ્રત-ઉપવાસ-દોરા-ધાગા બધુ કીધું અને ફરી પાછો એક શુભ દિવસ આવ્યો અને કેતુલભાઈ ભાનમાં આવ્યાં. ડોક્ટરે તો એને ‘ચમત્કાર’ કહયો. પરંતું એમની સ્મરણશક્તિ નાશ પામી હતી. ખરી જેહમત તો એમને ઘેર લાવ્યાં પછી ઉઠાવવી પડી. પત્નીને કે બાળકોને, કોઈને ઓળખે નહી.ચાર મહિનાથી સૂતા રહેવાનાં કારણે શરીર જકડાઈ ગયેલું. રોજ શારીરિક કસરતો શરૂ થઈ. સમય જતાં થોડાંક સ્વસ્થ થયાં. રેવા સાથે પુન: લગ્ન કરાવ્યાં. હારતોરાં, ફોટાં અને પછી બાળકોને સ્થાપિત કર્યાં. રાત પડે ઊઠી જાય અને કહે કે ચાલવા જવું છે. શશાંકભાઈ અને બીજાં અડધી રાતે ખભે સહારો આપીને ચલાવે. એમ કરતાં કરતાં એક આખું વરસ વીતી ગયું. બધું ધીમે ધીમે થાળે પડ્યું. . સૌ કોઈ કુટુંબીજનોનાં સાથ અને સહકારથી નવી યાદશક્તિ સાથે એક નવા જીવન અને ઉમંગ સાથે કેતુલભાઈએ જીવન આગળ ધપાવ્યું. પણ વિડીઓગ્રાફી અને ફોટોગ્રાફી તો બંધ થઈ ગયાં. રેવા પર આર્થિક જવાબદારી આવી પડી. વળી પાછાં નિશ્ચિંતભાઈ વહારે ધપ્યાં.પણ ખુદદારે તો પિતા જેવીજ એટલે એક મોટી કંપનીમાં વેલફેર ઓફીસરની જોબ સ્વીકારી. અને સ્વમાનભેર ઘર ચલાવ્યું. આજે દીકરાઓ વીસ અને ત્રેવીસ વરસનાં થઈ ચૂક્યાં છે.

“આદિત્ય અને પ્રેમા પાર્ટીમાંથી કેટલાં વાગે આવ્યાં હતાં ?”

“પપ્પા બીઝનેસ પાર્ટી હતી અને સ્વીટીને સૂવાનો સમય થઈ ગયો હતો એટલે સાડા દસે આવી ગયાં હતાં.”

આદિત્યએ બ્રેકફાસ્ટ કરતાં કરતાં સુપર્ણાબેન તરફ જોઈને કહ્યું. સુપર્ણાબેનને ફરી આદિત્યનાં ભૂતકાળની વાતો યાદ આવી ગઈ.

આજે એજ આદિત્ય સ્વબળે ખુદનો બીઝનેસ સંભાળે છે. સંયુક્ત પરિવારમાં હોવાં છતાં બાળપણમાં ભીડમાં એકલાં હોવાનાં સતત અનુભવે એને સ્વકેન્દ્રી અને સ્વાશ્રયી બનાવ્યો. નાની વયે જાત સામે અને સંજોગો સામે લડી લેવાની તાકાતે એને ઊંચાઈ પર પહોંચાડી દીધો. જીવનમાં કરેલો સંઘર્ષ એને આજે પણ એટલોજ ઉપયોગી થઈ રહ્યો છે. બાળપણમાં કરેલી ભૂલોએ એને નીતિનાં ઉમદા પાઠ શીખવ્યાં છે. આજે એનામાં અનેરો આત્મવિશ્વાસ છલકતો દેખાય છે.

શશાંકભાઈ અને સુપર્ણાબેનની જેમ નિશ્ચિંતભાઈ અને સગુણાબેન પણ આદિત્ય માટે ગર્વની લાગણી અનુભવે છે.

મિત્રો, સંઘર્ષ વિના જીવનનું કોઈ મૂલ્ય નથી. આજે એક એવાં પરિવારની વાત મેં આપ સૌ સમક્ષ મૂકી છે કે એની દરેક વ્યક્તિએ આજીવન સંઘર્ષ કર્યો છે, પણ સાચો વીર એ છે જે પરિસ્થિતિથી ગભરાયાં વિના વિટંબણાઓનો સામનો કરે છે.

વાર્તાનો સાર: આ વાર્તા એક એવાં કુટુંબનાં સભ્યોની વાત લઈને આવે છે કે જેની પ્રત્યેક વ્યક્તિએ ઓછોવધતો કે નાનોમોટો સંઘર્ષ કર્યો છે અને જિંદગીની વિટંબણાઓનો હિંમત હાર્યા વિના મજબૂત મનોબળથી સામનો કર્યો છે અને  કૌવત દેખાડયું છે. કુટુંબના વડીલથી માંડીને એમનાં દીકરા,દીકરી,પૌત્રો સૌ કોઈ સંઘર્ષનાં ચાકડે ચઢીને જીવનને સુંદર ઓપ આપ્યો છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational