Parool Mehta

Inspirational Others

0.6  

Parool Mehta

Inspirational Others

બિલ્વા

બિલ્વા

6 mins
14.3K


આંબાવાડીના પંચરત્ન રેસીડેન્સીના બીજા માળે આજે સવારથી જ દોડધામ હતી. બેન્કમાં ઓફિસર રાજેશ અને એક એન.જી.ઓ.માં કામ કરતી પત્ની ઈરા અરવલ્લીના પહાડો પરના એમનાં ગામ અલમોરા ફરીને આવ્યાં હતાં અને સાથે ઈરાની દૂરની માસીની દીકરીની દીકરી, દસ વર્ષની બિલ્વાને સાથે લઈ આવ્યાં હતાં. રવિવારનો દિવસ હતો અને બિલ્ડીંગના બાળકો બગીચામાં રમી રહ્યાં હતાં. બિલ્વા આંખોમાં ભરપૂર અચરજ સાથે બધાંને જોઈ રહી હતી. શીમોની, શીલુ અને અજજુએ બિલ્વાને મિત્રતાસભર આવકારભર્યું સ્મિત આપ્યું અને પછી તો એમની ગાઢ દોસ્તી થઈ ગઈ. આખો દિવસ છોકરીઓ શાળાએ જતી અને બિલ્વા એની દીદી ઈરાના ઘરડાં સાસુમાને સાચવતી. સાંજે ઈરા અને રાજેશ કામેથી ઘરે આવે એટલે બિલ્વા નીચે બહેનપણીઓ સાથે રમવા જતી..

આધુનિક માહોલમાં ઉછરેલ શીમોનીને બિલ્વા પ્રત્યે એક સૂગ અને અણગમો રહેતો હતો કેમકે એની મમ્મી એને એની સાથે રમવા માટે મ પાડતી હતી કેમકે એમના મતે બિલ્વા કામવાળી બાઈ હતી. એનાં હાથમાં જંતુઓ હોય અને વાળમાં જૂ. શીલું અને અજજુને બિલ્વા ખુબ ગમતી હતી. બિલ્વા હતી પણ એવી. સૌમ્ય અને હસમુખ. પ્રાણીઓ પ્રત્યે દયાભાવ રાખતી. ફ્લેટના વડીલોને માન આપતી અને હાથ ઝાલીને લિફટ સુધી લઈ જતી. થોડાં સમયમાં તો બિલ્વા સૌ કોઇની લાડકી બની ગઈ હતી.

અજજુ અને શીલુને બિલ્વા માટે બહુ લાગણી હતી પણ શીમોનીની ધાકને કારણે એમણે પણ બિલ્વા સાથે રમવાનું છોડી દીધું હતું.

એક દિવસ શીલુ એના દાદાજીને પૂછે છે કે ગરીબ લોકો સારા નથી હોતાં ? દાદાજી સમજાવે છે કે બિલ્વા ગરીબ છે એટલે એ ખરાબ છે, એવું માનવું ના જોઇયે. તારું મન શું કહે છે ? શીલુ એના મનનો અવાજ સાંભળે છે અને ફરીથી બિલ્વા સાથે દોસ્તી કરી લે છે. શીમોનીને પણ પોતાની ભૂલ સમજાય છે અને બિલ્વા સાથે ફરી દોસ્તી કરી લે છે.સૌ બેનપણીઓ સાથે રમે છે. ક્યારેક હીંચકાં ખાય તો ક્યારેક ગલૂડિયાં સાથે રમે.

 આજે શીલુનો જન્મદિવસ હતો. શીલુએ બિલ્વાને પણ પાર્ટીમાં બોલાવી હતી. બધા બાળકોએ બહુ મજા કરી. ફૂગ્ગાં ફુલાવ્યાં અને ઉડાડ્યા. શીલુની મમ્મીએ જાતે બનાવેલી કેક બધાએ ખુબ ખાધી. દરેક જણ શીલુ માટે કશી ને કશી ભેટ લઈને આવ્યું હતું. બિલ્વાએ એક નાનકડું બીજ શીલુને ભેટ આપ્યું અને કહ્યું કે એક દિવસ આપણી દોસ્તીની જેમ આ બીજમાંથી એક મોટું વૃક્ષ થશે. સૌને બિલ્વા માટે માન થયું.

એક દિવસ બિલ્વાને એની મા યાદ આવી જાય છે, એનું સુંદર પહાડી ગામ યાદ આવી જાય છે. એ ઘેર જવાની જીદ કરે છે. રાજેશ અને ઈરા એને મનાવે છે. એને હરવા ફરવા લઈ જાય છે. પણ બિલ્વા માનતી નથી. બંને પતિપત્ની વચ્ચે ચર્ચા થાય છે કે બિલ્વાને ઘરે મોકલીએ પણ એની મા એને એના સારા ભવિષ્ય માટે શહેરમાં જ રોકી રાખવા માંગે છે.

આવા સમયે શીલુના દાદાજીએ ઈરા અને રાજેશ સાથે ચર્ચા કરી અને બધાએ મળીને એક અદભૂત એવો સુંદર માર્ગ અપનાવવાનું નક્કી કર્યું.

તમને શું લાગે છે ? દાદાજીએ કયો માર્ગ સૂચવ્યો હશે ? શું હવે બિલ્વાને એના મમ્મી પાસે એને ગામ પાછી મોકલી દેવામાં આવશે ? કે પછી બિલ્વાના નાના ભાઈને શહેરમાં બિલ્વાને સાથ મળે એટલે બોલાવી લેવામાં આવશે ?

તો સાંભળો, તમારે જો એ જાણવું હોય તો આગલા શનિવારની રજાની રાહ જોવી પડશે.

શનિવારે શીમોની, અજજુ અને શીલુને સવારનાં ક્લાસ હતાં. નક્કી કર્યાં મુજબ જમીને બિલ્વાને કહ્યા વગર ચૂપચાપ પોતપોતાની મમ્મીઓને લઈને છોકરીઓ દાદાજીને મળવા ગઇ. શીલુના ઘરના બેઠકરૂમમાં બધાં ભેગાં થયાં. શીલુની મમ્મીએ બધાને ચા-નાસ્તો કરાવ્યો.

પછી દાદાજીએ ચર્ચાનું સુકાન સંભાળતાં કહ્યું, “મારા આમંત્રણને માન આપીને તમે સૌ મોટેરાં આવ્યાં એ બદલ હું તમારો આભાર માનું છું. વાત બિલ્વાને લગતી છે, એટલે એની ખાસ બહેનપણીઓની હાજરી હોવી એટલી જ જરૂરી છે.” પછી એમણે ત્રણેય છોકરીઓને સંબોધતાં આગળ કહ્યું,

“મને ખરેખર આનંદ થાય છે કે ઊંચનીચનાં કે અમીરગરીબનાં ભેદભાવ વિના આપણી આ ત્રણેય દીકરીઓએ બિલ્વાને અપનાવી લીધી છે. જીવનમાં માણસનું કૂળ એની નાતજાત કે આર્થિક સધ્ધરતાથી જ ઉત્તમ કે અધમ, નક્કી થતું નથી. એક નાની બાળકીનું મન રાખવું અને એની લાગણીઓને માન આપવું એ તમે બરાબર સમજયાં છો. એ માટે હું તમને સોમાંથી સો માર્ક આપું છું.”

દાદાજીએ મમ્મીઓને સંબોધીને આગળ વાત કરતાં કહ્યું,

“આપ સૌ માતાઓને મારાં વંદન છે કે તમે તમારી દીકરીઓને ખુબ સારાં સંસ્કાર આપ્યાં છે. દીકરીઓ તો જીવનપર્યંત બે બે કૂળને દિપાવે છે અને તારે છે. હવે આધુનિક યુગ આવ્યો છે. સમય અને વિચારસરણી પણ બદલાઈ છે. દીકરી હવે સાપનો ભારો નથી ગણાતી. કન્યાઓને હવે પોતાનું આગવું અસ્તિત્વ છે. સમાજમાં હવે એ પુરુષથીય અદકેરી સાબિત થઈ રહી છે.”

શીલુની મમ્મી બોલી, “હા, દાદાજીની વાત સાચી છે. આપણા જ બિલ્ડીંગમાં જુઓને લગભગ દરેક ઘરની સ્ત્રીઓ કઈ ને કઈ કામ કરેજ છે. એક ચોથા માળની માલા અને સાતમાં માળના જયશ્રીબેન સિવાય બધ્ધાં નોકરી, ઉદ્યોગ, બીઝનેસમાં પતિની સાથે જાય છે, ઓફિસ સંભાળે છે,ઉદ્યોગ સાહસિક છે, શિક્ષિકા છે, મોટી કંપનીમાં મેનેજરનું સ્થાન સંભાળે છે. ઓછું ભણેલી સ્ત્રીઓ તો નાનો ગૃહઉદ્યોગ વર્ષોથી સંભાળી જ રહી છે.”

અજ્જુની મમ્મીએ સાથ પુરાવતાં કહ્યું,

“હું પણ એક વાત કહેવા માંગુ છું. આપણી આસપાસ કામ કરતી બેનોની યાદી કરીએ તો ખ્યાલ આવશે કે આજે સ્ત્રીઓએ કેટકેટલાં કામ હસ્તગત કરી લીધાં છે. ભરતકામ અને સિલાઈકામ અને રસોઈમાં માહિર બહેનો હવે ઇસ્ત્રીનું કામ, ચાની લારી, સફાઈકામ, દુકાન ચલાવવાનું કામ, શાક વેચવાનું કામ વગેરે કામમાં પાવરધી થઈ ગઈ છે.”

“હા, સાવ સાચી વાત.” શીમોનીની મમ્મીએ કહ્યું, “મારી મમ્મી બેન્કમાં ઓફિસર છે. મારી બહેન એનું પોતાનું બુટીક ચલાવે છે. મારાં માસીને એમનું ખુદનું પાર્લર છે. મારા મોટા મામી યુનિવર્સિટીમાં અંગ્રેજીના પ્રાધ્યાપક છે. સ્ત્રી સશક્તિકરણ ચારેબાજુ જોવા મળે છે.”

“મારી નેહાદીદી તો પાઇલટ છે. આકાશમાં એકલી પ્લેન ઉડાડે છે.” નાનકો ગોલું મોટેથી બોલી પડ્યો અને પછી મમ્મીની સોડમાં સંતાઇ ગયો.બધાં એના ભોળપણ પર હસી પડ્યાં.વાત સાચી હતી કે નેહા હાલમાં જ પાઇલોટ બની હતી.

“પણ દાદાજી, તમે આ બધું શા માટે કહી રહ્યા છો ? મને તો સમજાતું નથી.” અજજુએ દાંત વચ્ચે હાથરૂમાલ ચાવતાં ચાવતાં પૂછ્યું.

એક ઊંડો શ્વાસ લેતાં દાદાજી બોલ્યાં, “હા બેટા, હું હવે મૂળ વાત પર જ આવું છું.” એમ કહી તેઓ થોડાં ટટ્ટાર થઈને બેઠાં અને વાતને આગળ ધપાવતાં કહ્યું,

“બિલ્વા ગ્રામ્યવિસ્તારમાંથી આવી છે.ગરીબ હોવાં છતાં એ શહેરી ચમકદમકથી અંજાઈ ગઈ નથી. એ એક નિષ્ઠાવાન અને મહેનતું માબાપની સંસ્કારી દીકરી છે. ચબરાક છે. જો એને થોડીક સહાયતા કરવામાં આવે તો એ એક ઉત્તમ વિદ્યાર્થી પુરવાર થઈ શકે એમ છે. મારી તમને સૌને એક વિનંતી છે કે આપણે બિલ્વાનું ભવિષ્ય રૂંધાઈ જતું બચાવી લઇએ. એક દીકરીને ભણાવીશું, એને કેળવણી આપીશું તો એનું અને એની સાથે સંકળાયેલાં હરકોઈનું જીવન સુશિક્ષિત બનશે. કહેવતમાં કહ્યું છે તેમ કોઈ પણ સારા કાર્યની શરૂઆત આપણાથી જ થવી જોઇયે. તો ‘કરો કંકુંનાં’ અને બિલ્વાને શાળામાં દાખલ કરવાની જવાબદારી ઉપાડી લો.

“દાદાજી, તમે સાચું કહ્યું.કન્યાકેળવણી ખરેખર ઉત્તમ વસ્તુ છે. શીલુની શાળામાં એડ્મીશનની જવાબદારી હું લઉં છું.” શીલુની મમ્મીની વાતને સૌએ તાળીઓથી વધાવી દીધી.

“બિલ્વાનાં પુસ્તકો અને સ્કૂલબેગ હું લાવી આપીશ. અજજુની તો લાવું જ છું તો એક વધારે સેટ ખરીદીશ.” અજ્જુની મમ્મીનાં શબ્દોને બધાંએ વધાવી લીધાં.

“હવે સવાલ રહ્યો એની સ્કૂલની ફીનો, તો તે આખાં વરસની હું ભરી દઈશ.” દાદાજીએ કહ્યું.

એક સારું કાર્ય થયાનાં સંતોષ સાથે બધાં છૂટાં પડ્યાં.

ત્રણ-ચાર દિવસ પછી, ગુરુવારના શુભ દિવસે ઈરાએ બિલ્વાને વહેલી ઊઠાડીને શાળાનો પીળો યુનિફોર્મ પહેરાવ્યો. બિલ્વા નવાઈથી જોઈ જ રહી અને બોલી, “ઈરાદીદી, આ તો શીમોની, શીલુ અને અજજુની સ્કૂલનો ગણવેશ છે!”

ઈરાએ કહ્યું, “હા બિલ્વા,આજથી તું સ્કૂલે જઈશ. આ તારી નવી બેગ અને એમાં પુસ્તકો અને નાસ્તાનો બોક્સ. ખૂબ ભણજે અને આગળ વધજે. સારા સંસ્કારો તો તારામાં છે જ પણ એને ટકાવી રાખજે. તારા નાનાભાઈ બિટ્ટુને પણ આપણે અહીં બોલાવી લઇશું.તારા કુટુંબનું અને દેશનું નામ રોશન કરજે.”

બિલ્વાની આંખો આંસુંથી છલકાઈ ગઈ.એણે નીચે નમીને રાજેશભાઈ અને ઈરાનાં ચરણસ્પર્શ કર્યાં.

આજે સ્કૂલ બસ આવી ત્યારે શીમોની, અજજુ,શીલુ અને ગોલુની સાથે એક નવી સીટ ભરાઈ ગઈ હતી. આનંદ અને ઉત્સાહનાં શોરબકોર સાથે બસ ઊપડી. આંબાવાડીનાં પંચરત્ન રેસીડેન્સીનાં રહેવાસીઓએ હસતાં મોંએ બિલ્વાને વિદાય કરી. ચોથા માળના વરંડામાંથી વૃધ્ધ બે આંખો નેજવું કરીને કન્યાવિદાય સમા આશિષ આપી રહી. 

વાર્તાસાર: આધુનિક યુગમાં ઉછરેલી કન્યાઓ ભદ્રલોકની રહેણીકરણીથી ટેવાયેલી હોવાં છતાં સંસ્કારી માવતરને કારણે ગામડેથી આવેલી બિલ્વા સાથે હળીમળીને રમે છે. કોઈ કારણસર બિલ્વાને પોતાને ગામ પાછું જવું હોય છે ત્યારે બિલ્ડીંગના વડિલ દાદાજી એક ઉત્તમ અને વ્યવહારું માર્ગ સૂચવે છે. આ માર્ગ જ વાર્તાનું એક આકર્ષક અને અમૂલું તત્વ બને છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational