Parool Mehta

Inspirational Others

3  

Parool Mehta

Inspirational Others

સવિનય જણાવવાનું કે

સવિનય જણાવવાનું કે

6 mins
14.8K


એક બાજુ, આજે સવારથી ‘ગરિયાલ હાઉસ’ મોટી કોર્ટ પાસે લોકોની ભીડ જમા થઈ હતી. ટોળાંનાં ટોળાં ઉમટ્યાં હતાં. સૌનાં મનમાં એકજ સવાલ હતો કે નામદાર કોર્ટ શો નિર્ણય લેશે ? કરોડો લોકો કે જેઓ જીવનથી હારી ગયાં છે, હતાશ થઈ ગયાં છે, એવાં કે જેમને માટે જિંદગી જીવવી અતિશય કઠિન બની ગઈ છે, એવાં સૌ કોઈ કે જેઓએ અત્યાર સુધી ઈશ્વર પાસે મૃત્યુની ભીખ માંગી છે અને જીવનનો અંત આણવા માંગે છે, એવાં સૌ કોઈ આજે નામદાર કોર્ટનાં ચૂકાદા તરફ મીટ માંડીને બેઠાં છે. તો બીજી બાજુ, જે.એમ.હોસ્પિટલમાં આજે કઈક વિશેષ હલચલ હતી. એક વયોવૃધ્ધ દંપત્તિ ડૉ.સાનીની કાગડોળે રાહ જોઈને બપોરથી બેઠું હતું.

જોકે આ વાર્તાનાં મૂળ તો વર્ષો પહેલાં નખાયાં હતાં. એ દિવસે અમરતકુંવરના લગન લેવાયા હતા. અમરત એટલે ધનકુંવર અને વસ્તુપાલશેઠની એકની એક લાડકવાઈ દીકરી. પાણી માંગે તો દૂધ હાજર થાય એવાં લાડપ્યારમાં ઉછરેલી અમરતના ઘડિયાં લગનમાં આખા ગામને અને આજુબાજુનાં ગામોને પણ નોંતરાં દેવાયાં હતાં. રંગેચંગે લગન પત્યા અને વરઘોડિયાં ઘેર પધાર્યાં અને અમરતના સાસુમા લક્ષ્મીગૌરીએ ઓવારણાં લઈ લઈને વધાવ્યાં.

અને પછી શરૂ થયો અમરતગૌરી અને તેજપાલજીનો ઘરસંસાર અને બે પુત્રો અને બે પુત્રીઓ થકી ફૂલ્યોફાલ્યો. કાળચક્ર ગોળગોળ ઘૂમ્યું અને તેજપાલજીના નસીબનું પાંદડું ફર્યું તે ધીકતો ધંધો ઓર વધુ જામ્યો. નસીબની બલિહારી તે બંને દીકરાઓએ પરદેશમાં વ્યાપાર માંડ્યો અને ત્યાં જ ઠરીઠામ થયાં. બંને પુત્રીઓને ખાનદાન કૂળમાં ધામધૂમથી પરણાવી. અમરતગૌરી અને તેજપાલજી પૌત્ર, પૌત્રીઓ અને દોહિત્રો અને દૌહિત્રીઓને મેળવીને ધન્યતા અનુભવવાં લાગ્યાં.

વર્ષોનાં વહાણાં વાયાં અને શેઠનાં લહેરાતાં ખેતરો, જમીન-જાયદાદનાં ભાવ તો આસમાને પહોંચવાં લાગ્યાં.મોટો રોહન અને નાનો જીતેન બંને શેઠની સ્થાવર અને જંગમ મિલ્કત પર હક્ક જમાવવા ટાંપીને જ બેઠાં હતાં. તે પરિવાર સહિત પરદેશ છોડીને પાછાં ગામમાં આવી ગયા. અમરતગૌરી અને તેજપાલજી તો છોકરાવને પાછાં આવેલાં જોઈને રાજીનાં રેડ થઈ ગયાં. અમરતકુંવરે વહુઓની નજર ઉતારી અને બાળકોને છાતી સરસાં ચાંપ્યાં. એમનો ઘરસંસાર હવે ખુશખુશાલ રહેવાં લાગ્યો. પણ ‘નવું નવું, નવ દહાડા’ ની રૂએ છોકરાઓએ એમનો અસલ રંગ દેખાડવો શરૂ કર્યો.

“પિતાજી, હવે તમારી ઉંમર થઈ છે એટલે તમે આરામ કરો, હવે અમે ધંધો સંભાળી લઈશું.” મોટાંએ કહ્યું અને શેઠજીએ નિરાંતનો પોરો ખાધો. પણ લોભને ક્યાં થોભ હોય છે ? છોકરાઓએ દિવસે દિવસે પિતાની સંપત્તિ પર અને વ્યાપાર પર સંપૂર્ણપણે કબજો જમાવી લીધો.

અને એક દિવસ એવો આવ્યો. કાનભંભેરણીમાં માતા કૈકેયીને પણ શરમાવે એવી વહુવારુઓનાં વાકપ્રભાવથી અંજાઈ જઈને રોહન અને જિતેને બાપુજી પાસેથી વીલ કઢાવવાં વિધવિધ પેંતરાં રચવાનું શરું કર્યું.

હવે અહીં લગીની વાર્તા તો ‘ઘેર ઘેર માટીનાં ચૂલાં’ જેવી જ હતી. તો પછી એવું તો શું બન્યું કે મામલો કોર્ટ સુધી પહોંચ્યો ? જોકે આ બાબત પણ તો કઈ વિશેષ નથી જ નથી. બધાં મિલકતનાં ઝઘડાં કોર્ટે ચડતાં હોય છે.

ખરી વાત તો હવે આવે છે. છોકરાઓએ કપટ કરીને વીલ ઉપર સહી તો કરાવી દીધી, પણ વિરાટ એસ્ટેટ ‘અમરતેજ મેન્શન’ ના માલિક તેજપાલશેઠનું નસીબ બે પાંદડે થઈ ગયું. મહેલ જેવડાં ઘરમાં રહેવાં ટેવાયેલાં શેઠશેઠાણીને વિશાળ એસ્ટેટના ‘આઉટ હાઉસ’માં રહેવાનો વારો આવ્યો. આગળપાછળ તહેનાતમાં રહેતી નોકરોની પલટન ગાયબ થઈ ગઈ. રાતદિવસની સાહયબીનાં હકદાર માવતરને છોકરાઓ ભૂલી ગયાં. બસ એકમાત્ર સહારો કે સંગાથ કહોતો તે હતી શેઠની પૌત્રી ખુશી.

ખુશી મેડિકલ સ્ટુડંટ હતી. અમદાવાદની જે.એમ.મેડિકલ કૉલેજમાં માસ્ટર્સ કરી રહી હતી. દિવાળીના વેકેશનમાં ખુશી ગામ આવી હતી.

“રામુકાકા, પાય લાગુ.”

બગીચામાં માળીકામ કરતાં વર્ષો જૂના માળીકાકાએ ખુશીને જોઈને, ખુશખુશ થઈને, એના માથે વહાલથી હાથ પસવારીને આશીર્વાદ આપ્યાં.

“કાકા, દાદુ ક્યાં છે ? દાદીમા ક્યાં છે ?કેમ કોઈ દેખાતું નથી ઘરમાં? અને આ શું? આઉટ હાઉસનાં દરવાજા કેમ ખુલ્લાં છે ?મોમ - ડેડ, ઘરમાં કેમ આટલી સ્મશાનવત શાંતિ જણાય છે ?”

“ બેટા, તારી મમ્મી પણ તારા પપ્પા સાથે ઓફિસે જાય છે અને કામ સંભાળે છે.”

“તો પછી દાદુ અને દાદીમાને કોણ સંભાળે છે ?”

“બેટા, એ લોકો આઉટ હાઉસમાં રહે છે અને ધ્યાન રાખનારાં અમે હજુ છીએ ને !”

આખનાં ખૂણે અટકેલાં આંસું અને ગળાનો ડૂમો સિફતથી છૂપાવી રામુકાકા નીચું જોઈને છોડની ગોડ મારવામાં લાગી ગયાં. ખુશી અવાક થઈને આઉટ હાઉસ તરફ તાંકી રહી. સામાન પોર્ચમાં જ ફંગોળીને એણે આઉટ હાઉસ તરફ દોટ મૂકી.

“દાદુ”

ખુશીનો કેકારવ સાંભળીને અમરતબાએ પૂજાની આરતી જોરશોરથી આટોપી લીધી. વરંડામાં શાંત મુદ્રામાં આંખ મીંચીને રામનામ જપતાં તેજપાલશેઠ પાછળથી આવીને વળગી પડેલી ખુશીનાં કોમળ સ્પર્શથી તંદ્રામાંથી ઝબકીને જાગ્યાં.

“દાદુ, દાદીમા, તમે લોકો અહીં કેમ રહો છો ?આટલી નાની જગ્યામાં તમને ફાવે છે ? તમે લોકોએ કેમ આવાં સાદાં કપડાં પહેર્યાં છે ?દાદુ, તમારી કમરકટાર ક્યાં ગઈ ?આ બધું શું છે ? કોઈ મને સમજાવશે ?”

એકી શ્વાસે ખુશીએ પ્રશ્નોની ઝડી વરસાવી પણ એનાં જવાબો સમજવાની સમજદારી નાનકડી ખુશીમાં ક્યાં હતી ?

દસ દિવસનાં રોકાણ દરમ્યાન ખુશીની સમજમાં ઘણું બધું આવી ગયું હતું પણ દલીલો કરવા માટે એ ઘણી નાની હતી.

અને એક દિવસ આ પ્રમાણે બન્યું.

આજે આગિયારાસનો વિશિષ્ટ દિવસ હતો. ખુશી માટે બાએ ખાસ જાતજાતની ફરાળી વાનીઓ બનાવી હતી. અસ્ખલિત અને બેઝિજક બોલ્યા કરતી ખુશી જમતી વખતે ખુબ શાંત હતી. અમરતબા એનાં મનની મુંઝવણ પામી ગયાં. જમ્યા બાદ ખુશીને પાસે બેસાડીને એમણે ખુબ વહાલ કરતાં કહ્યું,

“બેટા, સુખદુ:ખ તો એક સિક્કાની બે બાજુ છે. જીવનમાં બધાં જ દિવસો એક સરખાં નથી હોતાં. હવે આ ઉંમરે અમને કોઈ પણ લોભલાલચ કે આશાઉમંગ નથી રહ્યાં. હવે પ્રભુ બોલાવે એની જ રાહ છે. જીવનની તડકીછાંયડીમાં લોહીની સગાઈએ ભલે સાથ છોડ્યો, પણ આત્મનિરીક્ષણ કર્યાં પછી એટલું જરૂર સમજાયું છે કે આ દેહ તો નશ્વર છે. શરીર નાશવંત છે, પણ આત્મા તો અમર છે.”

“નૈનમ છિન્દંતી શસ્ત્રાણી, નૈનમ દહતી પાવક:”

તેજપાલશેઠ અહોભાવથી અમરતકુંવરબાને સાંભળી રહ્યાં. ખુશી આંખોમાં વિસ્મય અને દિલમાં આસ્થા સાથે સાંભળી રહી. મોડી રાત સુધી હાજર રહેલાં સૌ કોઈ બાની અસ્ખલિત વહેતી અમરતવાણીને આત્મસાત કરવાનો પ્રયત્ન કરતાં રહ્યાં. પોહ ફાટયો ને બાએ પ્રવચનને વિરામ આપ્યો.

બીજી સવારમાં નિત્યક્રમ અને પૂજાઅર્ચના કરી અમરતબાએ તાત્કાલિક સૌને ફરીથી ભેગાં થવાની સુચના આપી. સ્નાનાદિ પતાવી વળી પાછા બધાં આઉટ હાઉસના વિશાળ પ્રાંગણમાં એકઠાં થયાં.

અમરતબાએ અનુસંધાનમાં આગળ પ્રવચન ધપાવ્યું.

“ખુશી બેટા, જ્યાં પોતાનાં જ ફરી ગયાં ત્યાં કોને દોષ દેવો ? પણ કહે છેને કે ‘જે થાય તે સારા માટે થાય છે.’ અમને અમારા અસ્તિત્વનું જ્ઞાન કરાવવા બદલ અમે અમારાં બાળકોનાં આભારી છીએ. અમે એમને દિલથી માફી આપીએ છીએ અને હવે પછીનું એલાન કરશે તારા દાદુ.”

એમ કહી અમરતબાએ તેજપાલશેઠ સામે સ્મિત કર્યું.

તેજપાલશેઠે આંખો પર ચશ્મા ઠીક કરીને ઊંચાં ચડાવ્યાં, ગળું ખંખેર્યું અને શરીર ટટાર કર્યું. એમની આંખોમાં અને ચહેરા પર એક અલૌકિક ચમક વર્તાતી હતી. હાથમાં રહેલી ફાઇલમાંથી તેમણે એક સફેદ ફુલસ્કેપ કાગળ કાઢયો અને વાંચવાનું શરું કર્યું.

પ્રતિ જે. એમ. મેડિકલ હૉસ્પિટલ, અમદાવાદ.

મુખ્ય સંચાલકશ્રી,

સવિનય જણાવવાનું કે,

અમો નીચે સહી કરનાર તેજપાલ અને અમરતકુંવર, અનુક્રમે ઉંમર વર્ષ-ઇઠ્યોતેર અને પંચોતેર, આજની તારીખે સંપૂર્ણ સ્વસ્થ સ્વાસ્થ્ય ધરાવીએ છીએ. અમો સંપૂર્ણ હોશમાં જાહેર કરીએ છીએ કે જીવતાં જીવત અમે અમારાં દેહનાં સર્વે તંદુરસ્ત અંગોનું દાન કરવાં માંગીએ છીએ. આ રીતે જે આજીવન ના કરી શક્યાં તે સમાજોપયોગી સેવારુપ કાર્ય કરીને અમો કૃતકૃત્ય થવાં ઇચ્છીએ છીએ.આભારસહ, આપના તેજપાલશેઠ અને અમરતકુંવરબા, અંકોયા, ગુજરાત.

તેજપાલશેઠે જરાક ખોંખારો ખાધો અને કહ્યું,

“હવે એક અગત્યની વાત હું તમને આ બીજો પત્ર વાંચીને જણાવવા માંગું છું. એમ કહી ફાઇલમાંથી બીજો કાગળ કાઢીને વાંચવાનું શરું કર્યું.

પ્રતિ શ્રી નામદાર ન્યાયાધીશ શ્રી, ઉચ્ચ ન્યાયાલય, રાજધાની,

સવિનય જણાવવાનું કે,

અમો નીચે સહી કરનાર તેજપાલ અને અમરતકુંવર, અનુક્રમે ઉંમર વર્ષ-ઇઠ્યોતેર અને પંચોતેર, આજની તારીખે સંપૂર્ણ સ્વસ્થ સ્વાસ્થ્ય ધરાવીએ છીએ પરંતું જિંદગીની લાંબી મજલ હવે કપાતી નથી. જ્યારે પોતાનું જ લોહી મોં ફેરવી લે ત્યારે સાવ એકલવાયાં થઈને જીવવાનો કોઈ મતલબ લાગતો નથી.આથી અમે ‘ઇચ્છામૃત્યુ’ની આપ સમક્ષ માંગણી કરીએ છીએ.સ્વીકારીને અમને કૃતકૃત્ય કરશોજી. આભારસહ, આપના તેજપાલશેઠ અને અમરતકુંવરબા, અંકોયા, ગુજરાત.

પત્ર પુરો થયો અને આંખોમાં આંસું સાથે સૌ કોઈએ તાળીઓથી વાતને વધાવી લીધી. ચોધાર આંસું સારતી ખુશી અમરતબાને વળગી પડી. ડૂસકાં લેતાં લેતાં આભારવશ નજરો સાથે એ એટલું જ બોલી શકી,

“મને તમારા માટે હમેશાં ગર્વ રહેશે. તમે તો ‘જીવન’ અને ‘મૃત્યુ’ બંને દીપાવ્યાં॰”

બપોરે જ્યારે બા-બાપુની રિક્ષા ધૂળની ડમરી ઉરાડતી હૉસ્પિટલ ભણી ચાલી નીકળી ત્યારે, રોહન અને જીતેન, પત્ની સહિત, નજરથી ઓઝલ થતી જતી ધૂંધળાશ વચ્ચેથી,આંખોમાં ભેજ સાથે, એમને જોતાં જ રહી ગયાં. 

વાર્તાનો સાર: આ વાર્તા એવાં વૃધ્ધ દંપત્તિની વાત લઈને આવે છે જેમણે લગ્નજીવનની શરૂઆતથી જ સુખસાહયાબી ભોગવી છે. ભર્યોભાદર્યો સંસાર કાળક્રમે એવાં વળાંક પર આવી જાય છે જ્યાં પત્તાની માફક સુખ નામનો પ્રદેશ કડડડભૂસ થઈ જાય છે. લોહીની સગાઈ દગો કરે છે. ત્યારે આ વૃધ્ધોને જીવનને એક નવો અર્થ આપવાનું સૂઝે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational