Daxa Ramesh

Inspirational Others

3  

Daxa Ramesh

Inspirational Others

શ્રાદ્ધ

શ્રાદ્ધ

3 mins
8K


રેણુકાને આ બધું 'ઢકોસલા' જ લાગતું. પોતે એક આધુનિક વિચારસરણી ધરાવતા કુટુંબમાં જન્મી અને મુક્ત વાતાવરણમાં ઉછરી હતી. અહીં સાસરે આવ્યા પછી એણે બધા જ વાર તહેવાર અને પ્રસંગો પારંપરિક રીતે ઉજવાતા જોયા. જે એના મગજમાં ખાસ બેસતું નહિ. પણ, સાસુ સસરા અને પતિનો ભરપૂર પ્રેમ પામતી રેણુકા ખૂબ સમજુ અને સંસ્કારી હતી .તે કોઈ વાતનો વિરોધ ન કરતી પણ, તટસ્થ દ્રષ્ટિએ બધું જોયા કરતી.

પણ, તેના દીકરો અને દીકરી હવે મોટા થયા, આ બધું જોતાં ત્યારે એ પ્રશ્ન પૂછી પૂછીને થકવી દે એવા હતાં. એ વખતે રેણુકાનો એક જ જવાબ હોય, "જાવ દાદા ને જઈને પૂછો !"

આજે પણ, માહી અને રુહી બન્ને ભાઈબેને પૂછ્યું, "મમ્મી ! આ શ્રાદ્ધ શું છે ? શા માટે કરવાનુ ?" અને મમ્મી એ દાદા પાસે મોકલ્યા અને બન્ને દાદા, સુમનરાય પાસે જઈને એ જ સવાલ દોહરાવ્યા.

સુમન રાય એ એમને પ્રેમથી પોતાની પાસે લઈ એમની સમજ પ્રમાણે જવાબ આપ્યો...

"શ્રાદ્ધ એટલે શ્રદ્ધા પૂર્વક આપણા પિતૃઓને યાદ કરવા. એમની પાછળ બ્રહ્મ ભોજન કરાવવું, કાગવાસ નાખવી અને બેન દીકરીઓ તથા કુટુંબ કબીલા સાથે ભોજન કરવું. યથાશક્તિ દાન આપવું. આનું નામ શ્રાદ્ધ."

નાનકડા માહી એ પૂછ્યું, "હા, દાદા પણ શ્રાદ્ધ શા માટે કરવાનું ?"

દાદા એ સમજાવ્યું, " માહી ! આ એક પ્રકારનું "થેન્ક્સ ગિવિંગ" છે. આપણે જે કુળમાં જન્મ્યા એ કુળના વડવા ઓ પ્રત્યે આપણે કૃતજ્ઞ છીએ. એમને આ દિવસે યાદ કરીને આપણને આપણા કુટુંબ પ્રત્યે ગૌરવ અનુભવીએ."

રુહી એ દાદાનું મોં પોતાના તરફ કરતાં કરતાં પૂછ્યું, "દાદા, તો એમાં બ્રાહ્મણોનું શુ કામ ?"

દાદાએ પોતાની સમજશક્તિ મુજબ કહ્યું, "ભગવાન એટલે બ્રહ્મ. અને બ્રહ્મના બે મુખ છેએક અગ્નિ જેને માટે, જેનાથી આપણે વિવિધ યજ્ઞો કરીએ છીએ અને બીજા બ્રાહ્મણો જે બ્રહ્મની વાતો અને સંસ્કાર આ સમાજમાં પ્રસરાવે અને આપણી સંસ્કૃતિ ટકી રહે તે માટે કાર્ય કરતાં હોયબ્રહ્મના પ્રતીક રૂપે શ્રદ્ધાથી એમને જમાડીએ એ સાચું શ્રાદ્ધ."

ત્યારે માહી પૂછી બેઠો, "તો પછી, આ કાગડાઓ એમાં ક્યાં આવ્યા ?"

સુમનરાયે હસીને જવાબ આપ્યો, " જેમ તારી સ્કૂલમાં ટીચર કહે ને ? કે આ રુલ્સ ફોલો નહિ કરો તો તમને આપણા ટ્રસ્ટી ખીજાશે, કાઢી મુકશે સ્કૂલમાંથી ?"

રુહી કહે, "દાદાજી એ તો અમને કન્ટ્રોલમાં રાખવા માટે કહેતા હોય, નાની નાની વાતમાં કોઈ ટ્રસ્ટી સ્ટુડન્ટ્સને કાઢી ન મૂકે."

હસીને દાદા કહે, "એવી જ રીતે આપણા પૂર્વજો ખૂબ બુદ્ધિશાળી હતા. કાગડા એ પ્રકૃતિનો એક મહત્વનો ભાગ છે. એ ઇનડાયરેકટલી વડલા અને પીપળા ઉગાડવામાં મહત્વનો રોલ ભજવે છે. એમની જાતિને બચાવવા અને ટકાવવા એમને ધર્મ સાથે જોડી દીધું. નહિતર આપણે સીધે સીધું કાંઈ માનીએ એવા નથી. આ ભાદરવા મહિના દરમિયાન કાગડાના નાના બચ્ચા આવ્યા હોય અને એમનું જીવન ટકાવવા, સારું સારું પોચુ પોચુ, દૂધમાં ચોળેલી રોટલી કે ખીર રોટલીની ખાસ કાગવાસ કરીને નાખવાનું ધર્મ સાથે જોડી દીધું. જેથી કુદરતની એક આખી સાંકળ છે તેની કડી તૂટી ન જાય !"

રુહી બોલી, હા અમારા મેડમ પણ કહેતા હતા કે, 'ટેક્નોલોજીના ડેવલપમેન્ટની આડ અસર એ પણ થઈ છે કે આજે આપણને ચકલીઓ ખૂબ ઓછી જોવા મળે છે. આ પ્રમાણે કાગડા પણ જો બચાવશું નહિ તો એમનું ચિત્ર જ હવેની પેઢીને બતાવવું પડશે !"

માહી કહે, "માન ગયે હો દાદાજી, આપણા પૂર્વજો સ્માર્ટ હતાં. આપણે પણ એમને યાદ કરવા જરૂરથી શ્રાદ્ધ કરીશું"

કામ કરતા કરતાં રેણુકા આ બધું સાંભળીને ખુશ થઈ અને આવો સરસ પરિવાર આપવા બદલ પરમ કૃપાળુ પરમેશ્વરને વંદી રહી !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational