શિયાળભાઈની શિખામણ
શિયાળભાઈની શિખામણ
થોડા સમય પહેલાની આ વાત છે. એક જંગલમાં શિયાળભાઈ રહેતા હતા. તે ડોકટર હતા. તે ખૂબ પ્રમાણિક અને હોંશિયાર હોવાથી જંગલના બધા પ્રાણીઓ તેમની ત્યાં દવા કરાવવા માટે જતાં હતા.
એક દિવસ સવાર સવારમાં લગભગ ૧૦ વાગે એક માંજર નામનું કૂતરું દોડતું દોડતું દવાખાને આવ્યું. તેના મોઢામાંથી લોહી નીકળતું હતું. જેવું દવાખાને આવ્યું તેવું ફટાફટ ડોકટર સાહેબે તેની દવા કરી પાટા પીંડી કરી દીધી. ત્યાર બાદ ડૉ. શિયાળ ભાઈએ કીધું " બોલો કૂતરા ભાઈ તમને આ મોઢામાં કેવી રીતે વાગ્યું ?" ત્યારે કૂતરા ભાઈ કહેવા લાગ્યા," ડોકટર સાહેબ, જવા દો ને. આજે સવારે હું ખોરાક ની શોધ માં શહેર માં ગયો હતો. ઘણી તપાસ કરી છતાં મને ક્યાંય ખોરાક ના દેખાયો. એવામાં એક જગ્યાએ મેં એક વાદળી રંગ અને બીજો લીલા રંગના એમ સરસ બે ડબ્બા દેખ્યા. મેં જોયું કે બધા લોકો તેં ડબ્બામાં કંઈક નાખતા હતા. એટલે મને એમ કે આમાં ખાવાનું જ હશે. એટલે મેં ત્યાં જઈને વાદળી રંગના ડબ્બામાં ખાવા માટે મોઢું નાખ્યું પણ મને ખાવા ના મળ્યું પણ તેની જગ્યાએ આ મોંઢામાં વાગ્યું. " ત્યારે ડોકટર સાહેબે જવાબ આપ્યો," અરે કૂતરા ભાઈ, તમને હજુ નથી ખબર કે વાદળી ડબ્બામાં સૂકો કચરો હોય,અને લીલા રંગ ના ડબ્બામાં લીલો કચરો હોય, તમે લીલા ડબ્બાની જગ્યાએ વાદળી રંગના ડબ્બામાં મોઢું નાખ્યું એટલે વાગ્યું. " ત્યારે કૂતરા ભાઈ બોલ્યા," ડોકટર સાહેબ મને સમજાઈ ગયું હવે કે લીલા રંગના ડબ્બામાં જ ખાવાનું હોય,પણ ડોકટર સાહેબ તમને આ બધું કઈ રીતે ખબર પડે છે ? ત્યારે શિયાળ ભાઈ બોલ્યા," આ બધું શાળામાં શીખવા મળે છે, જાહેરાત દ્વારા જાણવા મળે છે. " કૂતરા ભાઈ કહે," સારું ડોકટર સાહેબ હવે હું ધ્યાન રાખીશ અને મારા બાળકોને પણ શાળામાં મોકલીશ.
તો બાળ દોસ્તો, તમને પણ ખબર પડી હશે ને કે આપણે પણ હંમેશા લીલો કચરો લીલા રંગની કચરાપેટીમાં નાખવો જોઈએ અને સૂકો કચરો વાદળી રંગની કચરા પેટીમાં નાખવો જોઈએ.
