Vibhuti Desai

Inspirational Children

4  

Vibhuti Desai

Inspirational Children

શિખામણ

શિખામણ

2 mins
387


વાત છે ૧૯૬૮ની. મારા પિતાજીને મધુપ્રમેહની બિમારી. એક દિવસ બજારમાં ગયેલાં ત્યાં જ મધુપ્રમેહનું પ્રમાણ ઘટી જવાને કારણે લથડિયાં ખાવા માંડ્યા. ગામનાં યુવાનો રમતાં હતાં તેમણે જોયું એટલે સાયકલ પર બેસાડી ઘરે લાવ્યા. ગ્રામજનોને પણ ચિંતાજનક લાગતાં સાથે આવ્યાં.

શરીર ઠંડુ લાગતાં લોકોએ પગનાં તળિયામાં સૂંઠ ઘસવા માંડી. દાક્તરને બોલાવ્યાં પરંતુ એમને કંઈ સમજાયું નહીં. પિતાજીને બોલવામાં પણ તકલીફ પડવા માંડી.

મારા મોસિયાત કાકા નવસારીમાં જાણીતા દાક્તર, મને તરત જ યાદ આવ્યાં, દોડતી ગઈ પોસ્ટ ઓફિસમાં. કાકાનો ફોન નંબર તો મોંઢે જ. પોસ્ટમાસ્તરને પરિસ્થિતિ જણાવી, ઉતાવળમાં પૈસા નથી લાવી કાલે આપી જઈશ એવું જણાવ્યું છતાં પણ મને નંબર જોડી આપ્યો. મારાં કાકા મારા પિતાજીની પરિસ્થિતિથી માહિતગાર એટલે મારી વાત પરથી એમને ખ્યાલ આવી ગયો અને તાત્કાલિક ગ્લુકોઝનું ઇંજેક્શન મૂકવા કહ્યું.

ઘરે આવીને દાક્તરને કહ્યું પરંતુ એ તો તૈયાર જ ન થાય, એટલે મારી હિંમત તૂટી અને હું રડી પડી. અંતે ગ્રામવાસીઓએ જવાબદારી લીધી ત્યારે ઇંજેક્શન મૂક્યું અને પિતાજીને રાહત થઈ. મારા કાકા આવ્યાં ત્યાં સુધીમાં પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ.

બીજે દિવસે મને પિતાજીએ પૂછ્યું," શું કામ રડતી હતી ?" એટલે ફરી રડી પડી અને કહ્યું," તમારી પરિસ્થિતિ ખરાબ અને દાક્તર કાકા ઇંજેક્શન મૂકવા તૈયાર ન થાય તમને કંઈ થઈ જતે તો ? એ વિચારે રડી પડેલી. "

એ સમયે પિતાજીએ મને જે શિખામણ આપેલી એ આજે પણ હૈયે અંકિત છે. એમણે કહ્યું, "તું તો મોટી, તું જ એમ હિંમત હારે તો બધાને કોણ સાચવે ? એક વાત હંમેશાં યાદ રાખજે કે ગમે એવી વિપત્તિ આવે એનો હિંમતથી સામનો કરવો. એ ઘડીએ રડવા બેસીએ તો વિપત્તિનો સામનો કરવાનો માર્ગ ન સૂઝે અને પરિસ્થિતિ બગડે."

મારી માત્ર સત્તર વર્ષની ઉંમરે, પિતાજીએ આપેલી શિખામણ મેં બરાબર હૈયે અંકિત કરી અને તે દિવસથી હું ગમે એવી વિપત્તિમાં રડ્યા વિના સામનો કરું અને બધું પત્યા પછી દિલ હળવું કરવા રડી લઉં.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational